ek vahu avi pan books and stories free download online pdf in Gujarati

એક વહુ આવી પણ

આખી સોસાયટી સોના બેનને જોઇને આશ્ચર્ય માં પડી ગઇ, સોસાયટી ના નાકે મંદિર હતું જ્યાં રોજ સવારે આરતી થાય અને તેમાં સોનાબહેન હાજર જ હોય પણ આજનો તેમનો વેશ જોઇને તો સોસાયટી ના લોકો ને તેમાંય ખાસ તો મહિલા ઓ તો ફાટી આંખે જોઇ રહી.
વર્ષોથી સોના બહેનને બધાએ દરરોજ સાદી આછા રંગ ની સાડીમાં જ જોયેલા તે સોના બહેન આજે પીળા કલર ના બાંધણી પ્રિન્ટ ના કૃર્તા અને લેગિસમાં સજજ હતા.ધોયેલા ખુલ્લા વાળ, અને આછો મેકઅપ ૪૮વર્ષ ના સોના બહેન જાણે ૩૫ ના લાગતાં હતા.
બહુ નાની ઉંમરમાં કેવલ ના પિતાનું અવસાન થયું ,પિયરમાં કોઇ હતું નહી, સોનાબહેને જ કેવલને એકલે હાથે મોટો કર્યો હતો.
સરકારી શાળામાં નોકરી કરતાં એટલે પૈસા નો પ્રશ્ન તો નહતો નડ્યો પણ એકલા હાથે કેવલને મોટો કરવો કઠિન હતું, પોતાની સુંદરતા જ તેમને નડતી હતી આખરે સમાજ ના કેટલાંક લોકો ની નજરથી બચવા તેમણે સાદગીમાં પોતાની જાત ઢાળી દીધી હતી,બસ સવારે સોસાયટી માં આવેલા મંદિર જાય અને પછી સ્કૂલ બસ આ બે જગ્યા સિવાય ક્યારેક ક્યાંક જવાનું નહીં, કેવલ ને મોટો કરી સારી નોકરી કરતો જોવો, સારો માણસ બનાવવો એ જ તેમનુ ધ્યેય ને કેવલ જ તેમની પૂરી દુનિયા, કેવલ પણ સંસ્કારી હતો પોતાની મા ની મહેનત વર્ષોથી જોતો આવ્યો હતો એટલે ક્યારેય તેમને દુઃખ પહોંચે એવુ કામ ન કરતો.
હજુ તો ૨ દિવસ પહેલાં જ કેવલ ના લગ્ન થયા હતાં , રીવા ને જોકે સોના બહેને જ પસંદ કરી હતી, તેમના નણંદના સાસરી પક્ષમાં તેમના ફોઇ સાસૂની દીકરી હતી. લગ્ન પ્રસંગે ઘણીવાર રીવાને જોઇ હતી સુંદર તો હતી જ પણ તેની ફેશન સેન્સ પણ ગજબની હતી જે પણ પહેરતી તેમાં તેની સુંદરતા ઔર ખીલી ઉઠતી ઉપરથી કેવલની જેમ તે પણ એમ. બી. એ થઇ હતી અને કંપની માં જોબ કરતી હતી.
જો કે કેવલ ની ફોઇ તો સોના બહેનને ના જ પાડતાં હતા કે બહુ મોર્ડન છે આ તો આપણા ઘરમાં નઇ ચાલે પણ સોનાબહેનને ગમી હતી કેવલ સાથે આ જ છોકરી શોભે એમ કરીને તેમણે વાત આગળ વધારી હતી અને ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.
લગ્નની રાતે જ કેવલે રીવાને પોતાની મા એ પોતાના માટે કરેલા ત્યાગની વાત કરી હતી,અને અત્યાર સુધી મા એ મારા માટે ઘણું કર્યું છે ,મને સાચવવામાં આ ઘર બહાર ની દુનિયા તે ભૂલી જ ગઇ છે બસ સ્કૂલ અને ઘર હવે બસ તું મા ને હવે સાચવજે એમ કહ્યું હતું રીવા થોડીવાર તો કંઇક વિચાર માં પડી ગઇ.
