Histroy of ahmedabad series in Gujarati Travel stories by Shivani N Shah books and stories PDF | જાણો અમદાવાદ ના ઇતિહાસ ને ભાગ ૧- - હઠીસિંહ ના દેરા

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

જાણો અમદાવાદ ના ઇતિહાસ ને ભાગ ૧- - હઠીસિંહ ના દેરા

હઠીસિંહ ના દેરા

ભારત ના છઠ્ઠા સૌથી મોટા રાજ્ય ગુજરાત નું વિસ્તાર ની દ્રષ્ટિ એ સૌથી મોટું શહેર એટલે અમદાવાદ. હાલનું અમદાવાદ ખૂબ વિસ્તરેલું છે પણ પહેલા શહેર ની રક્ષા માટે તેની સીમા ફરતે બાર દરવાજા બનાવવા માં આવ્યા હતા અને તેની અંદર આખું શહેર સમાઈ જતું.આ શહેર ના બાર દરવાજા  માંનો એક દરવાજો એટલે 'દિલ્લી દરવાજા' અને આ દિલ્લી દરવાજા પાસે આવેલું ભવ્ય અને કલાત્મક શિલ્પકળા નું પ્રતીક એવું જિનાલય એટલે હઠી સિંહ ના દેરા (શેઠ શ્રી હઠી સિંહ એ બનાવડાવેલું જિનાલય જે હઠી સિંહ ના દેરા થી પ્રખ્યાત છે).

જિનાલય ની રચના પાછળ જેમના વિચારો, મજબૂત મનોબળ અને સાહસ કાર્યરત રહ્યા તેવા શેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહ અને તેમના ધર્મપત્ની હરકુંવર શેઠાણી કે જેમણે વિક્રમ સંવંત ૧૯૦૧ માં આ જગ્યા માં ખાતમુહૂર્ત કરાવી જિનાલય નિર્માણ નું પહેલું પગથિયું મૂક્યું હતું.

જિનાલય નિર્માણ નું કાર્ય પૂર્ણ થાય તે પહેલાં જ શેઠ શ્રી હઠી સિંહ નું વિક્રમ સંવત ૧૯૦૨ માં માત્ર ૪૯ વર્ષ ની નાની વયે મૃત્યુ થયું અને જિનાલય નું કામ હરકુંવર શેઠાણી પર આવી પડ્યું. શેઠાણી ની કુનેહ અને સુજબૂઝ થી વિક્રમ સંવત ૧૯૦૩ માં જિનાલય નિર્માણ નું કાર્ય લગભગ ૮ લાખ ના ખર્ચે પૂર્ણ થયું અને મહા વદ ૧૧ ના દિવસે આચાર્ય શ્રી શાંતિસાગરસુરીજી ના વરદ હસ્તે જિનાલય ની ધામધૂમ થી પ્રતિષ્ઠા કરાવવામાં આવી, આ પ્રતિષ્ઠા માં ભાગ લેવા દૂર દૂર ના ગામ સુધી લોકો ને ઉલ્લાસભેર આમંત્રણ આપવા માં આવ્યા હતા અને લોકો નો ઉત્સાહ એથી પણ બમણો કે લગભગ ૧ લાખ લોકો આ પ્રતિષ્ઠા માં ભાગ લેવા ઉમટ્યા હતા અને તેમના રહેવાની વ્યવસ્થા માટે મંદિર ના પાછળ ના ભાગ થી લઈ ને છેક શાહીબાગ સુધી છાવણી (તંબુ) નાખવાની જરૂરત પડી હતી જેના લીધે મંદિર નો પાછળ નો ભાગ આજે પણ હઠીપરા ના નામે પ્રખ્યાત છે.

