વિદ્યાએ જે કહ્યું એ સાંભળી મિહિરે રસ્તાની એક બાજુ ગાડી રોકી દીધી.
"વિદ્યા! આ તું શું બોલે છે? રોની...?" મિહિરે વિસ્મય થઈને અધૂરો સવાલ કર્યો.
વિદ્યાના ચિત્તમાં રોનીનો એ કાળો ચેહરો આવ્યો. એને એ રાત યાદ આવી જ્યારે એને ખતમ કરી નાખવાનાં ઈરાદા સાથે એ ત્રણેય આવ્યા, એના માથાના વાળ કાપવામાં આવ્યા અને વસ્ત્રો ફાડી રસ્તા પર ધક્કાવી દેવામાં આવી. આંખો ખોલી એક શ્વાસ લીધો અને એ બોલી, "બહુ થઈ ગયું હવે. એનો અંત કરવો જ રહ્યો."
રમણે કહ્યું, "વિદ્યા, તે શું કરવાનું ધાર્યું છે?"
"મેં બધો વિચાર કરી લીધો છે રમણભાઈ. બસ મારે તમારા બંનેની મદદ જોઈએ. એ રાક્ષેશને હવે માર્ગમાંથી હટાવ્યે જ છૂટકો છે."
મિહિર દીકમૂઢ હતો. ખચકાટ સાથે એ પૂછવા લાગ્યો, "વિદ્યા...! તે... તે શું વિચાર્યું છે? અમે તને મદદ જરૂર કરીશું પણ તું... તું અત્યારે... તને ખબર પણ છે તું શું બોલી રહી છે!"
દ્રઢ થતા એ બોલી, "હા. હવે વધારે હું એને સહન નહિ કરી શકું. મારાં જેવી કેટલી વિદ્યાનો એ દોષી હશે! અને જસવંતભાઈનો કૃણાલ! એ રોની સત્તાનો આટલો દુરુપયોગ કરે છે. એ રાક્ષસ છે રાક્ષસ. અત્યારે એના લીધે હું અને નિકુંજ બંને હેરાન થઈ રહ્યા છીએ. જો તું સમયસર ના પહોંચ્યો હોત તો શું એ બંને ગુંડાઓ મને જીવતી રાખેત? નહિ, હવે વધારે એ માણસને હું સહન નહિ કરી શકું."
રમણે પૂછ્યું, "તો શું વિચાર કર્યો છે તે? કેવું પ્લાનિંગ કર્યું છે?"
વિદ્યાએ કહ્યું, "આજે પુલીસ સ્ટેશનમાં એક ચોરને ટ્રક ચોરી કરતા પકડવામાં આવ્યો છે. ઈન્સ્પેક્ટરે એને છોડવા માટે રિશ્વત માંગી છે. રમણભાઈ, એ ચોરને છોડવા જેટલી કિંમત જોઈએ એ હું આપીશ. રોહિત એનો માણસ છેને. એના દ્વારા જ હું રોનીને એની સજા અપાવીશ."
રમણ અને મિહિર એની વાતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પરંતુ રોનીએ વિદ્યાને પાડવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. એણે એક એવું તીર ટાઈમ્સ વિરુદ્ધ છોડ્યું હતું જેમાંથી વિદ્યા કે નિકુંજ બચી શકે એમ નહોતા. રમણ રોહિતની સાથે જ હતો અને એના વતી રોનીની દરેક માહિતી વિદ્યા અને મિહિર સુધી પહોંચતી હતી. સ્ટેશનમાં રોહિત બેઠો હતો એવામાં રમણ એની પાસે આવ્યો.
"સાહેબ."
"હા બોલ."
"પેલો ચોર માની ગયો છે. એણે કહ્યું છે કે એ તમને પૈસા આપશે અને જશે ત્યારે ટ્રક સાથે લઈને જશે."
મૂછમાં હસીને તે ખુરશી અઢેલતો બોલ્યો, "હંહ... કેવી વાત કરે છે રમણ! એ સાલો છૂટવા માંગે છે અને ટ્રક પણ સાથે લઈ જવા માંગે છે. ગાંડો છે કે શું? એને ક્હે, ટ્રક સાથે જશે તો કોઈ ચેક પોસ્ટ પર પકડાય જશે. એના કરતા ટ્રક છોડીને જતો રહે. ચોર ટ્રક છોડીને ભાગી ગયો છે એવો રિપોર્ટ બનાવી કાઢીશું."
લુચ્ચાઈ પૂર્વક એણે કહ્યું, "પણ સાહેબ, જો એ ટ્ર્કના પણ પૈસા આપે તો?"
"શું?" તે વિચારમાં પડ્યો.
"એણે કહ્યું છે કે એ ટ્રકની કિંમત આપવા તૈય્યાર છે. તો પછી આપણને શી હરકત? ભલે ને આગળ કોઈ પકડી પાડે. એમાં આપડું નામ તો નથી જ આવવાનું!"
"હમ... વાત વિચારવા જેવી છે."
"તો શું કહો છો સાહેબ?"
"જમાલ, જા. એની પાસેથી કિંમત વસૂલી એને છોડી દે. ચેક પોસ્ટ ક્રોસ કરાવવાની વ્યવસ્થા હું કરી લઈશ. ટ્રકના માલિકને સમજાવી દઈશુ કે એ રાજસ્થાન ભણી ભાગી ગયો છે. તપાસ ચાલુ છે."
હવાલદાર જમાલે રમણ સામે જોયું. નીચું માથું કરીને વિચારમગ્ન બેઠેલા રોહિતની જાણ બહાર રમણે યોજના આદરી. એણે આંખો નમાવી ઈશારો કર્યો અને જમાલ લોકઅપ તરફ ચાલતો થયો. રોનીની દરેક હિલચાલ પર તેઓની નજર હતી. ફાર્મના બેઠક ખંડમાં બેસીની વિદ્યા અને મિહિર યોજનાની તમામ જાણકારી મેળવી રહ્યા હતા.
બીજી બાજુ નિકુંજ મિહિરના ઘર પર ચાલ્યો ગયો હતો. તેણે પોતાના ફોનમાંથી વિદ્યાને મેસેજ કર્યો કે હું તારા ઘેર આવવા માટે નીકળું છું. આપણે તારા ઘર પર મળીયે. વિદ્યાએ હા કહી રીપ્લાય આપ્યો. તેણે પોતાના ઘરની લાઈટો બંધ કરી કે રોનીના માણસોએ એને સમાચાર આપી દીધા, "બોસ, એવું લાગે છે કે ક્યાંક બહાર જવાની તૈય્યારી કરે છે."
તેનો મોબાઈલ રોહિતે ટ્રેક કરાવ્યો હતો. એના પર એ નજર રાખીને જ બેઠેલો. મેસેજ પડતાની સાથે જ એણે રોનીને જાણ કરી. "રોની, આ બંને એક કલાક પછી વિદ્યાના ઘર પર મળવાના છે."
"ઠીક છે. આપણું કામ એની જાતે જ સરળ થઈ ગયું. આપણે પણ હવે એને ત્યાં જ મળીશું."
"મારે એક નાનકડું કામ છે. હું નહિ આવી શકું. કામ થઈ જાય એટલે મને જણાવી દેજો." રોહિતે કહ્યું.
રોની બોલ્યો, "ઠીક છે. પણ હું જાણ કરું એટલે સમયસર હાજર થઈ જજે."
"જી." કહેતા રોહિતે ફોન મૂક્યો. એની નજર રોની તરફથી મળનાર ઈનામ પર તો હતી જ, સાથોસાથ એને એ ચોરને ભગાડી મળનારા દસ લાખ પર પણ નજર હતી. એ બહાર ચાલ્યો ગયો અને થોડીવાર પછી અંદર આવ્યો. રમણે હસીને કહ્યું, "શું થયું સાહેબ?"
"વ્યવસ્થા થઈ ગઈ છે. તું એક કામ કર. પેલા ચોર સાથે જા. ચોકી પર ઉતરી જજે."
"જેવો તમારો હુકમ." કહેતા રમણ ચાલ્યો ગયો. રમણે પોલીસ સ્ટેશનના અનેક માણસોને પોતાની તરફ કરી લીધાં હતા. રોહિતને મન બધા રોનીના માણસો હતા પરંતુ વિદ્યાએ તેઓને રોની કરતા વધારે કિંમત તોળી, તો જે ન માન્યા. એને રોનીની હારની ધમકી બતાવી અને એના પછી થનાર એના અંજામ વિશે તૈય્યાર રહેવા કહી દીધું.
રોહિત સિવાય સ્ટેશનમાં કોઈ વ્યક્તિ એનું રહ્યું નહોતું. તો બંનેમાંથી બચવા ઘણા લોકો તટસ્થ થઈ ગયા અને કોઈ એકનો સાથ આપવા કરતા બંનેમાંથી કોઈને સાથ ન આપવાનું નક્કી કરી માત્ર નાટક કરતા રહ્યા. રમણે આવી જે ટ્રકને બહાર રખાયો હતો એમાં એ ચોરને બેસાડી કસ્ટડીની જગ્યામાં ચક્કર લગાવવા કહ્યું.
જે પ્રમાણે કહેવામાં આવ્યું એ પ્રમાણે એ ચોર પોતાના બચવા માટે કરતો રહ્યો. ટ્રક બહાર આવી અને રમણ એની સાથે બેસી ગયો. બંને શહેરની બહાર જવા નીકળી ગયા.
નિકુંજે કલાક પછીનો સમય માંગ્યો હતો. રોહિતને ચોર તરફથી મળનાર દસ લાખની રાહ હતી. જો ચેક પોસ્ટ ક્રોસ કર્યા પહેલા ન મળે તો એને પકડાવી દેવાનો એનો મનસૂબો હતો. આ બાજુ વિદ્યા એના ઘર સુધી પહોંચે એની રાહે રોની બેઠો હતો. વિદ્યા અને મિહિર એના ફાર્મ પર યોગ્ય સમયની રાહે હતા. એટલામાં વિદ્યા પર શાહનો કોલ આવ્યો.
"હા શાહ. બોલો." ગભરાયેલા સ્વરે શાહ ડરતા ડરતા બોલ્યા, "મેડમ! મેડમ, જે ડર હતો એ જ થયું. તમે ન્યુઝ જૂઓ."
"પણ થયું શું?"
"જે.સી. કંપની માટે નિકુંજ સરનો જે અંદાજો હતો એ સાચો ઠર્યો છે. તમે ન્યુઝ જૂઓ."
ફોન કાન પર જ હતો અને વિદ્યાએ સામે રહેલ ટીવી શરૂ કર્યું. ન્યુઝ ચેનલમાં ટાઈમ્સ સાથે થયેલા જે.સી.ના કરાર અંગે ન્યુઝ બતાવાય રહ્યા હતા. વિદ્યા પર થયેલા કેસથી ટાઈમ્સ પર અવિશ્વાસ બતાવી હુડસને કરાર તોડવાની વાત કરી અને કરેલા પેમેન્ટને નુકસાની સાથે રિટર્ન લેવાની વાત થઈ રહી હતી. રોનીના દરેક પ્લાનને માત આપવા વિદ્યા તૈય્યાર હતી પરંતુ આ અજાણ્યું તીર હતું. જેનો જવાબ વિદ્યા પાસે નહોતો. રદબાતલ કરાયેલા કોન્ટ્રક્ટ કરતા વધારે નુકસાન ભવિષ્યમાં નવા પોજેક્ટ પર પડનારી અસર હતી.
"તેણે ટાઈમ્સને ડુબાડવાનો કોઈ પ્રયાસ બાકી નથી રાખ્યો." મિહિર બોલ્યો.
વિદ્યાએ શાહને કહ્યું, "શાહ. તમે એ કોન્ટ્રાસ્ટ તોડો અને થતી ભરપાઈ કરી જે.સી.માંથી છૂટકારો મેળવો. પછી જે થશે એ જોયું જશે. હાલ હું કોઈ બીજા કામ માટે જઉં છું." શાહને ઓફિસ સંભાળવાનું કહી વિદ્યાએ ફોન રાખી દીધો.
"વિદ્યા..." મિહિરે એના તરફ બે ડગ ભરતા કહ્યું.
"એ હવે કંઈ પણ કરે મને નહિ રોકી શકે."
"હમ. રોનીને એના દરેક કર્મનો જવાબ આપીએ. ચાલ." કહીને મિહિરે એનામાં હિમ્મત ભરી અને બંને પોતાની યોજના પ્રમાણે નીકળી ગયા.
રોની શહેરથી દૂર રહી આ તમામ ઘટના પર નજર રાખી રહ્યો હતો. એના માટે એણે સુરક્ષિત જગ્યા પોતાના ફાર્મ હાઉસને માની. વિદ્યાને મળવા એ પોતાના ફાર્મેથી નીકળી ગયો. વિદ્યા અને નિકુંજ બંને મળે ત્યારે આવેશમાં આવી નિકુંજે વિદ્યાનું ખૂન કર્યું એવી ઘટના બતાવી વિદ્યા અને નિકુંજ બંનેને હટાવવા માંગતો હતો અને જે.સી. ના કેસ દ્વારા એ ટાઈમ્સને સંપૂર્ણપણે ખતમ કરી નાખવા માંગતો હતો.
પોતાની સફળતા ઝન્ખતો એ નિખીલ સાથે પોતાના ફાર્મ પરથી નીકળ્યો. બંને ગાડીમાં બેઠા અને સાંકડા રસ્તા પર ચાલવા લાગ્યા. થોડે દૂર પહોંચ્યા તો એને રસ્તામાં કોઈ ઉભેલું જણાયું. એણે ગાડી રોકી અને હોર્ન વગાડ્યો. કોઈ સ્ત્રી અવળું ફરીને ઉભેલી છે એ તેને સ્પષ્ટ દેખાતું હતું. એણે બીજીવાર હોર્ન વગાડ્યો. પણ તે ત્યાં જ ખોડાઈ રહી. નારાજ થઈ નિખીલે હોર્ન દબાવી રાખ્યો અને સામે ઉભેલી ગાડીમાંથી લાઈટો શરુ થઈ. એટલામાં એણે રોનીની ગાડી તરફ ફરીને સ્મિત વેર્યું. બંને સામે ઉભેલી સ્ત્રીને જોઈ દંગ રહી ગયા. "આ તો વિદ્યા છે." નિખીલ બરાડ્યો."અરે જુએ છે શું? ગાડી ચલાવ. ચગદી નાખ એને." રોનીએ ગુસ્સો કરતા કહ્યું.
"પણ રોની આપણે પ્લાન કર્યો છે કે એનું ખૂન કરી નિકુંજને ફસાવીશું."
"પ્લાનને સાઈડમાં રાખ. જોતો નથી એની સાથે પાછળ ઉભેલી ગાડીમાં કોઈ બીજું પણ છે. ચાલ જલ્દી કર."
"હા..." નિખીલે ગાડીને ગેયરમાં લગાવી. આગળ ચાલે એ પહેલા ફરી બોલ્યો, "રોની તને કંઈ સંભળાય છે?"
"ના. મને કંઈ નથી સમ્ભળાતુ તું ગાડી ચલાવ."
"સામે એની ગાડી છે એમાં પણ કોઈ છે અને કોઈ મોટા વાહનનો અવાજ આવે છે." નિખીલ ગભરાયને બોલ્યો.
રોનીએ કહ્યું, "મને કંઈ નથી સમ્ભળાતુ."
નિખીલે ફરી ધ્યાનથી સાંભળ્યુ અને બોલ્યો, "જો... મને સંભળાય છે. નક્કી કંઈક ગડબડ છે."
"કોઈ ગડબડ નથી તું..." એ બોલી રહ્યો હતો એવામાં અચાનક એકબાજુથી તેઓના ચેહરા પર પ્રકાશ આવ્યો. તેમણે એ બાજુ જોયું તો એક ટ્રક પૂરપાટ ઝડપે એની નજીક પહોંચી ગયેલ. એ કંઈ સમજે એ પહેલા જ તેની ગાડી સાથે ટ્રક ધડાકાભેર અથડાય અને રોનીની ગાડીના ચીંથરેહાલ કરી નાખ્યા.
"તો શું રોની મરી ગયો?" નિતુએ પૂછ્યું.
"હા. પણ એ ઍક્સિડન્ટના કારણે નહિ." નિકુંજે જવાબ આપ્યો.
"તો એ કઈ રીતે માર્યો?"
"વિદ્યાએ એનું એક્સીડેન્ટ કરી મારવાનો પ્રયત્ન કર્યો પણ એની ગાડી લકઝરી ફેસિલિટી અને ફૂલ સેફટી વાળી હતી એટલે એ એક્સીડેન્ટમાં એ બચી ગયો."