Janmanjali - 2 in Gujarati Fiction Stories by Urmi Chetan Nakrani books and stories PDF | જન્માંજલિ - 2

Featured Books
  • ગંગા સ્નાન

    ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं...

  • પરંપરા કે પ્રગતિ? - 6

    પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે...

  • આઈ કેન સી યુ!! - 3

    અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી ર...

  • મમ્મી એટલે?

    હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મ...

  • ભાગવત રહસ્ય - 278

    ભાગવત રહસ્ય -૨૭૮   પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી ત...

Categories
Share

જન્માંજલિ - 2

સવારનો સુરજ સોનેરી રંગ લઈને મુખીની ડેલીને અજવાળી રહ્યો છે. બાયુ માણહ વલોણા ઘમઘમાવી રહી છે. ઘરનું દહીં દૂધ ને માખણ ખાઈને સૌ કોઈ ઉચા બાંધાના દેખાઈ છે ને પાચ શેરના હાથ વાળાને ગોળ મટોળ મોઢાને લાલી ચડી છે. સાથી બળદને નિરણ - પૂળાં કરી રહ્યાં છે. બળુકી બાયું પોતાના કાંડાના જોર ગાયું - ભેંસુના આંચળ પર કાઢી રહી છે. ગાયું - ભેંસુ ગમાણમાં મૂકેલા ખાણના બકડિયામાં માથાં ઉંધા ખોસી ખાવામાં મસ્ત છે. લીલા રજકાની તાણ્ય નથી. બાયુ ઉભડક પગે બે પગ વચાળે બોઘડામાં દૂધની શેર્યુનો વરસાદ વરસાવતી દસ પંદર શેર દૂધ કાઢતી એ કામધનુંને ઉભી રેને કયા જવું છે? - ટાંટિયા ઉચા કરીને એવા મીઠાં ઠપકા દેતી હતી અને ઘરની અન્નપૂર્ણાઓ પીઠ પર વ્હાલ વરસાવતી જતી હતી.
મુખી ફળીની ડંકી પાસે દાતણ કરવા બેઠા રસોડામાં શિરામણની તૈયારી કરતી અન્નપૂર્ણાદેવીઓ અંદરો અંદર ગણગણાટ કરતી હતી ને ઢેબરા ઢીબ્યે જતી હતી.
મુખી કાંઠાનો મજબૂત ને છ ફૂટ પૂરો આદમી.દેખાવે ગોરો વર્ણ . સફેદ કેડિયુંને ચોરણી પહેરેલ વેશે વધુ સોહામણો લાગતો હતો. કિલો એકનો માથે સફેદ રંગનો ફેંટો વાળેલ. એની ચાલમાં વટ હતો. મારવાડની ખાસ બનાવડાવેલી અણિયાળ મોજડી પગની શોભામાં વધારો કરતી હતી. પોતે ઢોલિયે બેઠો બેઠો હુક્કાના ધુમાડાના ગોટા ચડાવે છે ને સેવકો પાથરણાંમાં બેઠાં બેઠાં મુખીને ખેંચ કરે છે. એક જણ તકીયો લઈને મુખીને દે છે. મુખી ટેકણ કરીને બેઠો.જાણે દેશનો રાજા સભા ભરીને બેઠો હોય!. એક જણે વાત ઉપાડી-
"હેં બાપુ! આપણે રાત્રે જે પાળિયો ગામની ભાગોળે ખોડ્યો ને હેઠે વળી નામેય લખાવ્યું - લાખો ધાડપાડું.તે હું બાપુ લાખાનો નવાબે શિરચ્છેદ કર્યો ઇ વાત હાવ હાચી?"
( મુખી બધુ જાણતો હતો. છતાં...)
"હા તયે...એમ જ વાતું થોડી થાય છે"
મુખીની ખાતેદારી કરનારો બીજો એક બોલ્યો -
"બાપુ મુંડન કરાવેલ પાળિયો ઘડાવ્યો ઈ બોવ હારૂ કર્યું હો."
"તો ઇં માણહ થોડો હતો તે ઈ ને પાઘડીયુના સમ્માન હોય. જનાવરની જાત્યને બીજું વળી હું હોય "
"આખા ગામને બીવડાવતો ને બાર બાર ગાઉ હુધી ય હખ નો'તો લેવા દેતો કોઈને."
બીજા એકે સૂર પૂરાવ્યો -
"હારું થ્યું. એનું પગેરું નવાબને મળી ગ્યું ને પકડાણો. પણ ઓછું ધીંગાણું નોં તું થ્યું હો!"
"ભાલાને તલવાર ઉડ્યા હતા ધીંગાણામાં "
" નવાબના સૈનિકો ય મર્યા ને લાખાના સાથીદારો ય મર્યાં."
બધા વચ્ચે વાત-ચીત ચાલુ થઈ.
"જબરું ધીંગાણું ખેલાણુ હતું હો."
"નવાબને કો'કે વાવડ આપ્યાં હતા કે લાખો આપડી હદમાં ધાડું પાડવાનો છે."
"નવાબે કે દી ની તૈયારી કરી લીધી હતી લાખાને એના માણસો હાર્યે ઘેરવાની."
"તં યે તો ઈ હાથમાં આવ્યો."
"નકર એમ તો ઈ શીનો હાથમાં આવે."
"બોવ જોર હતું એના બાવડામાં "
"ઈં તો શેરની માથે સવાશેર મળી જાય"
"મળ્યો જ ને.જુનાગઢનો નવાબ."
"હાંભળ્યું છે કે નવાબે ચોરા વચ્ચે પ્રજાને લાખાના દર્શન કરાવેલાં "
"અને મુંડનેય ચોક વચાળે જ કરાવ્યું હતું.
" એટલે જ તો બાપુએ મુંડનવાળો લાખો ગામની ભાગોળે બેસાડ્યો."
"પણ બાપુ સારા માણસના પાળિયા હોય. આ નો કેમ? ઇં નો હમજાણું."
"ઇં ગામ લોકની બિક કાઢવા "
(ગામમાં લાખાથી ગભરાય તેવા લોકો ઘણાં ઓછા હતાં. એ ગરીબોનો આધાર હતો. હકીકતે તો મુખીએ પોતાને ઊંચો દેખાડવા ને લાખો હવે આ દુનિયામાં નથી એવું ગામલોકોના મનમાં ઠસાવવા જ પાળિયો બનાવ્યો હતો.જેથી ગામલોકોને ના છુટકે હવે મુખીની વાતો માનવી પડે.)
રસોડામાંથી સાદ પડ્યો - "એ હાલો શિરાવવા"
સૌ ઉભા થઈને ઉપડ્યાં.