Jamanvar Na Pass books and stories free download online pdf in Gujarati

જમણવારના પાસ

જમણવારના પાસ

 

હાલ ફાગણ માસ ચાલે છે ને અત્યાર થી જ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાનું ચાલુ થઇ ગયું છે ને હવે પછી ચૈત્રને વૈશાખ આવશે ત્યારે તો ગરમીનો પારો ખુબ ઉંચો હશે ને વળી ગુજરાતમાં તો વૈશાખ આવશે એટલે લગ્નનો પારો ઉંચો રહેશે. આવા કડકડતા તાપમાં જ્યાં ચકલુંય ફરકવા તૈયાર ના થાય તેવામાં બિચારા વરરાજા પરણવા તૈયાર થઇ જાય છે કારણ કે કુટુંબ તેમજ મિત્ર વર્તુળમાં તીખાં મેણા ખાવા તે કરતા ઉનાળાનો તાપ વેઠી લેવો સારો લાગે છે તેમને ! ને વળી માંડ માંડ મેળ પડતો હોય !. આવા ઉનાળાનાં લગ્નોમાં તૈયાર થતી ગુજરાતણો! અહાહા ! ઘરનો પાવડરનો એક્સ્ટ્રા ડબ્બો વપરાઈ જાય છે વૈશાખમાં ! ને લાલી ને કાજળ પણ ! સાંબેલું ભરીને કરેલું મેક અપ ટપકતાં જોવા મળે છે ને આકળ-વિકળ રઝળતા બિચારા નાનાં ભૂલકાઓ તેમજ જાનૈયાઓ જ્યાં ત્યાં પડેલા જોવા મળે છે. આવા જાત-જાતના વિચારો કરતો હું મારાં ગામના લીંબડાના ઓટલે બેઠો હતો. એવામાં વિચાર આવ્યો કે પહેલ જયારે હું નાનો હતો ત્યારે ઘરમાં કંકોત્રી આવે એટલે બધા ખુશ થઇ જાય કે ફલાણા ભાઈ ને ત્યાં જમવાનું છે એટલે ટીનીયા, મીનીયા, તેના પપ્પા ને મમ્મી ને વળી ધીમે ધીમે ચાલતાં દાદા-દાદી પણ! ને વળી આ કંકોત્રી જોઈને સૌથી વધારે રાહત ઘરમાં વહુને થાય કે હાશ! ચાલો એક દિવસ આ રાક્ષસી સેનાનું જમવાનું નઈ બનાવવું પડે!

       

        એવામાં હાલ બે દિવસ પહેલા અમારા ગામના રહીશ શાંતુભાઈ શેઠના દીકરાના લગ્નની કંકોત્રી આવી ઘેર એટલે અમે બધા ખુશ થઇ ગયાં પણ જેવી કંકોત્રી વાંચવા ખોલી કે અંદર બે જમણવારના પાસ હતા....! આ પાસ જોઈને મારાં ઘરમાં ચુંટણી જેવો માહોલ સર્જાઈ ગયો. આ પરિસ્થિતિમાં સૌથી વધારે ચિંતાના વાદળ મારાં પર ફરી વળ્યા. જેમ ચુંટણી વખતે જે તે પક્ષ પર આવી જાય કે આખરે ઉમેદવારીના પાસ/ટીકીટ કોને આપવી ? આવી ચિંતામાં હું આવી કડકડતી બપોરમાં પણ ઠંડો થઈને લીંબડા નીચે બેઠો ત્યાં એવામાં મારો મિત્ર મગન આવ્યો.. મેં વિચાર્યું આવા ઉનાળામાં પણ અમારા જેવા બે જીવને સુખ નથી ! મગન આવીને મને પૂછવા લાગ્યો કેમ સાહેબ કઈ ચિંતામાં છો? ને શું ઊંડાણ પૂર્વક વિચાર કરી રહ્યા છો?

