માટીનો માણસ- ડૉ. નિમિત્ત ઓઝા
પુસ્તક પરિચય : રાકેશ ઠક્કર
        ડૉ. નિમિત્ત ઓઝાના સત્ય ઘટનાઓ પર આધારિત પુસ્તક 'માટીનો માણસ' માં પહેલા ભાગની વાર્તામાં તબીબી ક્ષેત્રના અનુભવો વર્ણવ્યા છે. અને બીજા ભાગમાંની વાર્તામાં એક લેખક તરીકે સંવેદના વ્યક્ત કરી છે.
        તેઓ પોતાની વાત કરતાં કહે છે કે,'શ્રદ્ધા અને સબૂરી જેવા શબ્દો, પાઠ્યપુસ્તકો ક્યારેય શીખવી શકતા નથી. આવા શબ્દોની અનુભૂતિ આપણને અનુભવો કરાવે છે. બાળકોને જેમ BCG કે પોલિયોની વેક્સિન આપવામાં આવે છે. એવી જ રીતે આપણને પણ જો શ્રદ્ધા અને સબૂરી ફક્ત આ બે જ શબ્દોની વેક્સિન આપવામાં આવે તો આપણે પણ કેટલીય ગંભીર પરિસ્થિતિઓમાંથી ઊગરી અને ઊભરી શકીએ તેમ છીએ.' પછી છેલ્લે પોતાની વાતને અંડરલાઇન કરીને કહે છે કે, 'વિનંતી એટલી જ છે કે વાંચતી વખતે આંખોમાં પાણી આવે તો એને ઊજવી લેવા. બહુ ભાગ્યે જ આંખોને આવો લ્હાવો મળતો હોય છે.'
        પહેલા ભાગમાં તબીબી અનુભવની 12 વાર્તાઓ છે. બીજી વાર્તા 'સાહેબ, મારે જીવવું છે મને જિવાડશો ને?' માં એમની લેખન શૈલી અનુભવી શકાય છે. તેઓ કલમને લાગણીમાં ઝબોળીને લખે છે કે, 'મોતનું પણ ઈશ્વર જેવું જ હોય છે. જે એને જોઈ શકે છે, ફક્ત એને જ એ સમજાય છે. બીજા દિવસે સવારે હું જ્યારે દર્દીને મળવા ગયો ત્યારે કદાચ તેને એ વાતની જાણ થઈ ગયેલી કે કૅન્સર જેવી શક્યતા ટૂંક સમયમાં તેનું ભવિષ્ય નક્કી કરવાની હતી. એ શક્યતા હકીકતમપરિણમે, ફક્ત એની રાહ જોવા માટે હૉસ્પિટલના પૅથૉલૉજી વિભાગે એને આપેલા હતા પાંચ દિવસ. ફાંસીની સજા મળવાની છે એવું નક્કી હોય, પણ જ્યાં સુધી ન્યાયાધીશનો ચુકાદો નથી આવતો ત્યાં સુધી ગુનેગારને પણ આશા હોય છે કે કદાચ માફી મળી જાય.'
        ત્રીજી વાર્તા 'સૂરજનું સપનું અને સપનાંનો સૂરજ' માં 55 વર્ષની વયના પ્રકાશભાઈની વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધતી વખતે કહે છે કે,'કેટલાંક સપનાંઓ જોતી વખતે આપણને ખ્યાલ પણ નથી હોતો કે જ્યારે એ સપનાંઓનું bill આવશે ત્યારે એ રકમ EMIથી ચૂકવવી પડશે. સપનાંઓ જોવા ઉપર પણ tax લાગતો હોય એવી તો કલ્પના પણ કોને હોય? મકાન કે દુકાન ખરીદ્યા હોય તો વખત આવે વેચી પણ શકાય. સપનાંઓ કોને વેચવા? કેટલાંક સપનાંઓ આંખોને પાયમાલ કરી નાંખે છે. સપનાંઓ દાદાગીરી કરે, ત્યારે તેમને સ્તબ્ધ બનીને જોવા સિવાય આંખો પાસે બીજું કોઈ option પણ નથી હોતું. આ એક એવા સપનાંની વાત છે જેણે આંખો પાસેથી બધું જ લૂંટી લીધું. આંખો જાય ત્યાં સુધી વાંધો નહિ, પણ દૃષ્ટિ તો રહેવી જ જોઈએ ને. આ એક એવા સપનાંની વાત છે જેણે દૃષ્ટિ લઈ લીધી અને પાછળ છોડી ગયા, લાલાશ પડતી આંખો.
        બીજા ભાગમાં 'સંવેદનાના હસ્તાક્ષર' મથાળા હેઠળ 38 વાર્તાઓ આપવામાં આવી છે. એમાં 'શ્રધ્ધાનું સરનામું' વાર્તામાં તેઓ જ્યારે પૂના શહેરમાં યુરો સર્જરીમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે હતા એની વાત કરતાં એક જગ્યાએ લખે છે કે,'કેટલાક લોકો પોતાની શ્રધ્ધાને ફેવિકોલથી ચોંટાડી રાખે છે અને કેટલાક લોકો પોતાની શ્રધ્ધાને પોતાની જાતમાં જડાવીને રાખે છે. સુબોધભાઈની શ્રધ્ધા તેમના શરીરમાં, તેમના વિચારોમાં, તેમની વર્તણૂંકમાં, તેમના લોહીમાં એવી રીતે ગૂંથાઈ ગયેલી કે તેને છૂટી પાડવી અશક્ય હતી.'
        'તમારા દાદા છે? એક વાટકી જેટલા જ જોઈએ છે' વાર્તાની શરૂઆતમાં લેખક 'દાદા' ની વ્યાખ્યા આપતા કહે છે કે,'આપણાં ઘર ઉપર ઈશ્વરના મૂંગા આશીર્વાદ એટલે આપણી સાથે વાતો કરતા દાદા.'
        ઘણી વાર્તાના શિર્ષકો પરથી ખ્યાલ આવશે કે એમાં પાત્ર પરિવારના સભ્યો છે. જેમકે, પપ્પા વહેલા આવોને!, સાસરેથી મમ્મીને લખેલો પત્ર, બા ફળિયું વાળે છે, દીકરીનું માંગુ, દાદાનો છેલ્લો દિવસ વિગેરેનું લખાણ આપણા જીવનને સ્પર્શે છે.
        માટીનો માણસ પુસ્તકને આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકને 'જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર' ગણાવ્યું છે.