પુસ્તક સમીક્ષા
પુસ્તકનું નામ - યોગ - વિયોગ
લેખક / લેખિકા - કાજલ ઓઝા વૈદ્ય
પ્રકાર - નવલકથા
' યોગ - વિયોગ' એક સામાજિક પારિવારિક નવલકથા છે. સમાજમાં વિવિધ કુટુંબોમાં બનતી રોજ બરોજની ઘટનાનું આલેખન તથા ખાસ કરીને એક સ્ત્રી શું છે ? અથવા શું હોઈ શકે તેનું યથા તથ્ય વર્ણ લેખિકા દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું છે. આ રચના વાંચ્યા બાદ એટલું સ્પષ્ટ પણે સમજાય છે કે સ્ત્રી કદી સામાન્ય ન હોઈ શકે. આપણી વિચાર શક્તિ આપણી કલ્પના જ્યાં ન પહોંચે એ પાત્ર સ્ત્રી છે. ઈશ્વરે ખુબ જ નિરાંતે અને ખુબ જ રસ પૂર્વક સ્ત્રી પાત્રનું સર્જન કર્યું હશે એવુ મને લાગે છે. એક સ્ત્રીની શ્રદ્ધા શું છે ? એક સ્ત્રીનો વિશ્વાસ, તેની પ્રાર્થના, તેની ધીરજ, કોઈપણ પરિસ્થિતિ હોય પોતે સ્થિત પ્રજ્ઞ કેમ રહેવું ? પોતે પરિસ્થિતિને અનુરૂપ થવું અને પરિસ્થિતિને પોતાના અનુરૂપ કરવી આ બંને લક્ષણ સ્ત્રીઓ ધરાવે છે.
કવિ બોટાદકરે પોતાની રચનામાં એટલા માટે જ લક્ષ્મણ પાસે કહેડાવ્યું હશે
" દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વદા થઈ"!
તમે બોટાદકરની "ઉર્મિલા" જુઓ કે પછી પન્નાલાલની" કંકુ" વાંચો તમને એ ખ્યાલ આવશે કે સ્ત્રી ખરેખર છે શું ? રામાયણના તમામ પાત્રો તમે એકવાર તપાસી જુઓ વાંચો એટલે એ ખ્યાલ આવશે કે તેમાં ઉર્મિલાનો ઉલ્લેખ ખુબ જ ઓછો થયો છે. જયારે લક્ષ્મણ ઉર્મિલાને જણાવે છે કે પોતે મોટાભાઈ ભગવાન શ્રી રામચંદ્ર અને ભાભી જાનકીજી સાથે 14 વર્ષ વનવાસ કરવા અને તેમની સેવા કરવા તેમની સાથે જાય છે. ત્યારે શું ઉર્મિલાને તકલીફ નહીં થઈ હોય ? શું તેની કોઈ અપેક્ષા નહિ હોય ? ભગવાન રામ સાથે તો સીતાજી હતા પણ લક્ષ્મણ તો ઉર્મિલાને એકલા મૂકી ગયા હતા. છતાં તે સ્ત્રી કાળજુ કઠણ કરી હસતા મુખે કહે છે કે તમે તમારો અનુજ ધર્મ પૂરો કરો. આમ જોઈએ તો અમુક અંશે કહેવું યોગ્ય જ છે કે રામાયણના મહાન પાત્રોમાં ઉર્મિલા શ્રેષ્ઠ છે.
આ રચનાની શરૂઆત "શ્રીજી વીલા" થી થાય છે. શ્રીજી વીલાના મુખ્ય વ્યક્તિ શ્રીમતી વસુંધરા મહેતા છે. આ આખી ઘટના એમની ફરતી ઘડાયેલી, વીંટળાયેલી, વણાયેલી છે. અહીં લગભગ 15 જેટલાં પાત્રો આ ઘટનાના સાક્ષી છે. જેઓ નાના - નાના રોલમાં અહીં જોવા મળે છે.
