love disease in Gujarati Film Reviews by DIPAK CHITNIS. DMC books and stories PDF | પ્રેમ રોગ

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

પ્રેમ રોગ

'પ્રેમરોગ'ના 40 વર્ષ
આજથી 40 વર્ષ પહેલાંનો તા. 31 જુલાઈ 1982નો દિવસ કે જ્યારે ભારતીય સિનેમાના મહાનતમ અભિનેતા અને ડિરેક્ટર રાજ કપૂરે ડિરેકટ કરેલી રિશી કપૂર, પદમિની કોલ્હાપુરે, શમ્મી કપૂર, નંદા, તનુજા, સુષ્મા શેઠ, કુલભૂષણ ખરબંદા, રઝા મુરાદ, ઓમપ્રકાશ, વિજયેન્દ્ર ઘાટગે અને બિંદુ અભિનિત રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'પ્રેમરોગ' રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 3 કલાક અને 03 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.2* છે.
'પ્રેમરોગ' બોક્સઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 1982ના વર્ષની 'વિધાતા' પછી બીજા નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 13 કરોડ થયું હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 534.30 કરોડ થાય.
'પ્રેમરોગ' નું પહેલાં દિવસનું બોક્સઓફિસ કલેક્શન રૂ. 9 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 25 લાખ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 40 લાખ થયું હતું.
'પ્રેમરોગ' 1980ના દાયકાની કમાણીની દ્રષ્ટિએ 12માં નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી.
કહાની
'પ્રેમરોગ'ની વાર્તાને ધ્યાનથી જોઈએ તો તે શરતચંદ્રની નવલકથા 'દેવદાસ'ની વાર્તા પર આધારિત છે. અહીં વાર્તાનો નાયક પણ દેવ છે, દેવધર તેનું પૂરું નામ છે. ઠાકુરની પુત્રી મનોરમા અને અનાથ દેવ બંને સાથે રમીને મોટા થયા હતા. તે ઠાકુરની મદદથી જ ભણવા શહેરમાં જાય છે. આઠ વર્ષ પછી જ્યારે તે પાછો આવે છે, ત્યારે રમા મોટી થઈ ગઈ છે. ઘરની ગરીબી આડે આવે છે અને દેવધર પોતાના મનની વાત રમાને કહી શકતો નથી. દરમિયાન, મનોરમાના લગ્ન થાય છે અને બીજા જ દિવસે તે વિધવા બની જાય છે. જેઠ રમા પર બળાત્કાર કરે છે. દુઃખી રમા તેના ઘરે પાછી ફરે છે. દેવધરને જ્યારે આ વાત ખબર પડે છે ત્યારે તે દુઃખી રમાના જીવનમાં ફરી ખુશી લાવવા રમા સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. પણ વિધવા વિવાહના નામથી ભડકતા ઠાકુરના ક્રોધનો તેને સામનો કરે છે. જોકે, અંતમાં ઠાકુર માની જાય છે અને ફિલ્મનો અંત આવે છે.
'પ્રેમરોગ' સાથે જોડાયેલી જાણી અજાણી વાતો
'પ્રેમરોગ' ની સાથેજ એજ દિવસે અમિતાભ બચ્ચનની 'ખુદદાર' પણ રિલીઝ થઈ હતી અને આ બંને ફિલ્મો બોક્સઓફિસ ઉપર સુપરહિટ સાબિત થઈ હતી. આજ એજ દિવસો હતાં જ્યારે કુલી ના સેટ ઉપર અમિતાભ ઘાયલ થયો હતો અને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.
'પ્રેમરોગ' અભિનયની દ્રષ્ટિએ પદમિની કોલ્હાપુરેની સર્વોત્તમ ફિલ્મ મનાય છે. આ ફિલ્મથી પદમિની બોલીવુડમાં ટોપની હિરોઈન તરીકે સ્થાપિત થઈ ગઈ હતી. 'પ્રેમરોગ' ના 4 વર્ષ પહેલાં 1978માં પદમિનીએ રાજ કપૂરની અન્ય એક ફિલ્મ 'સત્યમ, શિવમ, સુંદરમ' માં ઝીન્નત અમાનની બાળપણની ભૂમિકા કરી હતી. 'પ્રેમરોગ' માટે પદમિનીને 'બેસ્ટ એક્ટ્રેસ' તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારે તે ફક્ત 17 વર્ષની હતી. ફક્ત 17 વર્ષની ઉંમરમાં 'બેસ્ટ એક્ટ્રેસ' તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મેળવનાર પદ્મિની કોલ્હાપુરે ડિમ્પલ કાપડિયા પછી બીજી અભિનેત્રી હતી. સંજોગોવશાત ડિમ્પલને પણ 1973માં રાજ કપૂરની જ ફિલ્મ 'બોબી' માટે એવોર્ડ મળ્યો હતો. જોકે, ડિમ્પલને એ એવોર્ડ જ્યા ભાદુરી (અભિમાન) સાથે સંયુક્ત રીતે મળ્યો હતો.
