Shir Kavach - 8 books and stories free download online pdf in Gujarati

શિવકવચ - 8

ગોપીની ચીસ સાંભળીને બધા દોડયા. જીવીબાના રૂમમાં જઈને બધાએ જોયું તો જીવીબાની આંખો અધ્ધર સ્થિર થઈ ગઈ હતી. શિવે હાથ પકડીને હલાવ્યા.
"જીવીબા." એણે ખભાથી પકડીને હલાવ્યા.
કંઈ જવાબ ના મળ્યો.
શિવ બહાર દોડ્યો. બાજુવાળા ભાઈને જલ્દી ડોક્ટર બોલાવાનું કહ્યું.થોડી જ વારમાં ડોક્ટર આવ્યાં. જીવીબાને તપાસીને કહ્યું
"જીવીબા પરમધામમાં પહોંચી ગયા."
સાંભળીને ગોપી રડવા લાગી. તાનીએ એને પાણી લાવીને પીવડાવ્યું. ગામ લોકોને ખબર પડતાં ધીરે ધીરે બધા એકઠાં થયાં. બધાએ ભેગાં મળીને અંતિમક્રિયા પતાવી. સાંજે દીવો કરી ભજન કર્યાં.
"જીવીબા જાણે શિવની જ રાહ જોતાં હતાં. " ગોપી બોલી.
"હા જીવીબા એમને સોંપેલું કાર્ય જ જાણે કરવા રોકાયા હતા."તાની બોલી,
આખો દિવસ દોડધામમાં ગયો એટલે બધા થાકી ગયા હતા. બધા વહેલાં સૂઈ ગયા.
સવારે તાનીની આંખ થોડી વહેલી ખુલી.એ તૈયાર થઈને ગીતા લઈને ભગવાનના મંદિરમાં જઈને બેઠી. ભગવાનને પગે લાગીને મનોમન પ્રાર્થના કરી. પછી ગીતાના પાના ફેરવવા લાગી. આખી ગીતા ફેરવી જોઈ પણ કયાંય કશું લખેલું દેખાયું નહીં. તે હતાશ થઈ ગઈ. દુ:ખી થઈને બહાર જવા ઉભી થઈ. બહાર નીકળતા પૂજારૂમના નાના ઉંબરા પર એને ઠેસ વાગી.એકદમ પડવા જેવી થઈ એટલે એણે બે હાથે બે બાજુની બારસાખ પકડી. આ બધામાં એના હાથમાંથી ગીતા પડી ગઈ..એના પગમાં થોડુ વાગ્યું. એ ત્યાં બેસી પડી. ગીતા ઊંધી પડી હતી.એણે ગીતા સીધી કરી માથે લગાવી બંધ કરવા જતી હતી. ત્યાં એને એક અક્ષરની નીચે આછી લાઇન દોરેલી દેખાઈ. એણે બીજા પાના ફેરવીને ધ્યાનથી જોયું તો ઘણાં અક્ષરો નીચે આછી લાઇન દોરેલી હતી.
"અહીં શું કરે છે તાની ?" શિવ આવીને બોલ્યો.તાની ચમકી.
"અરે હું અહીં ગીતામાંથી કંઈ મળે તો શોધવા આવી હતી. કંઈ મળ્યું નહીં એટલે પાછી આવતી હતી ત્યાં ઠેસ વાગી એટલે બેસી પડી.
"અરેરે બતાવ તો બહુ વાગ્યું નથીને."
"પગમાં થોડુ વાગ્યું છે."
શિવ નીચે બેસીને તાનીનો પગ જોવા લાગ્યો.
" એ બધુ છોડ ને સાંભળ જો ઠેસ વાગવાના કારણે ગીતા મારા હાથમાંથી પડી ગઇ અને પાછી લેતાં મને કંઈક નજરે ચઢ્યું. ભગવાન જ જાણે આપણને સંકેત આપે છે."
"એમ શું નજરે ચઢ્યું બતાવ' કહી શિવ પણ નીચે બેઠો.
તાનીએ શિવને અમુક અક્ષરોની નીચે પેન્સિલથી દોરેલી આછી લાઇન બતાવી.
"હમ્મ પણ આનાથી શું ખબર પડે ?"
"ચાલ આ બધા અક્ષરો આપણે એક કાગળમાં લખીયે અને જોઈએ કંઈ મળે છે કે નહીં."
"ઓકે તુ અહીં જ બેસ તારા પગમાં દુ:ખે છે ને. હું લઇ આવું કાગળ અને પેન" કહી શિવ કાગળ લેવા ગયો.
શિવ આવ્યો ત્યાં સુધીમાં તાનીએ ક્યા ક્યા પાના પર લાઇનો છે તે શોધી કાઢ્યું.
તાની પાના ફેરવતી ગઈ અને અક્ષર બોલતી ગઈ. શિવ નોટમાં લખતો ગયો. છેલ્લાં પાના. સુધીના અક્ષરો લખી લીધાં.
પછી વાંચવા લાગ્યા.