        મેં કહ્યું, “મગન ઘરે લગ્નની કંકોત્રી આવી છે. શાંતુભાઈ શેઠના પુત્રના લગ્નની” મગન કહે “વાહ! ભાઈ સારું ભાભીને એક દિવસ ચિંતા મટી” મેં કીધું મગનીયા ચિંતા ઘટી નથી વધી છે. મગન કહે “કેમ?” મેં કહ્યું “મગન લગ્નની કંકોત્રી તો આવી પણ તેમાં જમણવારના બે પાસ છે ને હવે મારે આ ટીકીટ ફાળવવી કોને? ઉમેદવારી આપવી કોને? હું ને મારી પત્ની જઈએ તો મારી પત્ની સાસુંને સંભળાવે ને હું ને મારાં પપ્પા જઈએ તો બંને અમને જમણવાર પચાવવા નહીં દે એટલું સંભળાવશે” મગન હસ્સવા લાગ્યો મેં કહ્યું “ મગન આ કંકોત્રીએ તો ઘરમાં ચુંટણી કરી દીધી છે” પણ મને વિચાર આવે છે દોસ્ત પહેલે તો લગ્નમાં આપણે ઘરના બધા સભ્યો જમણવારમાં જતા... સહ પરિવાર ને વળી મને યાદ છે આપણે નાનાં હતા ત્યારે તો કોઈનું પણ લગ્ન હોય ગામમાં બાળકો તો બધા વગર આમંત્રણ પણ જમતા.... આપણાં મહારાજ આપણને કહેતા જાઓ છોકરાઓ જમી આવો. કેટલા પ્રેમથી જમાડતા બધા ને વળીતો હમણાં પહેલા કરતાં તો પૈસો પણ માણસ પાસે વધ્યો છે તો આ પાસ સિસ્ટમ શું? કાઈ સમજમાં આવતું નથી.

        મગન કહે “ આ પાસ સિસ્ટમ આવી એના બે પાસા છે. હા ! એ વાત પણ સાચી છે કે પહેલા લોકો સાદું જમણવાર રાખતાં પણ સહપરિવાર બધાંને પ્રેમથી જમાડતા બે લાડુ વધારે પીરસી દેતા પણ હવે લગ્નનાં જમણવારમાં મોંઘી મોંઘી થાળી રાખવામાં આવે છે. ૨૦૦ રૂ વાળી ને ૫૦૦ રૂ વાળી કેમકે તેનાથી સમાજ માં વટ પડે છે પણ પછી જમણવાર પણ લીમીટેડ લોકોને જમાડે છે... અરે પહેલા તો જમણવારમા માંગવાવાળાને પણ ગેટ બારે જમાડતા હતા હવે તો સિક્યુરિટી ગાર્ડ ઉભો રાખવામાં આવે છે! આમ પૈસો વધ્યો છે ને હદય ટૂંકા થઇ ગયા છે!”

        મેં કહ્યું મગન બીજું પાસું કહ્યું ? મગન કહે, “ બીજું પાસું એ કે કંકોત્રી આવે એટલે સહેજે આપણને  સમજવું જોઈયે ને સમજણ થી ઘરમાં બે ત્રણ જણાએ જમવા જવું જોઈએ પણ આ તો આપણી પ્રજા વળી ગામમાં લગ્ન હોય તો અડોસ પડોસમાં રહેતી પોતાની બહેન ની ફેમીલીને બોલાવી લે ને આમ જમણવારમાં એક કંકોત્રી પર ૧૫-૧૫ જણા જમવા જાય ને ચાંદલો લખાવે ૧૦૧ !! આમ બધાને ભાગે ૬ રૂ ને ૫૦ પૈસા આવે.  આ તો રાજબબ્બર ના મુંબઈ વાળા ૧૨ રૂ ના ભાણાં ના રેસ્ટોરેંટ  કરતાં પણ સસ્તું !

 

        હું ખડખડાટ હસી પડ્યો ને વાત પણ મારે ગળે ઉતરી પણ હજી મારી સમસ્યા તો અકબંધ હતી કે પાસ જમણવારના આપવા કોને? કે પછી ચુંટણી રદ કરવી!

 

રિઝવાન ખોજા

મો 8460109619