દિકરી બે કુળનો દિવો
પિતાના આંગણે વ્હાલની હેલી, હસતી મુખે જે લાવતી,
સાસરીના આંગણે સ્મિત વેરીને, સૃષ્ટિ નવી સજાવતી.
તાતનો વિશ્વાસ બનીને, ઉંબરો જ્યારે એ ઓળંગતી,
પિતાના માત-સન્માનની જ્યોત, ડગલે-પગલે પ્રગટાવતી.
દીકરો બનીને પિયરના એણે, સંસ્કારો સહુ સાચવ્યા,
એ જ પવિત્ર સંસ્કારથી, સાસરીના સંબંધો ગૂંથ્યા.
પતિના હૃદયમાં પ્રેમ પામી, જે અર્ધાંગિની બને,
સાસુ-સસરાની સેવા કરી, એ ઘરની દીકરી બને.
ફરજ નથી આ પ્રેમ છે, જે સ્નેહ બનીને વહે છે,
એક મીઠું સ્મિત મળે જો, દુઃખ બધું ઓગળે છે.
જ્યાં સમજણ સાથી બને, ત્યાં કલહના કોઈ સ્થાન નથી,
પિયર-સાસરીનું બંધન પછી, મધુર સંગીતથી કમ નથી.
એક હાથે પિયર ઉજાળે, બીજે સાસરી સંભાળતી,
'નર' કહે એવી નારી ધન્ય, જે બેઉ કુળને તારતી.