JALEBI E FAFDANI DHANIYANI NATHI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૪૪

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

હાસ્ય લહરી - ૪૪

જલેબી એ ફાફડાની ધણીયાણી નથી..!

 

                                દાંત હોય કે ના હોય, ફાફડા જલેબીનું એકવાર નામ પડવું જોઈએ, મોંઢાની રેતાળ ભૂમિ પણ ભેજવાળી થઇ જાય. ફાફડા-જલેબીનો એ જાદુ છે કે, દેહની એક્ષ્પાયરી ડેઈટ પૂરી થવા છતાં, ફાફડા-જલેબીના ઉલાળિયા કરવા દશેરા-દર્શન કરવા દેહને ખેંચી નાંખતા હોય..!  દશેરાના ફાફડા જલેબી ખાવા એટલે, કોઈપણ દેવી-દેવતાના પ્રસાદ ખાધા જેટલું એનું મહાત્મ્ય લાગે..! શું આ બંનેનું જોડું છે..? સારસ અને સારસી જેવું..! ચારેય યુગથી અખંડ દીવાની માફક બંને અખંડ..! સાલી ખૂબી એ વાતની, કે જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી. છતાં ધણી-ધણીયાણી જેમ બંનેના નામ બોલાયા કરે. એવાં અગાઢ પ્રેમના પ્રેમલા-પ્રેમલી હોય તેમ, બંને એકબીજા વગર અધૂરા..! બંને વચ્ચે એવો મસાલેદાર પ્રેમ કે, ફાફડા વગર જલેબી વિધવા લાગે, અને જલેબી વગર ફાફડો વિધુર લાગે...!  જલેબી સાચેસાચ ‘ધણીયાણી’ લાગે ને ફાફડો સાચેસાચ મોડબંધો લાગે..! આસમાની સુલતાની જે આવવાની હોય તે આવે, જલેબીએ ક્યારેય ફાફડા-ત્યાગ કર્યો નથી, ને ફાફડાએ ક્યારેય જલેબી સાથે છૂટાછેડા લીધા નથી. સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, શંકર-પાર્વતી, નળ-દમયંતી, હરિશ્ચંદ્ર-તારામતી, કે રાધે-કૃષણ ની માફક બંનેના બંનેના જોડકાં વ્યવહારમાં જ રહ્યા છે. રુકમણી-કૃષણ નહિ બોલાય એમ, ક્યારેય ફાફડા-જલેબીને બદલે, ફાફડા-ઢોકળું કે, બાસુદી- ફાફડા બોલતા મેં સાંભળ્યા નથી. જલેબી મીઠી ફોઈ જેવી છે. એ ગમે તેની સાથે સેટ થાય, તો પણ ફાફડાએ એનો વિરોધ નોંધાવ્યો નથી. જલેબી  ફાફડા સાથે પણ જાય, ઢોકળા સાથે પણ જાય, ભાખરવડી સાથે પણ જાય, ને પેલા મોટા પેટવાળા સમોસા અને ગાંઠીયા સાથે પણ પ્રેમ કરી નાંખે. એનું કામ જ સર્વધર્મ સમભાવ જેવું. પણ ફાફડા સાથે એનો સંબંધ એટલે અખંડ રહ્યો કે, ફાફડો બિચારો જેઠાલાલ જેવો સીધોસટ..! સ્વમાની અને સ્વાભિમાની..!  જલેબી એવી ગૂંચળાવાળી કે, એનો છોડવો શોધવો હોય તો, સારામાં સારો ઈજનેર લાવીએ તો પણ છેડો નહિ મળે. છતાં, ફાફડાએ ક્યારેય એની સાથે તુતુ-મેમે કરી નથી. વાઈફને કહેતા નહિ, પણ આપણા જેવો સીધોસટ ધણી મળે તો કઈ પત્નીને નહિ ગમે..? આ તો એક વાત..! એટલે તો જેઠાલાલ અને બબીતાની માફક, ફાફડા-જલેબી પણ વરસોથી ડંકો વગાડે છે..!

