patal lok in Gujarati Film Reviews by Jatin.R.patel books and stories PDF | પાતાળલોક વેબસિરિઝ રિવ્યુ

Featured Books
  • नज़र से दिल तक - 5

    अगले हफ़्ते ही first-year students को हॉस्पिटल block में पहल...

  • Where Are We Heading in the AI Age?

    Introductionठीक है… सोचिए, अगर सरकार का कोई काम अब इंसानों क...

  • The Demon Catcher - Part 5

    "The Demon Catcher", all parts को प्रतिलिपि पर पढ़ें :,https:...

  • हमराज - 13

    आका की बात सुनकर ज़ेबा चौंक गयी और बोली, " क्या, क्या कह रहे...

  • अदाकारा - 20

    अदाकारा 20*"मुन।मैं क्या कहता हूँ।अगर हम उस लड़के से एक बार...

Categories
Share

પાતાળલોક વેબસિરિઝ રિવ્યુ

પાતાળલોક- વેબ સિરિઝ રિવ્યુ
સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ-એમેઝોન પ્રાઈમ
ડિરેકટર-અવિનાશ અરુન, પ્રોસિત રોય
પ્રોડ્યુસર:- અનુષ્કા શર્મા

ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની ખાસિયત છે કે એ અમુક ટેલેન્ટેડ પણ ખૂબ ઓછાં જાણીતાં એક્ટર્સને લઈને ગજબની વેબ સિરિઝ બનાવવામાં મહારથ ધરાવે છે. મિર્ઝાપુર બાદ આવી જ એક જબરજસ્ત વેબ સિરિઝ હમણાં એમેઝોન પ્રાઈમ પર રજૂ થઈ છે જેનું નામ છે પાતાળ લોક.

વેબસિરિઝ બેઝ છે દિલ્હીનાં આઉટર જમનાપુર પોલીસ સ્ટેશનની આસપાસનાં વિસ્તારોમાં થતાં ગુનાઓ, ઈન્ડિયન મીડિયા અને ઉત્તરપ્રદેશમાં થતાં નાત-જાતનાં રાજકારણ પર.

વેબ સિરિઝની શરૂઆત થાય છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થતી ચાર લોકોની ધરપકડ સાથે. આ ચાર લોકો પર આરોપ હોય છે કે એ મળીને ભારતનાં એક મોટાં ન્યૂઝ એન્કર સંજીવ મેહરાની હત્યા કરવા જઈ રહ્યાં હોય છે.
આ ચાર લોકોની કસ્ટડી આઉટર જમનાપુર પોલીસ સ્ટેશન એટલે કે પાતાળલોકનાં પોલીસ ઈન્સ્પેકટર હાથીરામ ચૌધરીને સોંપવામાં આવે છે. વર્ષોથી પોતાની બઢતીની રાહ જોઈ રહેલાં હાથીરામ ચૌધરીને આ કેસ સોલ્વ કરીને પ્રમોશન મેળવવાની અને પરિવારનાં સભ્યોની નજરમાં સમ્માન મેળવવાની આશ બંધાય છે.

પોતાનાં જુનિયર ઓફિસર ઈમરાન અંસારીની મદદથી હાથીરામ આ કેસ સોલ્વ કરવામાં પૂરો જીવ રેડી દે છે. પણ આમ કરતાં એને માલુમ પડે છે કે આ કેસ જેટલો સીધો દેખાય છે એટલો સીધો નથી. દિલ્હીથી નીકળીએ ઉત્તરપ્રદેશનાં બાહુબલી નેતાઓનાં ગઢ એવાં ચિત્રકૂટ સુધી આ કેસનાં તાર જોડાય છે. રહસ્યની એક પછી એક પરત ઈન્વેસ્ટિગેશન દરમિયાન ખૂલતી જાય છે જે હાથીરામને ખુદને પણ અચંબિત કરી મૂકે છે.

હાથીરામ ચૌધરી એક ખડૂસ પોલીસ ઓફિસર છે જે નક્કી કરી બેઠો હોય છે કે કોઈપણ ભોગે આ કેસ સોલ્વ કરીને જ રહેશે. પોતાનાં પિતાજી એને તુચ્છ સમજતાં હોય છે પણ પોતાની પત્ની અને દીકરો પણ એને આમ સમજવા લાગે છે..ત્યારે, હાથીરામ માટે આ એક કેસ કરતાં પોતાનાં પરિવારની નજરોમાં ઊંચા આવવાનો ઉપાય હોય છે.

ઈન્વેસ્ટિગેશનની શરૂઆતમાં જ હાથીરામને સમજાય જાય છે કે જો આ કેસ સોલ્વ કરવો હશે તો પકડાયેલા ચારેય ગુનેગારોનાં ભૂતકાળમાં ડોકિયું કરવું આવશ્યક છે. હાથીરામ નીચે અંસારી નામક એક જુનિયર ઓફિસર છે જે આઈ.પી.એસની તૈયારી કરી રહ્યો હોય છે. પોતે મુસ્લિમ હોવાથી પોતાનાં અન્ય સાથી કર્મચારીઓ દ્વારા થતી અવહેલના વચ્ચે એ પોતાનાં સિનિયર માટે પોતાનો બધો દમ લગાવી દે છે.

હાથીરામ જ્યારે ચારેય ગુનેગારોની હિસ્ટ્રી કઢાવે છે ત્યારે એક ગુનેગારની ક્રાઈમ હિસ્ટ્રી જોઈને એનાં ભવા ઊંચકાય છે. પકડાયેલાં આરોપીઓમાં એક ચિત્રકૂટ ઉત્તરપ્રદેશનો કુખ્યાત હત્યારો હથોડા ત્યાગી હોય છે. સ્ટેટ લેવલનો હથોડા ફેંકનો ચેમ્પિયન સંજોગોનાં વમળમાં ફસાઈને ખૂંખાર હત્યારો બને છે, જે હથોડા વડે લોકોની હત્યા કરે છે એટલે એ હથોડા ત્યાગી તરીકે કુખ્યાત બને છે. પિસ્તાળીસ લોકોની હત્યા કરનારો હથોડા ત્યાગી એક ન્યૂઝ એન્કરનું મર્ડર કરવામાં નિષ્ફળ કેમ રહ્યો એ હાથીરામ માટે મોટો પ્રશ્ન બની રહે છે.

વિશાલ ત્યાગીની હિસ્ટ્રી કઢાવવા હાથીરામ સીધો ચિત્રકૂટ એનાં વિસ્તારમાં જાય છે જ્યારે અંસારી વિશાલનાં અન્ય સાથી તોપ સિંહનાં ભૂતકાળ વિશે જાણવા પંજાબ પહોંચે છે. ત્યાં પહોંચ્યાં બાદ એમને માલુમ પડે છે કે કોઈ વ્યક્તિ જન્મથી ગુનેગાર નથી હોતો પણ સામાજિક માળખું અને એમનાં પર થતાં અત્યાચારો એમને આવા બનવા મજબુર કરી મૂકે છે.

આ ચાર લોકોમાં એક યુવતી પણ હોય છે જેનો ભૂતકાળ અને એનું આ લોકો સાથે આ હત્યાની પ્લાનીંગમાં હોવું રૂંવાટા ઊભાં કરનારું છે. આ સિવાય ગુનેગારોમાં એક મુસ્લિમ પાત્ર પણ દર્શાવાયું છે કબીર એમ. કબીરની પાછળ રહેલાં એમ. શબ્દનો અર્થ શોધતાં હાથીરામ અને અંસારી સામે એક ચોંકાવનારી હકીકત સામે આવે છે. જ્યારે હાથીરામ કબીરના પિતાજીને મળે છે ત્યારે એનાં પિતાજીનો બોલાયેલો એક ડાયલોગ કાન ઊભાં કરવાનું કામ કરી જાય છે.
"મેંને તો ઉસે મુસ્લિમ ભી નહીં બનને દિયા, પર આપ લોગોને ઉસે જીહાદી બના દિયા."

આખરે ચારેય ગુનેગારોનો ભૂતકાળ અને આ હાઈ-પ્રોફાઈલ કેસ જોડે જોડાયેલાં તથ્યોને જોડીને હાથીરામ એક એવા સત્યની નજીક પહોંચે છે જે ઘણાં લોકોનાં રાતની નીંદર ઉડાવી મુકનારું હોય છે. આખા કેસનો જ્યારે પર્દાફાશ થવાનો હોય છે ત્યારે જ હાથીરામને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

સસ્પેન્ડ થયાં બાદ નિરાશામાં ડૂબેલો હાથીરામ ચૌધરી એક નિર્ણય કરે છે કે પોતે ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે આ કેસ પોતાનાં બળે સોલ્વ કરીને જ જંપશે.

શું હાથીરામ આ હાઈ પ્રોફાઈલ કેસ સોલ્વ કરી શકશે કે પછી રાજનીતિનાં ગંદા રાજકારણમાં ફસાઈને પોતાની ઉપર સંકટ ઊભું કરશે એ જાણવા આ વેબસિરિઝ જોવી રહી.

