Our nutty gang books and stories free download online pdf in Gujarati

અમારી નટખટ ટોળકી

વાર્તા:- અમારી નટખટ ટોળકી
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.


કેવી મજા આવે ને જો અચાનક તમને તમારાં કોઈ મિત્ર કે સખી વર્ષો બાદ ફોન કરીને તમારાં ખબરઅંતર પૂછે!!! આટલું જ નહીં, આ ઘટનાના થોડા જ સમયમાં તમને ખબર પડે છે કે તમે બીજા પણ ઘણાં મિત્રો કે સખીઓ સાથે સંપર્કમાં રહી શકો એમ છો, તો તો આ ખુશી બેવડાઈ જ જાય ને?!!! આવું જ કંઈક મારી સાથે પણ બન્યું.


આ સત્યઘટનાનું વર્ણન હું નીચે વાર્તા સ્વરૂપે કરી રહી છું. વાંચજો, મજા આવશે. શું ખબર આ વાંચ્યાં બાદ તમને પણ તમારાં મિત્રો કે સખીઓ સાથે ફરીથી ઉંમરનાં પડાવ ભૂલવાની ઈચ્છા થઈ આવે અને ફરીથી એક વાર તમે નાના બની જાઓ!!!



"હાય સ્નેહલ, કેમ છે? કલ્પેશ હિયર." ત્રણ વર્ષ પહેલાં મારા વોટ્સએપમાં 'કૉલેજ ગ્રુપ' તરીકે એક ગ્રુપમાં આવો મેસેજ આવ્યો. નામ જોયાં તો માત્ર બે જ - સ્નેહલ એટલે કે હું અને કલ્પેશ, જે કૉલેજમાં મારા ક્લાસમાં હતો. કૉલેજ પછી પણ અમે એકબીજાનાં સંપર્કમાં હતાં જ. અમે ઘણાં બધાં ફ્રેન્ડ્સ એકબીજા સાથે સંપર્કમાં હતાં પણ અલગ અલગ રીતે.


સૌથી વધારે કોઈ અન્ય ફ્રેન્ડ્સ સાથે સંપર્કમાં હતુ તો હું. પછી મારી અને કલ્પેશ વચ્ચે ચર્ચા થઈ કે આ ગ્રુપમાં અમે બંને જણાં ભેગા મળીને બધાં ફ્રેન્ડ્સને જોડી દઈએ. જેમ જેમ જોડતા ગયાં એમ એમ એ બધાનાં થકી પણ ઘણાં ફ્રેન્ડ્સ જોડાતાં ગયાં. સૌથી મોટી મુસીબત પડી છોકરીઓને શોધવાની. ખબર નહીં લગ્ન પછી બધી ક્યાં ગાયબ હતી? માંડ માંડ ભેગી કરી બધીને!😂 હાલમાં અમે 39 જણાં છીએ આ ગ્રુપમાં. અન્ય પાંચ છ જણાએ ગ્રુપમાં રહેવાની ના પાડી છે પણ સંપર્કમાં છે.


દરરોજ સવારે એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કરી યાદ કરી લઈએ છીએ. ક્યારેક ફ્રી હોઈએ તો જૂનાં દિવસો યાદ કરીએ છીએ. પહેલો એક મહિનો તો અમે બધાં એકબીજાને કૉલેજ પછી આગળ શું ભણ્યા?, ક્યાં રહે છે? નોકરી ક્યાં કરે છે?, છોકરી હોય તો નોકરી કરે છે કે નહીં? હાલમાં દેશમાં જ રહે છે કે વિદેશી થઈ ગયા? વગેરે જેવી માહિતીની આપ લે જ કર્યા કરી.


અઠવાડિયે એકાદ દિવસ અમારે લાંબી ચર્ચા ચાલે. કોઈક એક વ્યક્તિને ટાર્ગેટ કરી શાંતિથી એની મજા લૂંટીએ. કોઈને ખોટું નથી લાગતું એટલે જ તો આવું કરી શકીએ! પછી ધીમે ધીમે બધાં એમાં જોડાતાં જાય. જેની ખેંચતા હોઈએ એની એન્ટ્રી વચ્ચેથી પડે. પછી વધારે મજા આવે.


અઠવાડિયામાં એકાદ વાર કૉલેજમાં કરેલી મસ્તી, કોલેજના પ્રોફેસર તરફથી મળેલાં વખાણ, તો કોઈકને મળેલી સજા, કૉલેજમાં ઉજવેલ વિવિધ ડે, ખાસ કરીને ચોકલેટ ડે😋 બધું યાદ કરીએ.


ભલે કહેવાતું હોય કે આ સોશિયલ મીડિયાને લીધે બધાં એકબીજાથી દૂર થઈ ગયાં, પણ સાચું કહું તો અમે તો દૂર થઈ ગયેલાં ફરીથી ભેગાં થયાં. રૂબરૂ મળવાનું તો મોટા ભાગના ફ્રેન્ડ્સ માટે શક્ય નથી, ખાસ કરીને છોકરીઓ (હાલની સ્ત્રીઓ😂😂😂) તરફથી, એટલે અમારે માટે તો આ સોશિયલ મીડિયા જ અમારું થિયેટર, અમારી કેન્ટીન અને અમારું મળવાનું સ્થળ!


એવું નથી કે અમે બધાં જ ગ્રુપમાં એક્ટિવ છીએ, કેટલાંક માત્ર કોઈની બર્થ ડે પર વિશ કરવા જ દેખાય છે. પણ ત્યારે અમે ફરીથી કોલેજીયન થઈ જઈએ છીએ અને એમને ચીડવી લઈએ છીએ એમ કહીને કે, "જો, આ આજે નાસ્તો કરવા આવ્યાં, કેક ખાવા આવ્યાં (બધું ફોટામાં જ હોં, જો જો પાછા એમ નહીં સમજતાં કે અમે ભેગાં થઈને પાર્ટી કરીએ છીએ 😀).


ટૂંકમાં, એમ કહું તો ખોટું નથી કે આ સોશિયલ મીડિયાએ અમે જૂનાં મિત્રોને ફરીથી ભેગાં કર્યાં અને આમ પણ કહેવાય છે ને કે, 'ઉંમરનાં એક પડાવ પછી તુ કહીને બોલાવનારા ઓછાં અને તમે કહીને બોલાવનારા વધી જાય છે.' આવા સમયે જ્યારે કોઈક જૂનો મિત્ર કે સખી અચાનક મળી જાય અને દિવસમાં એકાદવાર પણ તુ સાંભળવા મળી જાય એટલે મન એક અલગ જ પ્રકારની ખુશી અનુભવે.


આભાર.


સ્નેહલ જાની.