Premni Vyakhya books and stories free download online pdf in Gujarati

પ્રેમની વ્યાખ્યા

કબીર સાહેબે કહ્યું છે કે,

“પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,

ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.”

આ પુસ્તક પઢી પઢીને તો જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી. પણ જેને પ્રેમના બસ અઢી અક્ષર સમજાઈ જાય તે પંડિત થઈ ગયો. પણ પ્રેમની વ્યાખ્યા શું? સાચો પ્રેમ કોને કહેવો?

“હું તને પ્રેમ કરું છું!” ... “આઈ લવ યુ!” ... “એણે મારી સાથે પ્રેમમાં દગો કર્યો!” ... “મમ્મી, તું ભાઈને વધારે લવ કરે છે, મને નહીં!” જીવન વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ પ્રેમ શબ્દ પ્રયોજાતો હોય છે, પણ સાથે-સાથે એ જ વ્યવહાર કે સંબંધોમાં રાગ-દ્વેષ ઊભા થાય, ત્યારે પ્રશ્ન થાય કે આને પ્રેમ કહેવાય? પ્રેમના સંબંધોમાં જયારે કડવાશ ઊભી થાય ત્યારે હૃદયમાં અપાર દુઃખ અનુભવાય છે. આજે યુવાનો અને ટીનેજર્સમાં પ્રેમમાં પડવાના, પ્રેમભગ્ન થવાના અને પરિણામે હતાશ કે ડિપ્રેસ થવાના કિસ્સાઓ હાલતા ને ચાલતા બને છે.

જ્યાં સંબંધોમાં એકબીજા પ્રત્યે સ્વાર્થ, ઘાટ, બદલાની આશા ડોકાતી હોય ત્યાં શું ખરેખર આ પ્રેમ છે? એકબીજા ઉપર દોષારોપણ થતું હોય, સામસામી આક્ષેપો અપાતા હોય, તો પ્રશ્ન થાય કે પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે? સાચો પ્રેમ કોને કહેવો? સાચો પ્રેમ ક્યાં મળે? પ્રેમને વ્યક્ત કરવા માટે ફીલિંગ્સ, ઈમોશન્સ, અટેચમેન્ટ, રાગ, મોહ, વાત્સલ્ય વગેરે શબ્દો પણ વપરાય છે. શું આ લાગણીઓને પ્રેમ કહેવાય?

કબીર સાહેબે કહ્યું છે,

‘‘ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય

અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.’’

વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જે ચઢી જાય ને ઉતરી જાય એ પ્રેમ નહીં પણ આસક્તિ કહેવાય! જેમાં કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, ઘાટ નથી કે દોષદૃષ્ટિ નથી, નિરંતર એકધારો વહે, ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી, એવો અઘટ અને અઘાટ પ્રેમ એ જ શુદ્ધ પ્રેમ છે! આ વ્યાખ્યામાં સાચા પ્રેમનું થર્મોમીટર મળે છે. એ થર્મોમીટરથી માપીએ તો સંસારના તમામ સંબંધોમાં જે પ્રેમની વાત થાય છે, તે સાચો પ્રેમ નથી.

“સ્વાર્થ હોય ત્યાં પ્રેમ રહી શકે નહીં, ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ રહી શકે નહીં.” જ્યાં ‘મારું-તારું’ છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. સામો આપણી અપેક્ષા પ્રમાણે વર્તે અને પ્રેમથી બોલાવે તો આપણે ખુશ થઈ જઈએ, અને અપેક્ષાથી વિરુદ્ધ વર્તે, અપમાનથી બોલાવે તો આપણે દુઃખી થઈ જઈએ. જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં સામો જે કંઈ કરે એ બધું જ સ્વીકાર્ય હોય. જેના ઉપર પ્રેમ હોય, એનો એકેય દોષ જ ના દેખાય. સામાની એક ભૂલ ના દેખાય. રાગના સંબંધોમાં સવળું થાય તો પ્રેમ અચાનક વધી જાય, અને અવળું થાય તો પ્રેમ અચાનક ઘટી જાય. આ બંને આસક્તિ કહેવાય, પ્રેમ નહીં. આપણે એવું માનીએ છીએ કે સંસારમાં જે માણસ ઈમોશનલ નથી એ પથ્થર જેવો છે. સંસારમાં લાગણી તો રાખવી જોઈએ. પણ ખરેખર ઈમોશનલપણું કે લાગણીવેડા એ આસક્તિ જ છે. સાચો પ્રેમ કંઈ પણ હેતુ વગરનો હોવો જોઈએ, અહેતુકી હોવો જોઈએ. જો ઇશ્વરની પૂજા-ભક્તિ-દર્શન પાછળ એમની પાસેથી કંઈક પણ મેળવવાની કામના કે ઇચ્છા છે તો ઇશ્વર માટેનો પ્રેમ પણ સાચો પ્રેમ નથી.

પ્રેમની યથાર્થ વ્યાખ્યા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સમજાવે છે.

પ્રેમ એટલે...

  • જે વધે નહીં, ઘટે નહીં પણ કાયમ એકધારો વહે

  • જેમાં બદલાની આશા ના હોય

  • જેમાં કોઈના નેગેટિવ કે દોષ ના દેખાય

  • જ્યાં કોઈ સ્વાર્થ નથી, અપેક્ષા નથી, આક્ષેપ નથી, મતભેદ નથી, નોંધ નથી

  • જ્યાં કાયદા નથી, સત્તા નથી, ભેદ નથી

ટૂંકમાં સાચા પ્રેમમાં અહંકાર-મમતા નથી. અઘટ અને અઘાટ પ્રેમ એ જ શુદ્ધ પ્રેમ છે! આખું જગત સાચા પ્રેમથી જ વશ થાય એમ છે. જગતે જોયો નથી, જાણ્યો નથી, શ્રદ્ધયો નથી, અનુભવ્યો નથી એવો શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મ પ્રેમ છે. જ્ઞાની પુરુષ એવા અજોડ પ્રેમાવતાર થયા હોય કે એમનો જગતમાં જોટો ન જડે. જેમનો સંપૂર્ણ અહંકાર ખલાસ થઈ ગયો છે એવા સંપૂર્ણ પ્રેમાવતારના પ્રેમને એક ક્ષણ પણ કોઈ ભૂલી ના શકે!