દશે દિશાઓથી સારા વિચારો મળે,
તો પછી દશાનન રાવણ પણ શું કરે?
સદ્વિચારો સૌના આચરણમાં ભળે,
તો પછી દશાનન રાવણ પણ શું કરે?
દશેય દ્વારો ઈન્દ્રિયોના ઈશમાં વળે,
જીવન પણ પ્રકાશિત થૈ ઝળહળે.
ના વિષયભોગમાંહી જીવ ટળવળે,
તો પછી દશાનન રાવણ પણ શું કરે?
અનોખી યાત્રા ના બીબાંઢાળે ઢળે ,
આનંદિત અંતરને પરમ શાંતિ સાંપડે.
ઈશ્વર પણ જેનો અંતર્નાદ સાંભળે,
તો પછી દશાનન રાવણ પણ શું કરે?
પરમના વિયોગથી અંતર ખળભળે,
ભવોભવનાં સુકૃતો કવચિત્ ફળે.
આશાની ઈમારતનું વધવાનું ટળે,
તો પછી દશાનન રાવણ પણ શું કરે?
- ચૈતન્ય જોષી.' દીપક 'પોરબંદર.