અચાનક કંઇક સૂજતા મા એ રૂમમાં આવતા પહેલાં આપેલી મનાલી ટુર ની હનીમૂન ટીકીટ લઇ આવી હતી બે દિવસ પછી જ તેઓ હનીમૂન મનાવવા મનાલી જવાના હતાં તેણે ટિકિટ પરથી ટ્રાવેલ એજન્ટ ને કોલ કર્યો અને પોતાની સાથે એક સીટ વધુ બુક કરવા કહ્યું એજન્ટે બધી સીટ બુક થઇ ગઇ છે અત્યારે તાત્કાલિક તો સીટ નહીં જ મળે એમ જણાવ્યું પણ તેણે બહુ આગ્રહ કર્યો અને જો બીજી ટીકીટ નહીં મળે તો પોતે આ ટીકીટ પણ રદ કરશે એમ કહ્યું ત્યારે એજન્ટે થોડીવાર પછી કોલ કરવા જણાવ્યું.
થોડીવાર પછી એજન્ટ નો સામે થી કોલ આવ્યો કોઇકે પોતાની સીટ કેન્સલ કરાવી હતી તેની જગ્યાએ એક ટીકીટની વ્યવસ્થા કરી આપી. રીવા ખુશ થઇ ગઇ કેવલ નો હાથ પકડીને તેને મા ના રૂમમાં લઇ ગઇ.
સોનાબહેન તો અડધી રાતે બેડરૂમનો દરવાજો ખખડતા ગભરાઈ ગયા પણ સામે ઉભેલી રીવાનુ મો ચડેલુ હતુ તે જોઇ તે મૂઝાંઇ ગયાં
આ તમારો દીકરો તો આજે આ ખાસ રાત છતાં મારા માટે કંઇ ગિફ્ટ નથી લાવ્યો મને તો અત્યારે જ ગિફ્ટ જોઇએ રીવાએ ગુસ્સા થી કહ્યું,
સોનાબહેન ને તેમનાં નણંદની વાત યાદ આવી ગઇ , લગ્નમાં રીવાને જોઇએ એવી જણસો અને એકથી એક ચડિયાતી સાડીઓ લીધી હતી,તોય આને હજુ શું જોઇતુ હશે તેમણે કૈવલ સામે જોયું કૈવલ શાંત ઉભો હતો. તેમણે રીવાને શાંત પાડતાં બોલ તને શું જોઇએ, હુ આપીશ બસ એમ કહ્યું, ના પહેલાં પ્રોમિસ આપો માંગુ તે આપશો એમ રીવા એ નાના બાળકની જેમ જીદ કરતા કહ્યું .સોનાબહેને તેને પ્રોમિસ આપતા કહ્યું તુ જે માગશે તે આપીશ. તમારે પણ અમારી સાથે મનાલી ફરવા આવાનું છે એમ કહીને રીવા હસી પડી કૈવલ પણ મલકાઇ ઉઠ્યો.
હનિમૂન કરવા તો કોઇ માને સાથે લઇને જતુ હોય તેમ કહી સોનાબહેને ઘણી આનાકાની કરી પણ રીવા એકની બે ન થઇ .પતિ પત્ની એકબીજા સાથે સમય વિતાવે એકબીજાને સમજે એટલા માટે હનિમૂન પર જાય છે મારે તો તમારા દીકરાની સાથે સાથે તમને પણ સમજવા છે આપણો સંબંધ પણ મજબુત બનાવવો છે, એમ કહીને રીવા તેમને વળગી પડી આખરે તે બંને ના પ્રેમ સામે સોનાબહેને ઝૂકવું જ પડ્યું.
બે દિવસમાં તો રીવાએ સોનાબહેનનો આખો લૂક બદલી નાંખ્યો ,સાદી સાડીની જગ્યાએ સલવાર કમીઝ અને કુર્તા,લેગીસ આવી ગયા સોનાબહેનને પ્રેમથી મનાવતા તેણે તેમની જીંદગીમાં ફરી રંગ ભરી દીધાં, આજે પણ સરસ મજાના તૈયાર થઇ મંદિર દર્શન કરવા આવ્યા પોતાને આવો સરસ દીકરો અને દીકરા કરતાંય સવાઇ એવી વહુ આપવા બદલ પ્રભુનો આભાર માન્યો.ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો. તે મલકાતા મુખે મંદિરના પગથિયા ઉતર્યા દીકરા વહુ સાથે હનીમૂન પર જો જતાં હતા.