૫૨(બાવન) જેટલી નાની નાની દેરી ઓ થી ઘેરાયેલા જિનાલય ના અંદર ના ભાગ માં મુખ્ય જિનાલય આવેલું છે જેમાં કલાત્મક શિલ્પ ધરાવતા થાંભલા, ઝરૂખા, પ્રવેશદ્વાર, ભિન્ન -ભિન્ન કલાત્મક કોતરાણીઓ કંડારાયેલ છે.  આ ૧૬૦ ફુટ લાંબી અને ૧૨૬ ફુટ પહોળી ઐતિહાસિક જગ્યા માં પ્રવેશ કરતા જ ભક્તો અને સહેલાણીઓ એક અનોખા આહલાદક વાતાવરણ નો અનુભવ કરે છે. મુખ્ય જિનાલય માં દાદરા ચડી ને પ્રવેશ કરતા જ સૌ પ્રથમ પૂજા મંડપ આવે છે જ્યાં વાર-તહેવાર કે પ્રસંગે ભગવાન ની પૂજા ભણાવાય છે અને લોકો દૂર દૂર થઈ અહીંયા પૂજા ભણાવવા આવે છે.ત્યાર પછી અંદર જતા રંગમંડપ આવે છે જ્યાં શ્રાવક-શ્રવિકા, સાધુ-સાધ્વી ભગવંતો પ્રભુભક્તિ માં લીન થઈ ને ધાર્મિક ક્રિયાઓ કરે છે, જૈનો અહીં સ્તવન (ભક્તિગીતો) ની રમઝટ પણ બોલાવે છે. તે પછી અંદર આવે છે ત્રણ દરવાજા ધરાવતું ગર્ભગૃહ જેમાં જૈનો ના પંદરમાં તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી મૂળનાયક સ્વરૂપે અને બીજી જિનપ્રતિમાઓ પધરાવેલી છે. રંગમંડપ માં ઉભા રહેતા જમણી બાજુ એક નિસરણી છે જે તમને ઉપરની તરફ લઈ જાય છે જ્યાંથી દેરાસર ની ઉપર ના ઘુમ્મટ ના દર્શન કરી શકાય છે. રંગમંડપ ની ડાબી કે જમણી કોઈ પણ બાજુ થી નીચે ઉતારતા ભોંયરા માં પણ સુંદર પ્રતિમાઓ પધરાવેલી છે. પૂજા મંડપ ની ઉપર નો ઘુમ્મટ હોય કે ૫૨(બાવન) દેરી ની પ્રદક્ષિણા કરતા અલગ અલગ કોતરાણીઓ અને દેરાસર ની ઉપરના શિખરો જોવાની મજા હોય કે પછી પ્રદક્ષિણા પથ માં પધરાવેલી અનંત , અનાગત કે વર્તમાન ચોવીસી ની જૈન તીર્થંકરો ની પ્રતિમા હોય ઇતિહાસ પ્રેમીઓ ના મન માં અલગ અલગ છાપ છોડી જય છે. જિનાલય માં ઘંટારવ અને દેરીઓ ઉપરની નાની નાની ઘંટડીઓ ના મધુર અવાજ થી જાણે કર્ણપ્રિય સંગીત સાંભળતા હોઈએ તેવો અનુભવ થાય છે. જિનાલય માં ઠેર ઠેર  નૃત્ય કરતી પુતળીઓ ગોઠવવા માં આવી છે , આમ જિનાલય ની કારીગરી અને તેમાં કરવામાં આવેલી આ નાની નાની ગોઠવણી દેશ-વિદેશ ના શિલ્પીઓ ને આકર્ષિત કરે છે. મુખ્ય પ્રવેશદ્વાર થી પાછા બહાર આવતા ડાબી બાજુ એ ઓશિયા માતા ના દર્શન થાય છે અને જમણી બાજુ શ્રી કૃષ્ણ વાસુદેવ ની પરિવાર સહિત મૂર્તિ પધરાવવા માં આવી છે અને શાસ્ત્રો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આવતી ચોવીસી માં ભગવાન શ્રી કૃષ્ણ જૈનો ના બારમા તીર્થંકર શ્રી અમમ નાથ રૂપે પૂજનીય હશે.

તાજેતર માં જૈનો ના વર્તમાન ચોવીસી ના ૨૪ માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન ના નિર્વાણ ના ૨૫૦૦ વર્ષ પુરા થતા એક કીર્તિસ્તંભ બંધાવવા માં આવ્યો છે જે આકર્ષણ નું કેન્દ્ર છે અને તેમાં શ્રી ૨૪ માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન ની ૩૭'' ની મૂર્તિ પધરાવવા માં આવી છે જે મૂળનાયક રૂપે પૂજનીય છે.

