Ashram 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | આશ્રમ ૩

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

આશ્રમ ૩

આશ્રમ ૩

-રાકેશ ઠક્કર

બોબી દેઓલની 'આશ્રમ' વેબસિરીઝમાંથી દર્શકોનું મન ઊઠી રહ્યું છે ત્યારે OTT પર એની ચોથી સીઝનની તૈયારી ચાલી રહી છે. તેનું ટીઝર પણ ત્રીજા ભાગના અંતમાં આપી દીધું છે. જેમાં પમ્મી એક ચાલ ચાલતી દેખાય છે. ત્રીજા ભાગમાં કોઇ ક્લાઇમેક્સ ના રાખીને અધૂરા રહસ્ય મૂકી ૨૦૨૩ માં ચોથી સીઝન જોવા મજબૂર કરવાની નિર્દેશક પ્રકાશ ઝાની આ ચાલાકીની ટીકા થઇ રહી છે. ૨૦૨૦ માં જ્યારે પહેલી સીઝન આવી ત્યારે ઝાએ બાબા પર સીધો સવાલ કર્યો હોવાથી હલચલ મચી ગઇ હતી. પણ એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક તરીકે એમણે જે પ્રતિષ્ઠા મેળવી હતી એ હવે ગુમાવી રહ્યા છે. આ વખતે 'આશ્રમ' નું નામ બદલીને 'એક બદનામ... આશ્રમ ૩' કરી દીધું હોવા છતાં એમાં વાર્તા ખાસ બદલાઇ નથી. એમાં મસાલા એના એ જ છે. એમણે જે આશા ઊભી કરી હતી એ ત્રીજા ભાગમાં પૂરી થતી નથી. વેબસિરીઝ પરથી પકડ ગુમાવી રહ્યા હોય એવું લાગે છે.

બીજા ભાગમાં બાબાએ પમ્મી (અદિતિ પોહનકર)નું શોષણ કર્યું હતું અને એ તેમની ચુંગાલમાંથી ભાગી ગઇ હતી. હવે બદલો લેવા અને બાબાની પોલ ખોલવા આવી છે. પચાસ મિનિટ સુધીના લાંબા પૂરા દસ એપિસોડ પછી પણ એ બદલો લઇ શકી નથી. એ સાથે જંગલની, રૉકસ્ટારની વગેરે અનેક વાર્તાઓ ચાલે છે. ભોપા સિંહ સાથે બાબાએ પાખંડથી પોતાનું સામ્રાજ્ય વધારે ફેલાવ્યું છે. વધારે લોકો એની આસ્થામાં ફસાઇ ચૂક્યા છે. તેણે રાજનેતાઓ અને બિઝનેસમેનોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા છે. દ્રશ્યો એટલા લાંબા છે કે ઘણા સમીક્ષકોએ એ વાતની ખુશી વ્યક્ત કરી છે કે OTT પર દર્શકો પાસે ફાસ્ટ ફોરવર્ડનો વિકલ્પ ઉપલબ્ધ છે. સિરીઝના પહેલા અને બીજા ભાગની જેમ વાર્તા વાસ્તવિક લાગતી નથી. બિનજરૂરી રીતે કેટલાક મસાલા નાખવામાં આવ્યા હોવા છતાં વારંવાર એપિસોડ કંટાળાનજનક બને છે. દરેક નવા એપિસોડ સાથે એવી આશા જાગે છે કે કંઇક નવું જોવા મળશે પણ એ એમ જ પૂરો થઇ જાય છે ત્યારે ચોથી સીઝનનું પ્રકાશ ઝાએ જ નહીં બોબીએ પણ જોખમ લીધું છે એમ કહી શકાય. આ વખતે ટ્વિસ્ટ લાવવા ઇશા ગુપ્તા (સોનિયા) નું નવું પાત્ર આવ્યું છે. એને શોપીસ બનાવવામાં આવ્યું છે. ઇશાના પાત્રની ગરિમાનું સ્તર નીચે જવા દીધું છે.

પહેલા ભાગ પછી બોબી દેઓલનું અભિનયમાં એક નવા અંદાજ સાથે પુનરાગમન થયું હતું. તેની બાબા નિરાલાની દમદાર ભૂમિકા અને વાર્તાને કારણે બે ભાગ સુધી દર્શકો ઉત્સાહથી જોડાયા હતા. ત્રીજા ભાગમાં બોબીની ભૂમિકાને ઘટાડવામાં આવી છે. તે બહુ ઓછો દેખાય છે અને પ્રભાવ પાડી શકે એવા દ્રશ્યો અપાયા નથી. છેલ્લા એપિસોડમાં તો તેને ચૂપ રહેવાની સલાહ મળે છે. વળી બોબીના પાત્રની ઇમેજ એન્ટીહીરો જેવી ઊભી કરી છે. મોટાભાગના દ્રશ્યોમાં તેને કામાતુર વધારે બતાવાયો છે. એને તક ઓછી આપી છે. સંવાદ તો તગડા બોલે છે પણ એ કંઇ કરતો નથી. તેમ છતાં એના નામ પર જ આ વેબસિરીઝનો પ્રચાર થયો છે. ત્યારે તેના સાથી 'ભોપા સિંહ'ના પાત્રમાં ચતુરાઇ બતાવીને ચંદન રૉય કમાલ કરી ગયો છે. તે ઘણા દ્રશ્યોમાં બોબી પર ભારે પડ્યો છે. ત્રીજા ભાગમાં પમ્મીને ઓછા સંવાદ મળ્યા છે પણ ચોથા ભાગમાં બોબી કરતાં વધારે છવાયેલી રહેવાની છે. 'બબીતા' ના પાત્રમાં ત્રિધા ચૌધરી દરેક ભાગમાં અભિનયની છાપ છોડી ગઇ છે.

પ્રકાશ ઝાએ પોતાના નિર્દેશનથી દર્શકોને જકડી રાખવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક આશ્રમમાં કેવું બધું ચાલતું હોય છે એને નજીકથી બતાવ્યું છે. ઘણા દ્રશ્યોમાં તેમનું પરફેક્શન જોવા મળે છે. તે કલાકારો પાસેથી સારું કામ લઇ શક્યા છે. આ સિરીઝથી બોબીની કરકિર્દીમાં એમણે પ્રાણ પૂરી દીધા હતા. બોબીના નામ પર વેબસિરીઝ જોનારા દર્શકો કાચબા ગતિએ ચાલતી વાર્તાને કારણે પહેલા બે ભાગ પછી નિરાશા અનુભવે છે. પરિવાર સાથે જોઇ શકાય એવી ન હોવાથી જેમની પાસે ફાજલ સમય છે એમને જ ગમી શકે છે. કેમકે વધારે સમય લઇને ઓછું બતાવ્યું છે. બોબી અને ચંદનના અભિનયને કારણે ચોથા ભાગમાં 'આશ્રમ' ની ચમક પાછી આવી શકે છે એ આશાએ ત્રીજો ભાગ જોઇ શકાય એમ છે!