Jaadu - 1 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | જાદુ - ભાગ 1

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

જાદુ - ભાગ 1

                       જાદુ

ભાગ ૧

મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસટી બસમાંથી ઉતરે છે .માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે આસપાસ ની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામા નો હાથ જોરથી પકડી રાખે છે .  મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મીન્ટુના હાથમાં છે .

 " બોલો સાહેબ ક્યાં જવું છે ? " એક રિક્ષાવાળા વિવેક ને પૂછ્યું .

" મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે "  વિવેકે જવાબ આપ્યો .

" એ તો તળેટીમાં છે ચાલો બેસી જાવ 250 રૂપિયા થશે "

" અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે એના અઢીસો રૂપિયા ના થાય વ્યાજબી બોલો નહીં તો બીજાને પૂછુ . "

વિવેકે રિક્ષાવાળા સાથે ભાવમાં રકજક કરી છેલ્લે સો રૂપિયા નક્કી કર્યા વિવેક અને મીન્ટુ રિક્ષામાં બેસી આશ્રમમાં પહોંચ્યા .

સવારનો સમય હતો . આશ્રમમાં સ્કૂલ પણ હતી . પ્રાર્થના ચાલતી હતી . પ્યુને  વિવેક અને મીન્ટુ ને ઓફિસની બહાર બેસાડ્યા અને કહ્યું " થોડા સમયમાં સાહેબ આવશે પછી મળી લેજો .

"મીન્ટુ આસપાસ નજર ફેરવી જોતો રહ્યો એ છ વર્ષનો હતો પણ સમજતો હતો કે હવે એને અહીં એકલા   રહેવાનું છે . વિવેકે એને પાણી અને બિસ્કીટ ખાવા આપ્યા પણ મીન્ટુ એ બંને માટે મો હલાવી ના પાડી. વિવેક પણ ખૂબ ચિંતામાં હતો . એ મીન્ટુ ને અનાથ આશ્રમમાં મૂકવા નહતો માંગતો પણ એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં એને પણ આ વાતનું દુઃખ થઈ રહ્યું હતું કે આટલા નાના બાળકને આશ્રમમાં મૂકવું પડશે .

પ્રાર્થના પૂરી થયા પછી બધા છોકરાઓ પોતપોતાના ક્લાસમાં ગયા . આશ્રમના માલિક અને સંચાલક વિનોદભાઈ ઓફિસમાં આવી રહ્યા હતા એમણે મિન્ટુ અને વિવેકને જોઈ અંદર બોલાવ્યા .

વિનોદભાઈએ વિવેક અને મિન્ટુ ને બેસવા કહ્યું. " મારું નામ વિનોદ છે .હું આશ્રમ નો સંચાલક છું .તમે શા કામ માટે આવ્યા છો ? "

વિવેકે ખીસ્સા માંથી એક પત્ર કાઢી વિનોદભાઈને આપ્યો વિનોદભાઈ એ પત્ર શાંતિથી વાંચ્યો ." કુંદન ભાઈ મારા સારા મિત્ર છે આમ તો અહીં જગ્યા ઓછી છે પણ એમણે કહ્યું છે તો વ્યવસ્થા થઈ જશે . મને બાળક વિશે પૂરી વાત કરો પછી નક્કી કરીએ કે શું થઈ શકે "  વિનોદભાઈએ પત્ર વાંચી પૂરી જાણકારી આપવા કહ્યું .

" સાહેબ આ મીન્ટુ છે એટલે એનું નામ મયંક છે . પણ અમે બધા એને લાડ થી મીન્ટુ કહીને જ બોલાવીએ છીએ . મારી મોટી બહેન નો દીકરો છે એની છેલ્લી નિશાની .મારું નામ વિવેક છે હું મુંબઈ રહું છું .ફિલ્મ લાઇનમાં સ્પોટ બોય તરીકે કામ કરું છું .મારું પોતાનું રહેવાનું કોઈ ઘર નથી . મારા લગ્ન પણ થયા નથી એટલે આને મારી સાથે રાખવું શક્ય નથી . આ હજી ખૂબ નાનો છે અને હું તો શૂટિંગના કામમાં મહિનાઓ સુધી બહારગામ રહું છું . " વિવેકે છોકરાને આશ્રમમાં મૂકવાનું કારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો .

