સમય ભાગે છે કે થંભી ગયો છે, સમજાતું નથી. સાઉથ કોરિયાની મુલાકાતને એક વર્ષ વીતી ગયું. ત્યાં સાથે આવેલા અને મળેલા લોકોની મુલાકાતને એક વર્ષ વીતી ગયું. ત્યાં ત્રિરંગાની સાક્ષીએ આપેલા પ્રેઝન્ટેશનને પણ એક વર્ષ વીતી ગયું. પણ આંખોમાં હજી સીઓલના રસ્તા અકબંધ છે. હોઠ પર પ્રેઝન્ટેશન પછીના સંતોષનું સ્મિત એમનેમ છે. અને જીભ પર કીમચીનો સ્વાદ હેમખેમ છે. ગઈ ૧૮ જુલાઈએ અમારે દિલ્હી ખાતે રિપોર્ટિંગ કરવાનું હતું અને બીજા દિવસે કોરિયાની ફ્લાઇટ હતી. એ પછીના દિવસોને શબ્દમાં વર્ણવવા ખરેખર અઘરા છે. દરેક ક્ષણને કચકડે કંડારવી પણ અઘરી છે. મારું ચાલત તો ત્યાંથી ઘણાં બધા લોકોને જ સાથે લઈ આવત. અહીંયાંથી જે સાથે હતા એ મિત્રોને પણ સાથે રાખી લેત. મારે ફરી એકવાર એ દિવસો જીવવા છે.
થોડી તાત્ત્વિક ભાષામાં કહું તો, પંચમહાભૂતનો બનેલો આ દેહ સમયથી પર પ્રવાસ કરી શકતો નથી. સ્થળ અને કાળના બંધન પાંચ સ્થૂળ ઇન્દ્રિયોને છે પણ चंचलं हि मनः। એને સ્થળ-કાળના બંધન નથી. એ તો એક વર્ષ પછી પણ સીઓલ, બુસાન ને ઉલ્સાનના રસ્તે રખડે. અને સ્થળ-કાળના બંધન તો ક્યાં આપણા ઇન્સ્ટાગ્રામને પણ છે? ગયા વર્ષે હું ઇન્સ્ટાગ્રામ યુઝરના હોવાના કારણે ઘણી બધી વાતો, પ્રસંગો, લોકો, લાગણીઓ તમારા સુધી પહોંચાડી નથી શકી. માટે આ વિઝિટના બરાબર એક વર્ષે આ બધું જ તમારી સાથે શેર કરીને ફરી એક વાર જીવી લેવા માગું છું. સાઉથ કોરિયામાં જે દિવસે જે યાદો જીવનભર માટે ગાંઠે બાંધી એ જ દિવસના એક વર્ષ બાદ ફરીથી ખોલવા માંગુ છું. માટે કાલથી ૨જી ઓગસ્ટ સુધી: #Throwback to #IndianYouthDelegationtoSouthKorea
Updates will be put up on my Instagram.
https://www.instagram.com/radhamehta.05/