ના મળે ગમતું કદી તો મળેલા ને ગમતું કરીએ.
ના હોય અમન ચમન રોજ પરિસ્થિતિને પામી જઈએ.
જિંદગીમાં ચઢાણ તો આવે અવિરત એ છે ક્રમ એનો,
હિંમત રાખી ધૈર્ય થકી ઢાળને ક્યાંક ગોતી લઈએ.
માનવ છીએ એટલું જ પર્યાપ્ત છે આપણા માટે,
તો પછી શીદને વારંવાર ફરિયાદ કરતા રહીએ?
હેત હૈયાનું ના ખૂટે અવિરત પ્રેમ પાથરતા રહીએ,
પુરુષાર્થ કોઈનો જાય ના એળે આટલું હંમેશા યાદ રાખીએ.
ભૂલી જઈએ વાત જૂની જે મનમાં ઉદ્વેગ કરાવતી,
હવે પછી શું કરવાનું એનું આયોજન હાથ ધરીએ.
સાથ સહકાર અને સંપ પરસ્પર વર્તનમાં સદા પ્રગટાવીએ,
દીપથી દીપ જલાવવાની વાતને હરહંમેશ અનુસરીએ.
ના શોધીએ ઈશ્વરને ગગનમાં એ મળે યા ન મળે,
માનવ રૂપે એને માનીને એની મુસીબતમાં હૈયારી દઈએ.
-ચૈતન્ય જોશી દિપક પોરબંદર.