સરિતાગિરિનેતરૂવરમધેવસેમમભૂતસરદારતરૂગર્ભમાંનીરવહેપછવાડેખોદકિરદાર'
બેમાંથી એકેયને ખબર પડી નહીં કે આ શું લખ્યું છે?
"ચાલ મમ્મીને બતાવીયે આમાં આપણને કંઈ જ ખબર પડે એમ નથી.'' શિવ બોલ્યો.
બન્ને ઉભા થયા.તાનીના પગમાં દુ:ખવા લાગ્યું એટલે એ બેસી પડી. શિવે એને પ્રેમથી પકડીને ઉભી કરી એક હાથ એના ગળામાં વીંટળાવ્યો.ધીમે ધીમે બેઉ ચાલતા પડાળીમાં રૂમ સુધી આવ્યા ગોપીએ જોયું.
"હાય હાય શું થયું કેમ આમ લંગડાય છે?"
"કંઈ નહીં આંટી પૂજારૂમમાંથી આવતાં પગમાં ઠેસ વાગી એટલે થોડું દુ:ખે છે."
"અરર લાવ બતાવ બહુ નથી વાગ્યું ને જોવા દે સોજો નથી આવ્યો ને નહીં તો ફ્રેકચર હોય "
"ના ના હમણાં ઠીક થઈ જશે."
શિવે તેને ત્યાં પડેલી ખુરશીમાં બેસાડી.
એટલામાં નીલમ પણ આવી.
"શુ થયું તાની બેટાં ?"
"અરે બાપા કંઈ નથી થયું પૂજારૂમમાંથી બહાર આવતા થોડી ઠેસ વાગી."
"પણ તું સવાર સવારમાં પૂજારૂમમાં કેમ ગઇ'તી?"
"મારી સવારે વહેલી આંખ ઉઘડી ગઇ હતી એટલે હું ગીતા લઈને પૂજારૂમમાં ગઇ કે કંઈક આગળનો રસ્તો મળે."
"લે પછી ?"
"પછી કંઈ ના મળ્યું એટલે બહાર આવતી હતી એમ ઠેસ વાગી "
" મળ્યું કઈ નહીં ને વાગ્યું એ વધારાનું ."
"ના ના વાગ્યું એટલે મળ્યું .'
"એટલે ?"
'' એટલે કે ઠેસ વાગતા હાથમાંથી ગીતા પડી ગઇ અને જે પાનું ખૂલી ગયું એમાં મને અક્ષર નીચે લાઇન દેખાઈ પછી શિવ આવ્યો. અમે બન્ને જણાએ મળીને ગીતામાંથી બધા અક્ષર જેના નીચે લાઇનો હતી તે લખ્યા. અમને તો કંઈ ખબર ના પડી હવે તમે જુઓ .'' કહી તાની એ કાગળ નીલમના હાથમાં આપ્યું.
નીલમ કાગળ લઈને ગોપીની બાજુમાં બેઠી. બન્ને વાંચવા લાગ્યા. એટલામાં તેજ બહારથી આવ્યો.
"તું ક્યાં ગયો હતો ?" શિવે એને પૂછ્યું.
તેજે ગળામાં લટકાવેલો કેમેરા બતાવી કહ્યું
"હું સવારના સનરાઇઝના ફોટા પાડવા ગયો હતો. તને તો ખબર છે મને કેટલો શોખ છે ફોટોગ્રાફીનો. અહીં પહાડ વચ્ચેથી ઉગતો સૂરજ એના ક્લર્સ અને શેડ એટલા મસ્ત હતા કે ફોટા પાડવાની મજા આવી ગઈ."
"અચ્છા ચલ તને એ પણ જોવા મળી ગયું અહીં ."
"હા તમે બધા ભેગા થઈને અહીં શું કરો છો? "
શિવે એને બધી વાત કરી.
"ઓહ તાની બહુ દુ:ખતુ નથી ને ?'
"ના ના 'ઉભું થવામાં થોડો પ્રોબ્લેમ છે આવી જશે થોડી વારમાં. તું જો તને કંઈ સમજણ પડે તો. "
"હા હા હા હા મારું તો ગુજરાતી તને ખબર છે કેવું છે ?"
"છતાંય વાંચતો ખરો."
"ઓકે લાવો. "
નીલમે કાગળ એને આપ્યો.

'સરિ તાગિ રિનેત રૂવરમ ધેવસે મમભૂ તસર દારત રૂગર્ભ માંની રવહે પછવાડેખો દકિર દાર કઈ સમજાયું નહીં. " કહી એણે કાગળ પાછો આપ્યો.