આટલા વર્ષો પછી પણ દેરાસર  નું કામકાજ આજે પણ એટલી જ નિષ્ઠતા થી ચલાવવા માં આવે છે અને અહીં ભક્તો ને ખાવા-પીવા ની કોઈ અગવડ ના પડે તે માટે  અલગ થી ધર્મશાળા, આયંબિલ ભવન, અલ્પાહાર ગૃહ, ભક્તો ને રહેવા માટે આધુનિક સગવડ વાળી ૨ ધર્મશાળાઓ તેમજ સ્નાનગૃહ નો પણ સમાવેશ થાય છે.


દેરાસર ના નિરીક્ષણ બાદ પુરાતત્ત્વ વિભાગ ના વિશ્વવિખ્યાત વિદ્વાન શ્રી આનંદકુમાર સ્વામી એ આ બાંધણી ને 'નાગર બાંધણી' તરીકે ઓળખાવી છે.

જિનાલય ની પ્રશંશા માં તે કાળ ના મહાન કવિ ઓ એ પણ જિનાલય ની સ્તુતિ માં ઘણું કહ્યું છે, જેમ કે કવિ નર્મદ આ દેરાસર ની કારીગરી જોઈ ન કહે છે કે "કામ એવું તવંગર છે કે જે કાળ માં શિલ્પકળા નો ઉત્કર્ષ કાળ હતો તેના જેવું છે." તે ઉપરાંત શ્રી રવિશંકર રાવળ,  બર્જેસ અને ફરગ્યુસન  જેવા બીજા ઘણા મહાનુભાવો એ આ જિનાલય ની કારીગરી ની ભરપૂર પ્રશંશા કરી છે.
આ સ્થાપત્ય પંડિતો નું જિનાલય ની આ રચના પર વારી ગયા હતા તેમનું કહેવું છે કે અંદર થી નજર ફેરવો અને બહાર સુધી આવો તો અનેકવિધ, જુદા જુદા પ્રકારની  વિવિધતાઓ આ કારીગરી માં જોવા મળે છે છતાં કોઈ ગૂંચવણ કે મથામણ ઉભી થતી નથી. ફરગ્યુસન તો ખાસ કહે છે કે " હિન્દુસ્તાન માં જૈન સ્થાપત્ય ટોચે પહોંચ્યું હતું અને તેમાં મુસલમાન સમય ના કેટલાક મિશ્રણ થી તે વધારે શુદ્ધ બન્યું હતું"

"આ જિનાલય ની રચના શિલ્પી પ્રેમચંદ સલાટે કરી છે."

ઉપરાંત શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી ના દિવસે દેરાસર ની બહાર એક મેળો ભરાય છે અને રસ્તા પણ મેળા માટે લગભગ બંધ કરી દેવામાં આવે છે જેથી નાના-મોટા સૌ એનો કોઈ પણ ડર વિના આનંદ લઈ શકે, અહીં કૃષ્ણજન્મ પહેલા લોકો આ મેળા નો ભરપૂર આનંદ લે છે જેમાં નાના બાળકો માટે રમકડાં, ખાવા-પીવા ની વસ્તુ ઓ , ચકડોળ અને બીજી ઘણી વસ્તુઓ નો લોકો આનંદ લે છે, દેરાસર માં પણ મેળા માટે આવેલા લોકો દર્શન કરી ભગવાન ને ફુલ અર્પણ કરે છે , આ દિવસે દેરાસર ના પ્રાંગણ માં નાના બચ્ચા ઓ સાથે વડીલો ને રમતા જોવાનો આનંદ જ અનેરો હોય છે જે દ્રશ્ય હિન્દુસ્તાન ની ધરતી પર અલગ અલગ ધર્મ હોવા છતાં અહીંની પ્રજા એકજૂથ છે એની યાદ અપાવે છે .

---શિવાની શાહ

(દરેક ઐતિહાસિક વાત નો સંદર્ભ શેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહ ની પુસ્તિકા માં થી લેવા માં આવેલ છે.)