કપૂર ત્રિપુટીના સૌથી નાના ભાઈ શશી કપૂરે પોતાના ભાઈ રાજ કપૂરના ડિરેક્શન હેઠળ 'સત્યમ, શિવમ, સુંદરમ' માં કામ કર્યું હતું. પણ શમ્મી કપૂરે પહેલી વાર પોતાના ભાઈ રાજ કપૂરના ડિરેક્શન હેઠળ 'પ્રેમરોગ' માં કામ કર્યું હતું.
'પ્રેમરોગ' રિશી કપૂર અને પદમિની કોલ્હાપુરેની જોડીની બીજી ફિલ્મ હતી. આ પહેલાં બંનેએ 1981માં 'ઝમાને કો દિખાના હૈ' માં કામ કર્યું હતું, જે ફ્લોપ ગઈ હતી. પદમિની કોલ્હાપુરે રિશી કપૂરને થપ્પડ મારે છે તે દ્રશ્યના 8 રિટેક થયા હતાં, કેમકે પોતાનાથી સિનિયર એવા રિશીને થપ્પડ મારવા પદમિની સહજ ન હતી.
પીઢ અભિનેત્રી નંદાએ 'પ્રેમરોગ' પહેલાં 1981ની 'આહિસ્તા આહિસ્તા' માં પદમિનીની માતાની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, 1983ની 'મજદૂર' માં તે ફરી એકવાર પદમિનીની માતા બની હતી. નંદાએ કરેલો રોલ રાજ કપૂરે પહેલાં સિમી ગરેવાલને ઓફર કર્યો હતો. પણ સિમી માતાની ભૂમિકા કરવા ન માંગતી હોવાથી તેણે ઓફરનો અસ્વીકાર કર્યો હતો. આજ ભૂમિકા આશા પારેખને પણ ઓફર થઈ હતી.
રઝા મુરાદે કરેલો રોલ સંજય ખાન કરવા ઈચ્છતો હતો, પણ રાજ કપૂરે તેની જગ્યાએ રઝા મુરાદની પસંદગી કરી હતી.
'પ્રેમરોગ' ના શૂટિંગ દરમ્યાન પદમિની કોલ્હાપુરે અને રાજ કપૂરના ત્રીજા પુત્ર રાજીવ કપૂર વચ્ચે અફેરની અફવા ઉડી હતી.
'પ્રેમરોગ' ના શૂટિંગ દરમિયાન રિશી કપૂર એટલો વ્યસ્ત હતો કે પોતાના પિતાની ફિલ્મ માટે તારીખો આપવામાં તેને ખૂબ તકલીફ પડી હતી.
પાર્શ્વ ગાયક અનવર 'પ્રેમરોગ' ના બધાં ગીતો ગાવાના હતાં, પણ અનવરે પ્રતિ ગીત રૂ. 6000ની માંગણી કરી હતી. જે વાત લક્ષ્મીકાંત પ્યારેલાલ અને રિશી કપૂરને ખૂંચી હતી. જેથી અનવર પાસે ફક્ત એકજ ગીત ગવડાવી બાકીના ગીતો સુરેશ વાડકર પાસે ગવડાવાયા હતાં.
'પ્રેમરોગ' લક્ષ્મીકાંત પ્યારેલાલની રાજ કપૂરના બેનર હેઠળની 1973ની 'બોબી' અને 1978ની 'સત્યમ, શિવમ, સુંદરમ' પછી ત્રીજી ફિલ્મ હતી. ત્યારબાદ, રાજ કપૂરે એલપીને પડતા મૂકી 'રામ તેરી ગંગા મેલી' અને 'હીના' માં રવિન્દ્ર જૈનને લીધાં હતાં. પછી 14 વર્ષ બાદ 1996માં 'પ્રેમગ્રંથ' માં ફરી એકવાર લક્ષ્મી પ્યારેને લેવામાં આવ્યા હતાં, જે લક્ષ્મીકાંત પ્યારેલાલની અંતિમ ફિલ્મ પણ હતી.
