ઠંડી અને રજાઈ
બારીના કાચ પર
ઝાકળનાં ટીપાં બનીને
ધીમે પગલે ઊતરી આવી છે એક સવાર,
ને હવામાં ભળી ગયો છે
બરફ જેવો આછો સુંવાળો ડંખ.
બહાર રસ્તાઓ હજી સુનમુન છે,
પંખીઓ પણ પોતાની પાંખો સંકેલીને
ડાળીઓની સોડમાં ભરાઈ બેઠા છે,
ત્યારે આ ઓરડાના ખૂણે
એક આખું બ્રહ્માંડ સમેટાઈ ગયું છે
રૂના પોચા વળાંકો વચ્ચે.
ઠંડી—
જે બહારથી બારીની તિરાડો વાટે
ચોરીછૂપીથી અંદર ડોકિયું કરે છે,
આંગળીઓના ટેરવાંને થીજવી દે છે,
અને મન પર એક આળસનું
મીઠું આવરણ ચડાવી દે છે.
અને સામે પક્ષે, આ રજાઈ—
માત્ર સુતરાઉ કપડું કે રૂનો ઢગલો નથી,
એ તો છે એક હૂંફાળો કિલ્લો!
જ્યાં દુનિયાના બધા જ ઉચાટો,
દોડાદોડ અને ચિંતાઓ
સીમાડે જ રોકાઈ જાય છે.
જ્યારે ઠંડા પગ
રજાઈના અંદરના છેડે અડકે છે,
અને ધીમે ધીમે ફેલાય છે
એક અદભુત, ઘેરી હુંફાળી નીરવતા;
ત્યારે લાગે છે કે સમય પોતે પણ
અહીં આવીને થંભી ગયો છે.
ઘડિયાળનો કાંટો બહાર બોલાવે છે,
જવાબદારીઓ બારણે ટકોરા મારે છે,
પણ રજાઈનો છેડો
કાનની બૂટ પાસે ખેંચી લેતાં જ
મન ફરી એકવાર
સપનાઓની ઊંડી ખીણમાં સરી પડે છે.
ઠંડી જો પડકાર છે પવનનો,
તો રજાઈ એનો સૌથી પ્રેમાળ ઉત્તર છે;
એક તરફ થીજવતી વાસ્તવિકતા,
અને બીજી તરફ "સ્વયમ્'ભૂ"
ઊંઘમાં લપેટાયેલી વહાલી સુરક્ષા!
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"