Gujarati saying and its meaning with a joke - 2 in Gujarati Comedy stories by Yuvrajsinh jadeja books and stories PDF | ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2

Featured Books
  • Age Doesn't Matter in Love - 16

    अभिमान अपने सिर के पीछे हाथ फेरते हुए, हल्की सी झुंझलाहट में...

  • खून की किताब

    🩸 असली Chapter 1: “प्रशांत की मुस्कान”स्थान: कोटा, राजस्थानक...

  • Eclipsed Love - 12

    आशीर्वाद अनाथालय धुंधली शाम का वक्त था। आसमान में सूरज अपने...

  • मिट्टी का दीया

    राजस्थान के एक छोटे से कस्बे में, सूरज नाम का लड़का रहता था।...

  • कॉलेज की वो पहली बारिश

    "कॉलेज की वो पहली बारिश"लेखक: Abhay marbate > "कुछ यादें कित...

Categories
Share

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2

સહેજે વીચાર આવેલો કે કહેવતોનો વપરાશ કેટલો ઘટી ગયો છે ને "ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે" લખેલું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે હવે થોડી બીજી કહેવતો સાથે " ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2" લખ્યું છે આ લેખ ને પણ ખૂબ સારો પ્રતિસાદ મળે એજ આશા સાથે.... આમાં જે રમૂજી પ્રસંગો વર્ણવ્યા છે એ કહેવતો શીખવાની પ્રક્રિયાને હળવી બનાવવા વર્ણવ્યા છે...કોઈને એ ન ગમે તો ક્ષમા સાથે આ લેખ અહીં મૂકું છું....

####################

(1) કુવામાં હોય તો હવેડામાં આવે ને...

● ટીન્યો શાળાએ જઈને સાહેબને ઘરકામ બતાવે ને સાહેબ કહે કે આ ઘરકામ તારા પપ્પાએ કર્યું છે ને..બોલ હાચુ બાકી નાખું એક? ટીન્યો કે હા સાહેબ પણ તમને કેમ ખબર પડી ? ત્યારે સાહેબ કહે..તારું આટલું બધું તો ખોટું નો હોય... આને કહેવાય કુવામાં હોય તો હવેડામાં આવે ને...

■ અર્થ : - વડિલોમાં હોય તો બાળકોમાં આવડત કે સંસ્કાર આવે...

(2) ગાયને દોહીને કુતરાને પાવું..

● માંડ માંડ કમાતા હોયને પછી નીત નવા દોષ કઢાવવા તાંત્રિકના રવાડે ચઢે ને તાંત્રિકની કુંડળીનો ધનનો દોષ દૂર થાય પણ એના એકેય દોષ દૂર ન થાય અને મહીનો પૂરો થાતાં ઉધાર માંગવા નીકળવું પડે એને કહેવાય ગાય દોહીને કુતરાને પાવું...

■ અર્થ : - મહેનતથી કમાયેલું ધન કે વસ્તુ વેડફી નાંખવા..

(3) મીઠા ઝાડના મૂળિયાં ખાવા..

● જ્યારે કોઈ ભલા વ્યક્તિ દ્વારા લોકોની મદદ કરવા રસ્તા પર માનવતા ની દિવાલ ચાલુ કરવામાં આવે જેમાં લખ્યું હોય તમારે વસ્ત્રોની જરૂર હોય તો લઈ જાવ અને તમારી પાસે વધુ વસ્ત્રો હોય તો અહીં આપી જાવ અને સાથે બે-ત્રણ લોખંડની ખીતી રાખેલી હોય... બે દિવસ પછી જોતાં ખબર પડે કે કોક લોખંડની ખીતી જ કાઢી ગ્યું છે...તો આને કહેવાય મીઠા ઝાડના મૂળિયાં ખાવા...

■ અર્થ : - કોઈ ભલા વ્યક્તિનો જરૂરિયાતથી વધુ પડતો લાભ લેવો...

(4) આપવો દોકડો ને લેવો બોકડો..

● ગામના કંજૂસ કાકા મંદિરે જાઈને દાનપાત્રમાં આંઠ આના મૂકી બદલામાં ભગવાન પાસે પોતાનું સ્વાસ્થ્ય , મોટા દિકરા માટે ગાડી નાના માટે લાડી , રૂપિયાનો ઢગલો ને એકાદ બંગલો બધું માંગી લે અને ભગવાન પણ વિચારતા રહી જાય કે આ દર્શન કરવા આયવો છે કે એનું લીસ્ટ દેવા...આને કહેવાય આપવો દોકડો ને લેવો બોકડો...

