અંતરની ઈબાદત નજરે ના ચડે એવું પણ બને
ને ઉરની શરાફત નજરે ના ચડે એવું પણ બને.
ખૂબ તડપ્યું છે આજતક તારા વિયોગે સતત
કરવી ઘટે મરામત નજરે ના ચડે એવું પણ બને
તને પણ લાગતું હશે કે સંસારમાં ઓતપ્રોત છું,
પણ માયાની હિરાસત નજરે ના ચડે એવું પણ બને.
જે કાંઈ સારું દેખાય તને મારા અંતરના ઓરડે
એ છે તારી વિરાસત નજરે ના ચડે એવું પણ બને.
છું માયાગ્રસ્ત એની ના નહિ પરમેશ મારી કદી
રહું છું જલકમલવત નજરે ના ચડે એવું પણ બને.
ચૈતન્ય જોષી દીપક પોરબંદર