" અખિલ બ્રમ્હાણ્ડમાં એક તું શ્રીહરિ " આ પ્રભાતિયાંથી શ્રીજી વિલાની સવાર પડે છે. વસુંધરા મહેતાને 4 સંતાનો છે. અભય, અજય, અલય અને અંજલિ. અભય અજય અને અંજલિના લગ્ન થઈ ચૂક્યાં છે જયારે અલયના લગ્ન બાકી છે. શરૂઆત એક અખબારી જાહેરાતથી થાય છે. વસુંધરા 25 વર્ષ પહેલા પોતાને છોડીને બીજી સ્ત્રી સાથે વિદેશ ગમન કરેલા પતિ સૂર્યકાંત મહેતાને અખબારમાં જાહેરાત આપી પોતાના ઘરે પરત આવવાનું કહે છે. વસુંધરાના સસરા દેવશંકર મહેતા બજારમાં મોટી શાખ ધરાવતા હતા. તેમના પુત્ર સૂર્યકાંત મેટ્રિકની પરીક્ષામાં 3 વખત નાપાસ થઈ યશોધરા નામની કલાકારના પ્રેમમાં હતા.
તેઓ રોજ યશોધરાનું નાટક જોવા જતા. એક દિવસ દેવશંકરને આ વાતની ભાળ મળી અને તેમણે સૂર્યકાંતને પેઢીમાં ધંધો કરવા કહ્યું. એટલું જ નહિ તેમની જાણ બહાર વસુંધરા નામની છોકરી સાથે તેની સગાઇ નક્કી કરી દીધી. વસુંધરા દેવશંકરના મિત્રની દીકરી હતી. વસુંધરા ગ્રેજ્યુએટ થયેલી હોશિયાર છોકરી હતી. સૂર્યકાંતને તે જરાય ગમતી ન હતી. છતાં પરાણે તેની સાથે સંસાર જોડ્યો હતો. જેના ફળ સ્વરૂપ તેમને 3 સંતાનો હતા.
અભય, અજય અને અંજલિ એક દિવસ સૂર્યકાંત સટ્ટામાં બાજી હારી જાય છે. અને દેવશંકર મહેતાની પેઢીનું દિવાળીયું થાય છે. શાખ જતી રહે છે. દેવશંકર સૂર્યકાંતને ઘરમાંથી કાઢી મુકે છે. તે મનોમન નિર્ણય કરે છે કે દેવશંકર મહેતા કરતા ઊંચો બંગલો ન ચણાવું તો હું સૂર્યકાંત નહિ.
અલ્ય વસુંધરાના ગર્ભમાં હોય છે ત્યાં જ સૂર્યકાંત તેને મૂકી યશોધરા સાથે ભાગી જાય છે. વસુંધરા એકલા હાથે 4 સંતાનોને ઉછેરે છે. તેમને ભણાવી ગણાવી અને લાયક બનાવે છે. પોતે શિક્ષક તરીકે શાળામાં નોકરી કરી ઘર ચલાવે છે. વસુંધરા એ જ બાળકોને મા અને પિતાનો પ્રેમ આપ્યો હતો.
અભય સરકારી કર્મચારી હતો સાથે સાથે તે પોતાનો બિઝનેસ પણ કરતો હતો. જેનો મોટાભાગનો વહીવટ તેની પત્ની વૈભવી કરતી હતી. વૈભવીનાં પિતા IAS અધિકારી હતા. એટલે તે ખુબ જ સમૃદ્ધિમાં ઉછરેલી હતી. અને સ્વતંત્ર મિજાજની પણ ખરી જ.
અજય વ્યવસાયથી એક વકીલ હતો. તેની પત્ની જાનકી કોલેજમાં જોબ કરતી હતી ખુબ ડાહી, માયાળુ અને સંસ્કારી છોકરી. તેનો ઉછેર અનાથ આશ્રમમાં થયો હતો. તે વસુમાની ખુબ જ માનીતી હતી.
અલ્ય ફિલ્મી દુનિયામાં ખોવાયેલો હતો તે પોતાની ફિલ્મ બનાવવા ઈચ્છતો હતો એ માટે તે સ્ક્રિપ્ટ્સ તૈયાર કરી ડિરેકટરો પાસે ધક્કા લેતો. તે શ્રેયા નામની છોકરીને પ્રેમ કરતો હતો.
