Gujarati Quote in Whatsapp-Status by Ashish

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખરેખર ક્યારેક મને એવું લાગે છે..
મહાભારતમાંથી....
શીખવાનું શું.....?

સંબંધો જીવનમાં ખૂબ મહત્વના છે...
😊
...

મહાભારત પૂરું થયું. યુદ્ધ પૂરું થયું. શંખ શાંત થયા. રથ અટક્યા. ધૂળ બેસી ગઈ....!
પણ એક સવાલ હજુ પણ હવામાં તરતો રહ્યો...!
આ બધું બરાબર શા માટે થયું?
રાજ્ય માટે?
સત્તા માટે?
અહંકાર માટે?
કે સંબંધો માટે?

જેટલું મહાભારત વાંચતા જઈએ, એટલું સમજાય છે કે મહાભારત યુદ્ધનું પુસ્તક નથી; એ સંબંધોનું _પોસ્ટમોર્ટમ_ છે.
દરેક સંબંધ માત્ર ખોલીને બતાવતો નથી પણ તે આપણને પૂછતો રહે છે...
તમે ખરેખર એકબીજા પર પ્રેમ કરતા હતા કે, ફક્ત એકબીજાનો ઉપયોગ કરતા હતા?

ધૃતરાષ્ટ્રે દુર્યોધન પર પ્રેમ કર્યો, પણ એ પ્રેમમાં ન્યાય ન હતો. જ્યાં ન્યાય મરી જાય, ત્યાં પ્રેમ પણ વધારે સમય જીવતો નથી.

ગાંધારીએ પતિના દુઃખમાં ભાગીદાર થવા આંખો પર પટ્ટી બાંધી; પણ દીકરાની ભૂલ પર પણ એ જ પટ્ટી કાયમ રહી. ક્યારેક અતિશય નિષ્ઠા પણ સંબંધ બચાવી શકતી નથી.

ભીષ્મે વચન સાચવ્યું, પણ એ એક વચન માટે કેટલાય જીવનનું સુખ ગુમાવ્યું. સંબંધોમાં શબ્દ પાળવા કરતાં માણસ સાચવવો વધુ મહત્વનો છે.

દ્રોણે અર્જુન પર પ્રેમ કર્યો, પણ એકલવ્યને નકાર્યો. પક્ષપાત ગુરુને પણ નાનો કરી નાખે છે.

કર્ણને આખી જિંદગી પ્રેમ જોઈતો હતો, સ્વીકાર જોઈતો હતો. જ્યાં માણસને સ્વીકાર નથી મળતો, ત્યાં એ ખોટા માણસ સાથે પણ આખી જિંદગી સંબંધ જોડે છે. દુર્યોધને કર્ણને માન આપ્યું, એટલે કર્ણ અંત સુધી તેની સાથે ઊભો રહ્યો. માણસ ઉપકાર કરતાં સ્વીકારનો વધારે ઋણી હોય છે.

દ્રૌપદીના અપમાન વખતે સભામાં ઘણા સંબંધો બેઠા હતા. પિતામહ હતા, ગુરુ હતા, રાજા હતા, વડીલો હતા; પણ કોઈ ઊભું ન થયું. એ દિવસે સમજાયું કે સંબંધ એટલે લોહીનો નથી. અન્યાયના સમયે જે તમારી બાજુમાં ઊભો રહે, એ જ આપણો છે.

કુંતીએ સત્ય છુપાવ્યું અને એ એક સત્યના બોજ નીચે કર્ણ અને અર્જુન બંનેનું જીવન પિસાઈ ગયું. સંબંધોમાં મોડું કહેવાયેલું સત્ય ક્યારેક જૂઠા કરતાં પણ વધારે પીડા આપે છે.

અભિમન્યુને ચક્રવ્યૂહમાં બધાએ ભેગા મળીને માર્યો. કારણ કે એકલો માણસ ગમે તેટલો મજબૂત હોય તો પણ તૂટી શકે છે. સંબંધોની સાચી કસોટી કોઈ માણસ એકલો પડે ત્યારે જ શરૂ થાય છે.

_કૃષ્ણ બધાના હતા, પણ કોઈની માલિકીના ન હતા. તેમણે શીખવ્યું કે સંબંધમાં સાથ આપવાનો હોય, સ્વતંત્રતા છીનવી લેવાની નહીં._

_એ અર્જુનનાં મિત્ર હતા; પણ તેના માટે યુદ્ધ ન લડ્યા. ફક્ત સાચો માર્ગ બતાવ્યો._

_સાચો સંબંધ તમારા માટે નિર્ણય લેતો નથી, પણ તમને સાચો નિર્ણય લેવા જેટલા સક્ષમ બનાવે છે._

વિદુરે સત્ય કહ્યું, પણ કોઈએ સાંભળ્યું નહીં. સંબંધોમાં સત્ય બોલનાર માણસ ઘણી વાર એકલો પડી જાય છે; પણ અંતે એ જ સૌથી સ્વચ્છ રહે છે.

મહાભારતમાં લગભગ દરેક સંબંધ તૂટ્યો—પિતા અને દીકરો, ભાઈ અને ભાઈ, ગુરુ અને શિષ્ય, માતા અને દીકરો, પતિ અને પત્ની, મિત્ર અને મિત્ર. પણ આ તૂટેલા સંબંધો આજે પણ આપણને સંબંધો કેવી રીતે સાચવવા એ શીખવે છે.

કારણ કે પ્રેમ પૂરતો નથી. વિશ્વાસ જોઈએ.
વિશ્વાસ પૂરતો નથી. પ્રામાણિકતા જોઈએ.
પ્રામાણિકતા પૂરતી નથી. યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કરવાનું સાહસ જોઈએ.

મહાભારત કહે છે કે સંબંધ ટકાવવા માટે હંમેશા જીતવું જરૂરી નથી.
ક્યારેક પોતાનો અહંકાર હારવો પડે.
ક્યારેક પોતાનું કહેવું છોડવું પડે.
ક્યારેક માફી માંગવી પડે. અને ક્યારેક... માફ પણ કરવું પડે.

અંતે મહાભારતે એટલું જ શીખવ્યું કે લોહીના સંબંધો જન્મ આપે છે; પણ મનના સંબંધો જીવન આપે છે.

_જેને તમારી સફળતા કરતાં તમારા આંસુ મહત્વના લાગે,_
_જેને તમારા પૈસા કરતાં તમારો હાથ મહત્વનો લાગે,_
_જેને તમારા પદ કરતાં તમારું મન મહત્વનું લાગે,_
_એને જ સાચવો._

કારણ કે મહાભારત પૂરું થયું, રાજ્ય મળ્યું, વિજય પણ મળ્યો; પણ જે ખોવાયું, એ ફરી કોઈને ક્યારેય ન મળ્યું.

એટલે અંતે મહાભારત યુદ્ધ જીતવાની કથા નથી. એ સંબંધો ન ખોવાય એટલે સમયસર માણસ બનવાની કથા

Gujarati Whatsapp-Status by Ashish : 112039964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now