આ વેબસિરિઝમાં કેસની ઈન્વેસ્ટિગેશન સાથે પકડાયેલા ચાર લોકોને પાતાળલોકનાં કીડા કહેવાયા છે. આ કીડાઓનું જે બેકગ્રાઉન્ડ બતાવાયું છે એ તમને ઝકઝોરી મૂકશે કે હકીકતમાં હજુપણ આપણાં દેશમાં આવું બધું પણ થતું હોય છે. આ ચાર લોકો કઈ રીતે ક્રાઈમની દુનિયામાં આવ્યાં એ બખૂબી આ વેબસિરિઝમાં બતાવાયું છે.

કેસ ઈન્વેસ્ટિગેશન સાથે મોટાં-મોટાં મીડિયા હાઉસમાં ચાલતી પોલિટિક્સ ખૂબ સારી રીતે પદડાં પર ઉતારાઈ છે. મીડિયા હાઉસમાં પ્રમોશન મેળવવા સ્ત્રીઓએ ના છૂટકે કરવા પડતા કામ પર પણ આ વેબસિરિઝમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ધર્મ અને જાતીનાં નામે થતું રાજકારણ બતાવવાની હિંમત આ વેબસિરિઝનાં ડિરેકટર ડ્યુઓ કરી શક્યાં છે.

હાથીરામનો પોતાનાં પરિવારનાં સભ્યો, ખાસ કરીને એનાં પુત્ર સાથે થતો મનમોટાવ પણ બતાવવામાં આવ્યો છે. હાથીરામના પુત્રનું પાત્ર દરેક માતા-પિતાનું ધ્યાન દોરી શકે છે. સંગતની અસર તમારાં બાળકો પર કેટલી હદે પડી શકે છે એનું નિરૂપણ હાથીરામનાં પુત્રનાં પાત્ર થકી આબેહૂબ દર્શાવાયું છે.

એક્ટિંગની વાત કરીએ તો હાથીરામ ચૌધરીનાં રોલમાં જયદીપ આહલાવતની એક્ટિંગ કાબિલેતારીફ છે. એમનો બાંધો, ડાયલોગ ડિલિવરી, ફેસ એક્સપ્રેસન બધું અપ ટુ ડેટ છે. સંજીવ મહેરાનાં રોલમાં સેક્રેડ ગેમ્સનાં પારુલકર ફેઈમ નીરજ કાબીનું કામ ઉત્તમ છે. નીરજ કાબી નજીકમાં કોઈ મોટી ફિલ્મમાં જોવા મળે તો નવાઈ નહીં.

સપોર્ટિંગ રોલમાં જગજીત સંધુ, નિહારિકા દત્ત, ગુલ પનાગ, ઈશવાક સિંગનું કામ સારું છે. પણ આ બધામાં જો સૌથી વધુ કોઈએ પ્રભાવિત કર્યાં હોય તો એ છે વિશાલ ત્યાગી ઉર્ફ હથોડા ત્યાગી બનતાં દેવાકર બેનર્જીએ. દેવાકર બેનર્જી વેબ સિરિઝમાં ખૂબ ઓછાં ડાયલોગ હોવાં છતાં આંખો અને હાવભાવ વડે પોતાની છાપ છોડવામાં સફળ થાય છે.

આ ઉપરાંત આ સિરિઝમાં મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો એક એંગલ પણ બખૂબી દર્શાવાયો છે, જે વેબસિરિઝનાં દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વનો છે.

વેબસિરિઝનો સ્ક્રીનપ્લે સારો છે જે તમને છેવટ સુધી જકડી રાખવાનું કામ કરે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાઉડ રાખવાની જગ્યાએ ખપપૂરતું જ રાખવામાં આવ્યું છે જે સારી બાબત છે. જો કે વન લાઈનર ડાયલોગની કમી અહીં વર્તાય છે. વેબસિરિઝ છે તો ગાળો તો ઢગલાબંધ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકાદ બે એડલ્ટ સીન પણ તમેને જોવા મળશે જે સ્કીપ કરી શકો છો.

40 થી 45 મિનિટનાં નવ ભાગ ધરાવતી આ વેબસિરિઝ પૈસા વસુલ છે. તો પછી જ્યારે પણ ફ્રી પડો ત્યારે છ કલાક જેટલો સમય કાઢીને જોઈ નાંખો આ ક્રાઈમ થ્રિલર વેબસિરિઝ પાતાળલોક. બીજી સિઝનનાં કોઈ સંકેતો વેબસિરિઝનાં અંતમાં મળતાં નથી એટલે હાલપૂરતી બીજી સિઝન આવવાની શક્યતા નથી.

-જતીન.આર.પટેલ (શિવાય)