                                 લોકો દશેરાના મૂહર્ત ભલે શોધતા હોય, પણ ખુદ દશેરો ફાફડા-જલેબીનું મૂહર્ત જોઇને બેસતો હોય એવો ભાસ થાય. કારણ કે, ફાફડા-જલેબીની ખાધ વગર પંચાંગમાં દશેરો ક્યારેય ઉગતો જ નથી. વર-કન્યાની માફક ફાફડા-જલેબીના ચટણી-પગલાં ઘરમાં પડે પછી જ, દશેરાની જાહોજલાલી ખીલે. એ તહેવાર જ એવો મંગલકારી ને મસ્તીવાળો કે, એ દિવસે અઢળક ઉદ્ઘાટનો થાય. પણ આ દિવસે કોઈ લગ્નગ્રંથીથી જોડાયું હોય, એવું સાંભળવા મળ્યું નથી. પણ ફાફડા-જલેબીનું ચાવણ ભરપુર થાય. બાળ-બાળ જાણે છે, કે દશેરાના દિવસે રાવણ ઉપર શ્રી રામચંદ્ર ભગવાને વિજય મેળવેલો. અને અસત્ય ઉપર સત્યનો વિજય થયેલો, એનો વિજયોત્સવ એટલે દશેરો..! ભગવાને રાવણ પાસેથી એ દિવસે જ મા સીતાજીનો કબજો મેળવેલો.  આમ તો દશેરાને દિવસે સીતા-રામ જ  યાદ આવવા જોઈએ, છતાં લોકોને ફાફડા-જલેબી જ વધારે યાદ આવે, એ આપણી સંસ્કૃતિ છે..!  દશેરો આવે એટલે સત્ય અને અસત્ય ઉપર તૂટી પડવાને બદલે, ફાફડા અને જલેબી ઉપર જ લોકો વધારે તૂટી પડે. જાણે કે, ફાફડું અસત્ય હોય, ને જલેબી સત્યનું પુંછડું હોય એમ, એની ખાધ ઉપર જ મારો ચલાવે. હોતા હૈ...! નવ-નવ દિવસ સુધી ગરબા ગાવામાં ગળું બેસી ગયું હોય, અને ફાફડા-જલેબી ખાધા વગર ગળું ઉભું થતું ના હોય તો ખાવા પડે. નવરાત્રીના છેલ્લાં નોરતા સુધી છેલ્લો ગરબો ગાયા બાદ, વહેલી સવારથી ફાફડા-જલેબીની ખાવાની મહેફિલ શરુ થઇ જાય..! ફરસાણવાળાને ત્યાં, લાઈનો લાગવા માંડે. આ એક જ દિવસ એવો કે, માણસ ફાફડા જલેબી માટે વહેલો ઉઠે, ને સૂર્ય દેવતા મોડા પડે. લાંબી લચક લાગેલી લાઈન જોઇને તો એમ જ થાય કે, આ લોકો ફાફડા-જલેબી લેવા આવ્યા છે કે, રાવણને અગ્નિદાહ આપવા..?  પણ મૂળ વાત એવી છે કે, નવ-નવ દિવસ સુધી ગરબા ખેંચ્યા પછી, માતાજીના દર્શન ભલે નહિ થયા હોય, પણ ફાફડા-જલેબીના દર્શન કરીને બિચારા રાજીપો લઇ લે. જેમ સમુદ્ર મંથન વખતે અમૃત મેળવવા માટે લાંબી કતાર લાગેલી, એવી લાંબી કતાર ફરસાણવાળાને ત્યાં લાગી જાય. કતારમાં ઉભેલાને તો ત્યારે જ ખબર પડે કે, પગની વચ્ચે ઢીંચણ પણ આવેલું છે..! ઢીંચણમાં ટણક મારવા માંડે તો કોઈ બરાડવા પણ માંડે કે, “ જલ્દી કર ને ભાઈ, તું તો ફાફડા તળે છે કે. રાવણને તળે છે? કેટલીવાર યાર..?” બિચારા ફાફડા બનાવવાવાળાનો પરસેવો પાડી  દે..! એમાં કતારમાં જો કોઈએ ઘૂસ મારી તો, રાવણનો સાક્ષાત્કાર થયો હોય એમ તૂટી પડે. ફાફડા સીધાં ત્યાં સુધી જ સીધા, જો બગડ્યા તો નાગના રાફડા જેવાં..! ત્યારે જલેબીને એવું કંઈ નહિ, એ તો ચાર દિવસથી ફેસિયલ કરાવીને છાબડામાં તૈયાર જ બેઠી હોય, એ બિચારીને તો ખબર પણ નહિ હોય કે, આજે મારે કયા ફાફડા સાથે છેડા-ગાંઠી થવાની છે. અને કયા ઘરના રસોડે જઈને  મારે પગલાં પાડવાના છે? ગરબા ગાવાથી માતાજીના દર્શન થાય કે નહિ થાય એ સૌની શ્રદ્ધાનો વિષય છે, પણ ફાફડા-જલેબી વગર જો ગૃહ પ્રવેશ કરે તો રણચંડીના દર્શન જરૂર થાય એ નરી વાસ્તવિકતા ખરી. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવાનો એક મહિમા છે મામૂ..!  ચંદી પડવાની ઘારી ખાધી હોય ને ઢેકાર આવે, તેવો ઢેકાર નહિ આવે ત્યાં સુધી દશેરો ઝામે નહિ.  દશેરાના દિવસે, ફાફડા-જલેબી ખાવા પાછળ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક કારણ જે હોય તે, પણ એક માન્યતા એવી છે કે, ભગવાન શ્રી રામને જલેબી ખુબ ભાવતી, અને  જલેબી ગળી હોવાથી એકલી ખવાય નહિ, એમાં મીઠાશનું મારણ જોઈએ. એમાં ફાફડાભાઈ ઝામી ગયેલા. બાકી દશેરામાં ખાસ તો જલેબીબાઈનું જ મહત્વ છે..! એવો એકપણ ગુજરાતી ના હોય કે, જેમણે ફાફડા-જલેબી સાથે આભડછેટ રાખી હોય. ગરબો ગાયો હોય કે ના ગાયો હોય, ઓટલે બેસીને ગરબાનું રસદર્શન કર્યું હોય એ પણ ફાફડા-જલેબીનો એટલો જ અધિકારી કહેવાય. સ્વ. ખલીલ ધનતેજવીસાહેબે તો એમ કહેલું કે, “ વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય સાચો ગુજરાતી નથી..!’ એની સામે મારા શ્રીશ્રી ભગાનું કહેવું છે કે,

                           દશેરાએ જેમણે ફાફડા-જલેબી ખાધી નથી,

                           તેવાં ગુજરાતી છતાં સાચા ગુજરાતી નથી

    

                                                          લાસ્ટ ધ બોલ

      ઓ ભાઈ...! તમે આ કેવી જલેબી બનાવો છો? તમારી જલેબીમાં તો મંકોડો પણ તળાય ગયેલો છે..!

   એ મંકોડો નથી સાહેબ, અમારી દુકાનનો ‘ટ્રેડ-માર્ક’ છે..!

   તારા કપાળમાં કાંદા ફોડું..!  

----------------------------------------------------------------------------------------------------------------------------------

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    

 

Reply

Reply all
 or 
Forward
Send