Vasudha - Vasuma - 111 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-111

Featured Books
  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

  • नज़र से दिल तक - 18

    अगले कुछ दिनों में सब कुछ सामान्य दिखने लगा — पर वो सामान्य...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-111

સરલાએ કહ્યું “દિવાળી ફોઇ ગામમાંથી સમાચાર મળ્યાં છે કે વસુધા ડેરીએ આવી ગઇ છે મટીંગમાં સીધી ગઇ છે. પણ આકુને લઇને ત્યાં જવાની શું જરૂર ? આકુને ઘરે મૂકી પછી અહીં થઇને ડેરીએ જવું જોઇએ ને ? પણ.. કદાચ મોડું થયું હશે સમય નહીં રહ્યો હોય એટલે સીધી ડેરીએ ગઇ હશે”.

દિવાળીફોઇ બધું સાંભળી રહ્યાં પછી બોલ્યાં “મને તો રશ્મી અહીંથી જતાં બોલી જીપમાં એણે વસુધા દુષ્યંત બે જણને જોયાં છે અને જીપ કોઇ છોરો ચલાવતો હતો. ખબર નથી એ ડેરીની મીટીંગ પતાવીને આવે પછી ખબર પડે આતો લોકોએ કહી એ વાત મેં કીધી...”

સરલા વિચારમાં પડી ગઇ.. વસુધા આકુને નહીં લાવી હોય ? દુષ્યંતને સાથે કેમ લઇને આવી ? એ અહીં પાછી નહીં ફરવાની હોય ? ડેરીએ જવું હોય તો અહીં થઇને જઇજ શકાયને ?

એણે દિવાળી ફોઇને કહ્યું "ફોઇ હું ડેરીએ જઊં છું ખબર કાઢી લાવુ વાત શું છે ? ત્યાં ભાનુબહેન વાડામાંથી આવી બોલ્યાં તારે ક્યાંય જવાનું નથી હજી અશક્તિ ઓછી ક્યાં થઇ છે ? અહી આવી છે તો આવશેજ ને ઘરે.. આકુ કોઇની પાસે હશે એને તો અહીં કેટલી બધી બહેનપણીઓ છે. આખું ગામ એનું કહ્યું માને છે. “

ભાનુબહેને આગળ કહ્યું “તારાં બાપા ત્યાંજ છે. એજ લઇને આવશે અહીં...” ત્યાં દિવાળી ફોઇએ ભાનુબહેન રસોડામાં ગયાં એટલે સરલાને કહ્યું “ પેલી રશ્મી કહેતી હતી વસુધાએ સાડી નથી પહેરી.. પેલું આજકાલ પંજાબી કહે છે એવું કંઇક પહેર્યુ છે.. બધાની આંખો ફાટીને ફાટી રહી ગઇ છે એની પણ ચડભડ ચાલે છે પણ કહે છે સરસ લાગતી હતી.”

સરલાએ કહ્યું “હાં મેં જોયો છે એવો ડ્રેસ મેં ભાવેશને કહેલુંજ મને આવો લાવી આપજો. ત્યારે હું પેટથી હતી મને કહે હમણાં તને સારું નહીં લાગે સુવાવડ પછી લાવી આપીશ. તે હવે લાવશે. “

મીટીંગમાં ઠાકોરભાઇએ મોટી ડેરીની જે નવી નીતીઓ નક્કી થયેલી એ બધી ડેરીની મીટીંગમાં બધાને કહી એમાથી અમુક નિતીઓ સાથે વસુધા સમંત નહોતી એણે કહ્યું “ઠાકોરકાકા અમુક નિતીઓ સાથે હું સંમત નથી દૂધ ઉત્પાદકોને ફાયદો જરૂર છે પણ સાથે સાથે આપણાં ઘરાકોનું ધ્યાન રાખવું પડે ઘરાક છે તો આપણે ધંધો છે પૈસા છે વિકાસ છે એમ એમને ખર્ચનાં વધારાનાં બહાને લૂંટી ના શકીએ. છતાં અમે દૂધ મંડળીમાં ત્યાં ગામનાં માણસો સાથે ચર્ચા કરીને તમને જણાવીશું.”

ઠાકોરકાકાએ કહ્યું “મેં પહેલેથીજ સરકારી મોટી ડેરીની મીટીંગમાં કહેલું કોઇ ગામની ડેરીમાંથી કોઇ વાંધો નહીં ઉઠાવે પણ ગાડરીયાની વસુધા ચોક્કસ વાંધો ઉઠાવશે અને એવુંજ થયું.”