■ અર્થ : - ઓછી કિંમતી વસ્તુ આપી વધુ કિંમતી વસ્તુ લઈ લેવી...

(5) કૂતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે...

● બે પતિ-પત્ની કોઈ તિર્થ જાવાનું નક્કી કરે ને પછી એ વાતમાં ઝઘડો થાય કે ટ્રેનમાં જાવું કે બસમાં જાવું આ ઝઘડો બે કલાક હાલે ને તિર્થ તો રહી જાય બાજુએ ઘરમાં પણ વાસણ પછાડતા જમીને એકબીજાથી ઉંધા મોઢા ફેરવીને સૂઈ જાય આને કહેવાય કૂતરાઓનો સંઘ કાશીએ ન પોગે...

■ અર્થ : - જે લોકોમાં અરસપરસ સંપ ન હોય તેઓના કામ પાર પડે નહીં...

(6) વાર્યા ન વળે ઈ હાર્યા વળે..

● કોઈ જુવાન છોકરાને વડિલ સમજાવે કે બેટા લોકડાઉન છે બહાર ના નીકળીશ પણ ઈ માને નહીં અને નાકા સુધી તો જાવું ને એમ કહી આંટો મારવા નીકળે અને થોડી વારમાં ઓય માળી ઓય બાપા કરતો પીઠ પર લાલ ચાંભા લઈને પાછો આવે ને વડિલ પૂછે શું થ્યુ બેટા ? ત્યારે ઈ કે બાર નીકળવા જેવું નથી બોવ કડક છે ખાતું... આને કહેવાય વાર્યા ન વળે ઈ હાર્યા વળે..

■ અર્થ : - જે માણસ સમજાવા થી નથી માનતા એ અસફળતા અથવા નુકસાન થયા પછી સમજી જાય..

(7) પારકી મા જ કાન વીંધે..

● ઘરે તોફાની ચકો ઉઠું છું ઉઠું છું કરીને મમ્મી અડધી કલાક ઉઠાડે ને તોય નો ઉઠતો હોય છેવટે મમ્મી હાથમાં બ્રશ આપે ત્યારે કુંવર બ્રશ કરતાં હોય પણ જ્યારે હોસ્ટેલ જાવાનું થાય ને ઉઠું છું બોલતા જ સાટ કરતી સોટી પડે ને કુંવર એકજ અવાજમાં માં ઉઠતા થઈ જાય એને કહેવાય પારકી માં જ કાન વીંધે...

■ અર્થ : - પારકા લોકો જ બરાબર ઘડતર કરે..

(8) લોભ ને નહીં થોભ..

● લોભિયો જુગારી જીતી જાય પછી પણ એને એમ થાય કે હજુ એકાદ બાજી રમી લઉં હજુ થોડુંક જીતી જવાશે... અને છેલ્લે ઉભો થાય ત્યારે રીક્ષા ભાડાના પણ નો વધે એને કહેવાય લોભ ને નહીં થોભ...

■ અર્થ : - લોભી માણસને સંતોષ ન હોય...

(9) ભાવતું હતું ને વૈદે કહ્યું...

● તોફાની મગનીયા ને પેટમાં દુખતું હોય ને ડોક્ટર સાહેબ કહે કે દવા આપી છે આરામ કરાવજો એક-બે દિવસ શાળાએ ન મોકલતા..અને મગનીયાને એમ થાય કે આહા હજી ભલે ત્રણ ચાર દી પેટમાં દુખતું આને કહેવાય ભાવતું હતું ને વૈદે કહ્યું...

■ અર્થ : - ગમતું કામ કરવાની સલાહ મળવી કે જરૂરિયાત પડવી..

(10) ઘેર ઘેર માટીના ચૂલા..

● કોઈ વડિલ હોય જે આખા ગામના ઘરના ઝઘડાના સમાધાન કરાવવા પહોંચી જાતા હોય ને પછી થાય એવું કે એના છોકરાના છુટાછેડાનો કેસ કોર્ટમાં જાય આને કહેવાય ઘેર ઘેર માટીના ચૂલા..

■ અર્થ : - હરેક ઘરે ઝઘડા હોય અથવા દરેક ઘરે એક જેવી જ પરિસ્થિતિ હોય છે...

####################

તો બધા હસતાં રહેજો કહેવતો વાપરતા રહેજો...ફરી કોઈ નવી વાત કે વાર્તા સાથે મળીશું....