ગુડગાંવ, હરિયાણાની નવરાત્રી, દશેરા
હું હાલ ગુડગાંવ છું. અહીં દશેરાએ ન ફાફડા મળે કે ન આપણા જેવી જલેબી . 3 કિમી દૂર ગેહાના નામની સ્વીટમાર્ટ ની મોટી ઇમરતી જેવી 70 કે 75 નો એક પીસ મળે.
જ્યાં જ્યાં વસે.. મુજબ ટાવર કૉમ્પ્લેક્સ ની બહાર નજીકમાં જ બિકાનેરવાલા બહાર કાઉન્ટર ખોલી બેઠેલા. સાડા દસે અમારા સિવાય કોઈ લેનારું ન હતું. ફાફડા 200 ગ્રામનાં પેકમાં, જલેબી નાના ગૂંચળાં ત્યાં જ ઉતારી આપી. કઢી કે પોપૈયાનો સંભારો ક્યાંથી હોય? એમ જ લઈ આવ્યા.
લોકો નવાં કપડાં પહેરી ફરે છે પણ જલેબી ફાફડા સિવાય શું ખાતા હશે આજે?
બેંગલોર માં પણ 8 કિમી દૂર લાઇવ જલેબી ગાંઠીયા ખાઈ આવેલ. અહીં કશું નથી, નથી કોઈને આજે આવું ખવાય એની ખબર
અહીં નવરાત્રીનું મહત્વ ઓછું છે. ટાવરમાં એક દિવસ શુક્રવારે રાત્રે સ્ટોલ્સ લગાવ્યા ને ડી જે સાથે ગરબાઓ માત્ર સોસાયટી પૂરતા 8.30 થી 10 થયા જેમાં બે ચાર ગરબાઓ પછી પંજાબી કે હરિયાણી ભાંગડા જેવાં ગીતો જ વાગતાં હતાં.
અહીં નોમ અને દશેરા ઉપર કન્યાપૂજનનું ખૂબ મહત્વ છે. સવારે 7 વાગ્યાથી ટાવરમાં કોઈને કોઈ ફ્લેટ પર બાલિકાઓને આમંત્રણ આગલી રાતે આપ્યું હોય એ બધીની પૂજા કરી, પગે અળતો લગાવી કોઈ ને કોઈ ગિફ્ટ, ફ્રુટ, શીરો કે ચણાપુરી જેવું આપે.
નવરાત્રિનું કોઈને ગરબાનું મહત્વ કે ચોક્કસ સ્ટેપ્સ સાથે ગરબા કરવાની ખબર નથી લાગતી. નવરાત્રિનું અહીં ખાસ મહત્વ નથી લાગ્યું પણ દશેરાનું અહીં ખૂબ જ મહત્વ છે. શહેરમાં જાહેર મેદાનોમાં મેળાઓ ભરાય છે,
રસ્તે સંક્રાંત પર પતંગો વેંચાય એમ રાવણો વેંચાતા હોય છે. એક બે ફૂટ થી લઈ સાત આઠ ફૂટના.
રાવણ સાથે મેઘનાદ, ઇન્દ્રજીત વગેરે તેના પુત્રોનાં પૂતળાં પણ બાળે છે. બાજુમાં કુંભકર્ણ હોય એ છેલ્લે.
અમારાં ટાવરમાં વચ્ચે નાના ચોકમાં આપણી હાઇટ જેવડો પાંચ સાડાપાંચ ફૂટનો રાવણ, બાજુમાં સહેજ નાના એના પુત્રોનું દહન થયું એટલે કે અંદરથી હાથ ચકરી કે જમીન ચકરી, લવિંગીયાં , એકાદ સૂતળી બોમ્બ, તણખા થાય એવા થોડા ફટાકડા ફૂટે. વાંસની ચીપનું સ્ટ્રક્ચર. એ રીતે દશેરાનું અહીં ઘણું મહત્વ છે,.
દશેરાએ અનેક મંદિરોમાં ભંડારા થાય છે. કહે છે ભંડારાનું બટાકાનું રસાદાર શાક ખાવા કાર વાળાઓ પણ લાઇનમાં ઊભે છે.
અમદાવાદની જેમ ફાફડા જલેબીનું જરાય ચલણ નથી. સદભાગ્યે ઘર નજીક બિકાનેરવાલા ની બહાર જલેબીનું કાઉન્ટર હતું, ફાફડા તો રોજની જેમ પ્લાસ્ટિકની બોક્સમાં 200 ગ્રામ ત્યાં મળ્યા જે રીતે સોનલબેન ખાખરાવાળા માં મળે છે.
વાહન પૂજા કરતાં થોડાં કુટુંબો જોયાં પણ ત્યાં જેટલાં નહીં. ઓછાં.
સવારે સાત વાગ્યાથી ટાવરમાં ઝેપ્ટો , બ્લિંક ઇટ જેવા ના છોકરા ફુલહાર ને ફૂલો ડિલિવર કરવા ઉપરાઉપરી આવતા હતા. 9 વાગ્યા પછી બધું શાંત.
આજે દશેરાએ અને ગઈકાલે નોમના બધે કામવાળીઓ નહોતી આવી. કલાક કે દોઢ કલાક માટે અર્બન ક્લેપ થી બોલાવી કેમ કે અહીં 90, કદાચ 100 ટકા કામવાળીઓ બંગાળી છે. બાંગ્લાદેશી? કેમ કહી શકાય? હમણાં કેબ બુક કરી, ડ્રાઈવર બંગાળી હતો. અર્બન ક્લેપ થી આવી એ બધી પણ લગભગ 'વિધર્મી ' લાગી. દશેરાએ કોણ આવે?
તો આ હતી ગુડગાંવની નવરાત્રી, દશેરા.