વસુધાએ કહ્યું “કાકા ખૂબ ખૂબ આભાર કે તમે મારાં વિચારો જાણો છે એમાં હું ખોટું શું બોલી ? દૂધ ઉત્પાદકો એમ આપણાં છે તો દૂધ ખરીદનાર ઘરાકો પણ આપણાંજ છે ને ? બધી બાજુનો વિચાર કરવો જોઇએ એનું નામ તો "નીતી" છે નહીંતર અનીતી છે. છતાં અમે આ દૂધનાં ભાવ વધારાં અંગે બીજા લોકોનો અભિપ્રાય લઇને જણાવીશું”.

ઠાકોરકાકાએ કહ્યું “બીજા વહીવટી અને દૂધ લાવવા લઇ જેવાનાં ખર્ચ વધ્યા છે એ લોકો ભાવ વધારે માંગે છે આપણે ક્યાંથી ખર્ચ કાઢવાનો ? દૂધનાં ભાવમાં લીટરે ઓછામાં ઓછો 3 રૂ. વધારો કરીએ તો ખર્ચમાં પણ પહોંચી વળાય અને નફો પણ વધારે મળે.”

વસુધાએ કહ્યું “કાકા મોટી ડેરીનાં સભ્યોમાં મને શામીલ કરી દો..” એમ કહી હસવા માંડી “હું ખર્ચ ઘટાડવાનાં સૂચનો આપીશ..”.

ઠાકોરકાકાએ કહ્યું “તેં તો હસતાં હસતાં કીધું પણ આ વખતની અમારી કારોબારીની મીટીંગમાં મેં તને અમારાં વહીવટી માળખામાં ખાસ સભ્ય તરીકે શામિલ કરવા દરખાસ્ત સાચેજ મૂકી છે કારણકે તારી વહીવટી કુશળતા મેં જોઇ છે અને તારાં સલાહ સૂચનનો લાભ લેવા માટેજ તારી દરખાસ્ત કરી છે”. મીટીંગ પતી ગયાં પછી બીજા સભ્યો અને કર્મચારીઓ વિખેરાયાં. ઠાકોરભાઇએ ગુણવંતભાઇને સાથે રાખી વસુધાને પૂછ્યું “દીકરા તારી સાથે જે થયું એ સાંભળી ખૂબ દુઃખ થયેલું પણ તું મારી બહાદુર દીકરી છે જે રીતે એને પાઠ ભણાવ્યો એ સાંભળીને વધુ આનંદ થયેલો.. તેં કર્યુ એનો ગામમાં દાખલો બેઠો છે ફરી કોઇ હિંમત નહી કરે.”

વસુધાએ કહ્યું “કાકા અમને સ્ત્રીઓને આવાં હરામી તત્વો અબળા સમજે છે અમારી ઇજ્જત આબરૂ લૂંટવાનો અબાધીત અધિકાર સમજે છે. એટલેજ એનાં આવાં હાલ કર્યા..” બોલતાં બોલતાં એ ઉત્તેજીત થઇ ગઇ.

ઠાકોરકાકાએ કહ્યું “આ બનાવ પછીજ મને થયું અમારી મોટી ડેરીની કારોબારીમાં તારાં જેવી હોંશિયાર, નીડર છોકરીની જરૂર છે જે સમાજને સમતોલ પણે જોઇ શકે છે મૂલવીશકે છે આપણાં ગુજરાતનાં ગામે ગામ તું દૂધ દ્વારા સફેદ ક્રાંતિ લાવી શકે છે આજે જે ગુજરાત રાજ્યનું દૂધ ઉત્પાદન છે એ બમણું કરી શકે એમ છે.”

“તને કારોબારીમાં લેવાનું કારણ મોટી ડેરી ગુજરાત રાજ્યનાં તાલુકો તાલુકે ગામે ગામ આવી હરિયાળી અને સફેદ ક્રાંતિની ચળવળ ઉભી કરવા માંગે છે અને એની લીડરશીપ તને સોંપવા માગે છે એનાં બધાંજ ગુણ તારામાં છે. “

ગુણવતંભાઇ ગૌરવથી બધુ સાંભળી રહેલાં એમની છાતી ગજ ગજ ફૂલી રહેલી વસુધાએ બે હાથ જોડીને આભાર માનતાં કહ્યું “કાકા તમારો ખૂબ ખૂબ આભાર, ગામ, રાજય અને દેશની પ્રગતિ અને સુખાકારી માટે હું કંઇપણ કરવા તૈયાર છું.. “

ઠાકોરકાકા એ વિદાય લીધી. રાજલ વસુધાની બાજુમાં ઉભી હતી એ બોલી “તને આ ડ્રેસ ખૂબ સુંદર લાગે છે... ક્રાંતિ તે આમાં પણ શરૂ કરી...”



વધુ આવતા અંકે - પ્રકરણ-112