અંજલિનો પતિ રાજેશ બિઝનેસ કરતો હતો. ખુબ જ ધનવાન હતો. તે વૈભવીનો કઝીન બ્રધર થતો હતો.વૈભવી હંમેશા પોતાના મનનું ધાર્યું કરતી અને અભય હંમેશા તેની દરેક બાબતમાં સમાધાન કરતો હતો. ત્રણેય દીકરા વસુમાનું વચન પાળતા.
સૂર્યકાંત અમેરિકામાં પોતાનું રજવાડું ખોલીને બેઠા હતા આજુબાજુના 5 દેશોમાં તેમની બ્રાન્ચ હતી. 2 હજાર કરોડનું ટર્ન ઓવર હતું. તેમને બીજી પત્નીથી 2 સંતાનો રોહિત અને લક્ષ્મી હતા. વસુમા હરિદ્વાર પોતાના 4 દીકરાઓ સાથે જઈ સૂર્યકાંતનું શ્રાદ્ધ કરે છે. સૂર્યકાંત વસુમાની જાહેરાત વાંચી ભારત પરત ફરે છે.શ્રીજી વીલામાં તેમનું વેલકમ કરવામાં આવે છે. પોતાના શ્રાદ્ધના સમાચાર સાંભળી સૂર્યકાંતને આઘાત લાગે છે. સૌએ આશા મૂકી દીધી હતી કે સૂર્યકાંત પરત આવશે. સમય ઝડપથી બદલે છે.
અનુપમા ઘોષ દેશની શ્રેષ્ઠ અભિનેત્રી અને મોડેલ અલય સાથે ફિલ્મ બનાવે છે. ફિલ્મ સુપરહિટ થાય છે. તે અલયને પ્રેમ કરવા લાગે છે. પણ અલય શ્રેયા મને પ્રેમ કરતો હોય છે. તેમના લગ્ન થવાના હોય છે. અનુપમાના કારણે અલય અને શ્રેયા વચ્ચે ઘણા પ્રશ્નો ઉદભવે છે. પણ અંતે બંનેના લગ્ન થઈ જાય છે. આ પછી અનુપમા અલયના પ્રેમમાં ઊંઘની ગોળીનો ઓવર ડોઝ લઈ આપઘાત કરે છે.
અંજલિ શફી નામના સિંગરને પ્રેમ કરતી હોય છે. વર્ષો બાદ બંને મળે છે. જાનકી તેમને જોઇ લે છે. અંજલિ ગર્ભવતી છે એવા સમાચાર તે શફીને આપે છે. અને અહીં જ તેમનું આ પ્રેમ પ્રકરણ પૂરું થાય છે.
અભય વૈભવીથી થાકી પોતાની સેક્રેટરી પ્રિયાને પ્રેમ કરતો હોય છે. જેની જાણ અંજલિ અને તેના પતિ રાજેશને થાય છે. જેના કારણે દરરોજ શ્રીજી વીલમાં મહાભારત સર્જાય છે. અંતે સૌ પ્રિયા અને અભયના સંબંધને સ્વીકારી લે છે. વૈભવી પણ. વૈભવીને પાછળથી પોતાના વર્તન પર પસ્તાવો થતો હોય છે.
સૂર્યકાંત પોતાની તમામ સંપત્તિ સંતાનોના નામે કરી દે છે. અજય અમેરિકા જઈ પિતાનો વ્યવસાય સંભાળી લે છે. વસુંધરા પોતાના ગામમાં જતા રહે છે. અંતે આ નવલકથાનો અંત સુખી તો ન કહી શકાય પણ પ્રમાણમાં ન્યાય સભર રહ્યો.
ઉપરોક્ત પાત્રો સિવાય સંજીવ, ચિન્ટુ, નીરવ, લક્ષ્મી, વિષ્ણુપ્રસાદ, ઠક્કર સાહેબ, મધુભાઈ વગેરે પાત્રો પણ અસરકારક હતા. આમ આ નવલકથા સમાજને એક સંદેશ પૂરો પાડે છે. સ્ત્રીઓના અલગ અલગ રૂપ પ્રકૃતિ બધુ જ અહીં આલેખવામાં આવ્યું છે. ટૂંકમાં એક વખત આ રચના અવશ્ય વાંચવી જોઈએ. તેમાંથી ઘણું જાણવા અને સમજવા મળી રહે તેમ છે.
સંકલન અને આલેખન - જય પંડ્યા