.....Give me the dark books and stories free download online pdf in Gujarati

.....મને અંધારા આપો

*મને અંધારા આપો*

અગાસીમાં પડેલી રબ્બરની લાંબી પાણી પાવાની નળી તડકાના કારણે ખરાબ થઈ ગયેલી અને જ્યાં ત્યાંથી વળ ખાઈ ગયેલી.ઘણા સમય થી વિચારતો હતો કે આને ફેંકી દેવા કરતાં જ્યાં જ્યાં સારી છે ત્યાં કાપીને નાનો પીવીસી પાઇપનો કટકો અડપ્ટર તરીકે નાખીને પાછી કામમાં લાવી શકાય.પણ, આળસ કહે મારું કામ! મુહર્ત જ નહોતું આવતું અને અગાસીમાં ફૂલનાં કુંડા વચ્ચે લોચો થઈને પડેલી આ નળી રોજ ખટકતી હતી.
આજે સાંજે એણે મારું સરખું ધ્યાન દોર્યું .અગાસી પર જ સૂર્યાસ્ત થઈ ગયો એટલે હવે તો કંઈ થાય નહિ.વિચાર્યું કે ગમે તે થાય પણ આ નળીનું તો કંઇક કરવું જ. વિચાર્યું-ચાલો, આજે રાત્રે જમીને આ કામ કરી જ નાખું.તેના માટે લોચો વળેલી નળીને ઉપાડીને દાદરાના છેલ્લે પગથિયે ફેંકી ને કામની જાણે શરૂઆત કરી દીધી. નીચે નજર સામે હોય તો આળસ ઉડે...
પણ,જમીને વિચાર કરતાં કરતાં સાડા દસ તો થઈ જ ગયા.મનમાં થયું કે હવે કાલે જ કરીશ.. પણ પાછો વિચાર આવ્યો કે આટલી આળસ આ નળી માટે કેમ? એ ના જ ચાલે ...! મન મક્કમ કરીને રસોડામાંથી ચપ્પુ ઉપાડ્યું ને આંગણાની લાઈટ ચાલુ કરી અને દાદરાના છેલ્લે પગથિયે પડેલી નળીનો લોચો ઉપાડીને વચોવચ રાખ્યો.હજી ચપ્પુ ઉપાડીને કંઈક વિચારું તે પહેલાં તો મારા સામેના મકાનના વેંટીલેશનના બહારના ભાગમાં બેઠેલી ચકલી ઝડપથી મારા કાનને પાંખ વિંઝીને આંગણામાં પતરાના ઇંગલમાં લટકતા માટીના માળામાં ઘૂસી ગઈ.હું કઈ સમજીના શક્યો અને મારા કાનને પંપાળવા લાગ્યો.
મને મારી માના શબ્દો યાદ આવ્યા- " બેટા,આંગણામાં ચકલીએ માળો કર્યો છે ને તેમાં બચ્ચાં છે .જ્યાં સુધી આ બચ્ચાંઓ માળામાં છે ત્યાં સુધી આંગણાની લાઈટ ચાલુ ના કરતો. લાઇટ કરવાથી બચ્ચાં દિવસ સમજી બેસે અને ખાવા માટે એ બહાર મોઢું કાઢે કે હમણાં એની મા એમને ખાવાનું દેશે.એમ કરતાં એ ક્યાંક નીચે પડી જાય એટલે એ ખ્યાલ રાખજે"
માના આ શબ્દો યાદ આવતાં મેં તરત જ લાઈટ બંધ કરી ને ખાટલે બેસી ને માળાની ગતિવિધિ જોઈ રહ્યો.થોડી જ વારમાં ચકલી માળામાંથી નીકળીને સામે એની જગ્યાએ બેસી ગઈ....
બચ્ચાંને અંધારું આપવા એ માળામાં જઈને પાંખો પહોળી કરીને વહાલસોયા બચ્ચાં ને આગોસમાં છુપાવ્યાં હશે અને એમ જ કીધું હશે ને કે ,"મને કોઈ અંધારા આપો !"
સમજવાની વાત તો એ હતી કે સૂર્યાસ્ત પછી આ ચકલીએ માળો મૂકી દીધો બચ્ચાંનાં હવાલે... ત્યાર પછી પણ એ નિશ્ચિંત નથી.સતત તેનું ધ્યાન તો સામેના ઘરેથીયે બચ્ચાંનાં રખોપાંમાં જ રહેલું હતું.જેવી મેં લાઇટ ચાલુ કરી અને એ તીવ્રતાથી ઊડીને મને પાંખ વિંઝતી માળામાં ગઈ એ આખી ગતિવિધિ કઈક જુદી જ અને રહસ્યમય હતી.સામાન્ય રીતે રાત્રે ચકલી કે અન્ય પક્ષીઓ જે નિશાચર નથી તે ક્યારેય ઉડતા નથી.
મેં પાછી નળી દાદરાના છેલ્લા પગથિયે ફેંકી ને આ કામ હવે દિવસે કરવાનું નક્કી કર્યું.પણ આ ચકલીએ મારેલી કાનમાં પાંખ જાણે મારી માએ મારો કાન મરડ્યો હોય એવો ભાસ થયો.
જ્યારે એક સેવાભાવી સંસ્થામાંથી લાવીને પાણીનાં કુંડા અને ચકલીનો માટીનો માળો ઘરમાં લટકાવ્યો એનો સહુથી વધુ રાજીપો માને હતો.માળા લટકાવ્યા કે તરત જ ચકલીઓની અંદર અવરજવર શરૂ થઈ ગઈ હતી.માળા માટે મા તેના જૂના સાડલા માંથી લીર કાપીને રાખે અને કપાસને હાથથી ઝીણો ઝીણો કાંતીને એ ચકલીને હાથોહાથ આપે એ હું જોઈ જ રહેતો.માના હાથમાંથી કપાસ હું લઈને ચકલી સામે ધરું તો એ કપડાં સુકવવાની દોરી પર બેસીને ચકળવકળ મને જોયા કરે પણ મારા હાથમાંથી લે નહિ. પણ,ફરી મા હાથ લાંબો કરીને આપે તો ચકલી તરત જ ઊડીને માના હાથમાંનો કપાસ ચાંચમાં લઇને માળામાં ઘુસી જતી.મા ને આ રહસ્ય પૂછું તો એ માત્ર થોડુક હસે.મને હજી એ રહસ્ય નથી સમજાયું.....!!
16/06/23ના પૂરા બાર મહિના થાય છે, એક વર્ષ, મારી મા મને અંધારામાં એકલો મૂકીને ગઈ તેને.
પણ. ...
પણ,માનો જીવ એક ચકલીના બચ્ચાં માટે પણ એટલો જ તડપે છે..
ત્યારે સમજાય છે કે જીવનમાં એવી કેટલીય ક્ષણો આવી હશે જ્યાં મા પોતાના સંતાનો માટે અંધારા પણ માગતી હશે.
95 વર્ષની ઉમરે મારાથી કાયમી છૂટી પડેલી માએ મારા માટે શું માગી ને વિદાય લીધી હશે .????!
એ જ.ને ....કે અંધારા પછી અજવાળું ને અજવાળા પછી અંધારું.......
અંધારાની આગોસમાં પણ ક્યારેક સલામતી હોય છે ...
એટલે ચકલીની જેમ ક્યારેક માંગી લેવું .
........"મને અંધારા આપો"

સી.ડી. કરમશીયાણી