ઘરના દરવાજે આવીને ઉભો રહ્યો એક ભિક્ષુક
આવી યાચનાનો એણે શબ્દ કહ્યો એક ભિક્ષુક
દરિદ્રતા નખશિખ જાણે વરી ચૂકી હતી એને,
રખેને દીનતાએ કોઈ વેશ ધર્યો એક ભિક્ષુક.
ચિંથરેહાલ કપડામાંથી ડોકિયું કરતી રંકતા ને,
કૈંક પામવાને વારેવારે પ્રાર્થી રહ્યો એક ભિક્ષુક.
હતી વેશભૂષા એવી ભલભલાને દ્રવિત કરતી,
ને આદ્રતાથી શબ્દોને ઉચ્ચારતો એક ભિક્ષુક.
મૂકીને ભરોસો ઈશ્વર પર એ યાચી રહ્યો હતો,
કંઈ ના મળતા બીજે ડગ ભરતો એક ભિક્ષુક.
ખુલ્લા પગે ગ્રીષ્મના એ દાઝી રહ્યો હતો કેટલો,
એથી જ એટલે વારંવાર કરગરતો એક ભિક્ષુક.
-ચૈતન્ય જોષી ' દિપક' પોરબંદર.