કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ

  • 1.2k
  • 412

અંગેઅંગ ઠૂંઠવાઈ જાય એવો ઠાર વરસતો હતો. હેમાળા જેવી ટાઢમાં સ્ટેશન આખું જાણે કે ટૂંટિયાં વાળીને સૂતું હતું. આમેય મધરાતનો સુમાર હોવાથી યાર્ડમાં અને આજુબાજુ સૂનકાર તો છવાઈ જ ગયો હતો. એમાં વળી વીંછીના ડંખ જેવી કાતિલ ઠંડીને લીધે આખું વાતાવરણ જાણે કે નિસ્તબ્ધ બની ગયું હતું. આવા નિસ્તબ્ધ વાતાવરણમાં સ્ટેશન-માસ્તરની ઑફિસમાં મોર્સ સાઉન્ડર ઉપર ઊતરતા તારસંદેશનો એકધારો ટક ટક…ટક ટક અવાજ વધારે પડતો મોટો અને કર્કશ લાગતો હતો. આ યાંત્રિક અવાજ સાથે, થોડે થોડે આંતરે નજીકની સીમમાંથી તરસ્યાં શિયાળિયાંની લાળી સંભળાતી ત્યારે વાતાવરણ વધારે બિહામણું લાગતું હતું… તાપણાની ઉષ્મામાં પોતાનાં ઠૂંગરાઈ ગયેલા હાથપગ શેકતાં શેકતાં, સમય પસાર કરવા માટે