વિનોદભાઈએ બેલ મારી પ્યુનને બોલાવ્યો એમણે મીન્ટુને ચીમનકાકા પાસે લઈ જવા જણાવ્યું અને નાસ્તો અને દૂધ આપવા કહ્યું . મીન્ટુ જવા નોહતો માંગતો પણ મામાએ કહ્યું એટલે એ પ્યુન સાથે બહાર ગયો .

" એ ના મા-બાપ ને  શું થયું ? પૂરી વાત જણાવો ? " મીન્ટુના બહાર જતા વિનોદભાઈએ વિવેકને પ્રશ્ન કર્યો .    

" સાહેબ મારી બહેને સાત વર્ષ પહેલા લગ્ન કર્યા હતા . અરવલ્લી જિલ્લામાં ઇસરી કરીને ગામ છે ત્યાં મારા જીજાજી નોકરી કરતા અને ત્યાં જ ભાડે રહેતા હતા . પૈસા ખૂબ નહોતા પણ બંને સુખી થી રહેતા હતા . લગ્નના બીજા જ વર્ષે મીન્ટુ નો જન્મ થયો .જીજાજીએ એમના ઘરવાળાઓની ઈચ્છા વિરુદ્ધ જઈ ને મારી બેન સાથે  લગ્ન કર્યા હતા એટલે જીજાજીના પરિવારે એમની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. અમારા મા બાપ તો અમે નાના હતા ત્યારે  જ ગુજરી ગયા હતા . અમે ભાઈ બહેન એકબીજાનો આશરો હતા . હું પૈસા કમાવા મુંબઈ જતો રહ્યો . વર્ષે એકાદ વાર બહેનને મળવા આવતો મારી બહેન  ગામમાં આંગણવાડીમાં કામ કરતી . મારા જીજાજી ખુબ સારા હતા. મારી બહેનને ખૂબ પ્રેમ કરતા ને એની કાળજી રાખતા .  ત્રણ વર્ષ પહેલાં  બાઈક અકસ્માતમાં એમનું મૃત્યુ થયું . મારી બહેનનું નસીબ જ ખરાબ હતું . જો મિન્ટુ ના હોત તો એને પણ એનું જીવન ટૂંકાવ્યું હોત . એ મિન્ટુ માટે જીવતી હતી . બે મહિના પહેલા હું એને મળવા ગામ ગયો હતો . ત્યારે ખબર પડી કે ગામ થી એક બસ ચારધામ યાત્રાએ જાય છે . 15 દિવસની વાત હતી . મારી બહેનની ઈચ્છા હતી પણ એ મીન્ટુના કારણે જવાની ના પાડતી હતી. મેં એને સમજાવી કે હું મીન્ટુ ને મુંબઈ લઈ જઈશ . અને પંદર દિવસ મારી સાથે રાખીશ . ફિલ્મી દુનિયા જોશે ,મુંબઈ ફરશે ત્યાં સુધી તું જાત્રા કરી આવ.  મારા જીજાજી અને  બહેને મીન્ટુના જન્મ પહેલા માન્તા રાખી હતી કે જો છોકરો આવશે તો એ કેદારનાથના દર્શને જશે અને છોકરી આવશે તો માં વૈષ્ણોદેવી ના દર્શને જશે . બાધા પૂરી કરવાની બાકી હતી એટલે મારી બહેન તૈયાર થઈ ગઈ . એ જાત્રાએ ગઈ અને હું અને મીન્ટુ મુંબઈ ગયા. દસ દિવસ પછી સમાચાર આવ્યા કે અમારા ગામની એ બસ પહાડોમાં પથ્થર ખસવાના કારણે ખાઈમાં પડી ગઈ અને બધા  ૪૦ જણ નદીમાં ડૂબી ગયા કોઈની લાશ શુદ્ધા મળી નહીં. આખું ગામ દુઃખી હતું . હું મીન્ટુ ને લઈને એના દાદા પાસે ગયો પણ એમણે મીન્ટુ નો સ્વીકાર કરવાની ના પાડી .સમજાતું નહોતું શું કરવું ત્યાં ગામના મુખી એ મને કુંદનભાઈ પાસે મોકલ્યો અને એમણે મને અહીં આવવા કહ્યું . સાહેબ મારી પરિસ્થિતિ સારી થશે એટલે હું એને અહીંથી લઈ જઈશ ત્યાં સુધી એને સાચવી લો . "

વિનોદભાઈ એ  વિવેક ની વાત શાંતિથી સાંભળી એમને પણ નસીબ નો આવો ખેલ જાણી દુઃખ થયું " ચાલો હું તમને આશ્રમ બતાવી દઉં "

ક્રમશ: