સંસારમાં માનવી સુખ અને આનંદ પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે પણ એની અનુભૂતિ મુત્યુ પર્યંત સુધી નથી થતી. સુખ શબ્દની પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્ન થતાં હોય છે. કોઈકને પૈસા, ભૌતિક સુવિધાઓ કે બંગલા, ગાડી કે અન્ય સામગ્રીમાં સુખ દેખાતું હોય છે. એને પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત પણ કરે છે, શું ખરેખર એ પ્રાપ્ત થયા પછી સુખ પ્રાપ્ત થાય છે, ખરું? ના, કેમ કે તે ઈચ્છાઓની પૂરતી છે. ઈચ્છાઓ ક્યારેય નાશ નથી પામતી. એક પૂર્ણ થાય એટલે બીજી ઈચ્છાનો જન્મ થઈ જ જાય છે અને પછી એ ઈચ્છા પ્રાપ્ત કરવા માટે એની પાછળ પડ્યા રહે છે. તો ક્યાંથી સુખ પ્રાપ્ત કે માણી શકાય.
એક તો સુખ અને આનંદની વ્યાખ્યા જ અધૂરી સમજીએ છીએ. સુખ એ ક્ષણ માટે હોય છે. તેમાં પરિવર્તન આવી જ જાય છે. સુખ એક ધાર્યું લાંબા સમય સુધી ટકી રહેતું નથી. જ્યારે આનંદ એ ચિરસ્થાયી છે. ઘણા ઋષિમુનિઓ તપાસ્યાં કરીને આત્મા, દિલ કે મનનો આનંદ પ્રાપ્ત કરતા હોય છે. જ્યારે આનંદ એ પણ ખરા અર્થ આનંદ પ્રાપ્ત થાય એટલે સુખ કે દુઃખનું બંધન તૂટી જાય. જેના માટે સુખ કે દુઃખ એક સમાન થઈ પડે કે પછી એની અનુભૂતિ શરીર, આત્મા કે મન પર મહદ્ અંશે પણ ન થઈ શકે.
માનવી જ્યારે સુખને ભોગવતો હોય છે ત્યારે પોતાની જાતને ભૂલી જાય છે. ક્યારેક સુખી થયા પછી માનવી દુઃખને ભૂલી જઈને કોઈ પ્રાણીમાત્રની પીડા, યાતના કે દુઃખને સમજી શકતો નથી. બસ, એ પોતાની ભૌતિક સુવિધાઓમાં ફસાયેલો રહી જાય છે અને ક્યારેક એવું પણ બને કે સુખી વ્યક્તિ જ પાપના માર્ગ પર ચાલી જતી હોય છે. કોઈને અપમાનિત કરવો કે ઉતાડી પાડવો કે પછી એવી પરિસ્થિતિ ઉભી કરે કે જેના કારણે બીજાને તકલીફ, પીડા કે દુઃખ સહન કરવું પડતું હોય છે.
સુખનો જો સાચો વિરોધી હોય તો એ આનંદ છે. આનંદ એ દૈવ્ય સ્વરૂપ છે. જેને પ્રાપ્ત કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જે વૈરાગી જીવનને ધારણ કરે છે. વૈરાગી જીવન એ પરમાત્માનો સ્વામાં હોવાનો દાવો રજૂ કરે છે. મીરાંબાઈ કે નરસિંહ મહેતા પણ વૈરાગી જીવન કે આનંદમય જીવન જીવતા હતા. વૈરાગી એટલે મારા મતાનુસાર જે સંસારના સર્વ રાગથી મુક્ત બની જાય અને એક જ રાગ એ પણ આત્માની ખોજનો રાગ, ઈશ્વરની અનુભૂતિનો રાગ જ વ્યાપી જાય એ વૈરાગી.
પરમાનંદ કે વૈરાગી જીવનનો જન્મ યાતના, દુઃખ, દર્દ, પીડા કે સંઘર્ષમાંથી થાય છે. પ્રાણી પર યાતના આવી પડે એટલે આધ્યાત્મિક રસ્તો લઈ લે છે અને એ પથ આનંદ કે પરમાનંદ સુધી લઈ જાય છે. દરેક પ્રાણી આ માર્ગ અપનાવે એવું જરૂરી નથી પણ દર્દ કે પીડાથી મન દુઃખી અને તન યાતના અનુભવે ત્યારે થોડી આધ્યાત્મિકતા ઉદભવે જ છે. પ્રાણી જીવન, સંસાર, ઈશ્વર, આનંદ અને સ્વને ઓળખી શકે છે. જ્યાં સુધી યાતનાનો અનુભવ નથી થતો ત્યાં સુધી જીંદગીનો પણ અનુભવ નથી થતો. પ્રાણી યાતના અનુભવે છે ત્યારે સત્યની અને શાંતિની સમજણ થાય છે. તેથી જ વૈરાગી કે આનંદ કે સુખની સાચી પ્રાપ્તિ માર્ગ યાતના, પીડા અને તપ છે. જેમ ભઠ્ઠામાં સોનું તપીને નિખરે છે, હીરા ઘસાયને ઉજળા બને છે અને જમીન તપીને જ ખાદ્ય પેદા કરે છે તેમ જ પ્રાણીમાત્ર દરેક જીવને તપ અને યાતના વડે જ ઉજ્જવળ બને છે, તેજસ્વીતા ધારણ કરે છે અને આનંદને પ્રાપ્ત કરે છે.
આમ, જીવનમાં આવતા દુઃખ, યાતના કે તપ એ સત્ય પ્રાપ્તિનો માર્ગ છે જે પરમાનંદ સુધી લઈ જાય છે....