'ભંવરે ને ખિલાયા ફૂલ' ગીતનું શૂટિંગ એમસ્ટરડમમાં ટ્યુલીપના બાગમાં થયું હતું અને આ ગીત ફિલ્માવવામાં 9 દિવસ લાગ્યા હતાં. સામાન્ય રીતે ટ્યુલીપ જૂન સુધીમાં કાપી નાંખવામાં આવતા હતાં, તેથી રાજ કપૂરે ફટાફટ જૂનના અંત પહેલાં ગીતનું શૂટિંગ પૂરું કર્યું હતું. યશ ચોપરાની 'સિલસિલા' ના ગીત 'દેખા એક ખ્વાબ' નું શૂટિંગ પણ આજ ગાર્ડનમાં થયું હતું.
સુપરહિટ સંગીત
'પ્રેમરોગ' માં કુલ 6 ગીતો હતાં અને બધાંજ ગીતો ખૂબ લોકપ્રિય થયા હતાં. ફિલ્મના ગીતોમાં - Personal Favourite 'મેરી કિસ્મત મેં તું નહીં શાયદ' (લતા મંગેશકર-સુરેશ વાડકર), Personal Favourite 'ભંવરે ને ખિલાયા ફૂલ' (લતા મંગેશકર-સુરેશ વાડકર), Personal Favourite 'યે ગલીયાં, યે ચૌબારા' (લતા મંગેશકર), Personal Favourite 'યે પ્યાર થા યા કુછ ઔર થા' (સુધા મલ્હોત્રા-અનવર), 'મૈં હું પ્રેમરોગી' (સુરેશ વાડકર) અને 'મહોબ્બત હૈ ક્યા ચીઝ' (લતા મંગેશકર- સુરેશ વાડકર) - નો સમાવેશ થાય છે.
1982ના વર્ષની બિનાકા ગીતમાલાની વર્ષના સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિમાં 'મૈં હું પ્રેમરોગી' (સુરેશ વાડકર) 5 માં નંબર ઉપર, 'મહોબ્બત હૈ ક્યા ચીઝ' (લતા મંગેશકર-સુરેશ વાડકર) 10માં નંબર ઉપર અને 'મેરી કિસ્મત મેં તું નહીં શાયદ' (લતા મંગેશકર-સુરેશ વાડકર) 28માં નંબર ઉપર રહ્યા હતાં. 'મેરી કિસ્મત મેં તું નહીં શાયદ' ગીત એટલું લોકપ્રિય હતું કે તે આગલા વર્ષે 1983ના વર્ષમાં પણ બિનાકા ગીતમાલાની વાર્ષિક યાદીમાં 12માં નંબર ઉપર રહ્યું હતું.
'પ્રેમરોગ' નું મ્યુઝિક આલ્બમ 1980ના દાયકાનું 15માં નંબરનું સૌથી વધુ વેચાયેલું મ્યુઝિક આલ્બમ હતું.
ફિલ્મફેરમાં મચાવેલો ધમાકો
30માં ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'પ્રેમરોગ' ને 'બેસ્ટ ડિરેક્ટર' (રાજ કપૂર), 'બેસ્ટ એક્ટ્રેસ' (પદમિની કોલ્હાપુરે), 'બેસ્ટ લેરિકસ' (સંતોષ આનંદ-મહોબ્બત હૈ કયા ચીઝ) અને 'બેસ્ટ ડાયલોગ' (રાજ કપૂર) - એમ 4 એવોર્ડ્સ મળ્યા હતાં. જ્યારે, 'બેસ્ટ ફિલ્મ', 'બેસ્ટ એક્ટર';(રિશી કપૂર), 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ' (નંદા), 'બેસ્ટ સ્ટોરી' (કામના ચંદ્રા), 'બેસ્ટ મ્યુઝિક' (લક્ષ્મીકાંત પ્યારેલાલ), 'બેસ્ટ લેરિકસ' (આમિર કઝલબસ-મેરી કિસ્મત મેં) અને 'બેસ્ટ મેલ પ્લેબેક સિંગર' (સુરેશ વાડકર-મેં હું પ્રેમરોગી અને મેરી કિસ્મત મેં) - એમ અન્ય 7 કેટેગરીમાં 8 નોમિનેશન મળ્યા હતાં. આમ, 'પ્રેમરોગ' ને કુલ 11 કેટેગરીમાં 12 નોમિનેશન મળ્યા હતાં, જેમાંથી 4 એવોર્ડ્સ મળ્યા હતાં.