Talash 3 - 39 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 39

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 39

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

વિક્રમ તારે જીતુભાથી વાત થઇ કે નહિ. મને જીવનમાં પહેલીવાર ટેન્શન થાય છે." નિનાદે કહ્યું.

"હા, અર્ધી વાત થઇ છે. મેં એને કહ્યું કે તું નિનાદ સાથે વાત કર."

"અરે પણ તું મને આમ ફસાવી દઈશ, મારે હજી પપ્પાને જણાવવાનું બાકી છે."

"તો અત્યારે ફોન કરી દે. હું અત્યારે ખુબ ટેન્શનમાં છું જ અને તે મને મદદ કરવાનું વચન આપ્યું હતું. મોમનો કોલ હતો. એમને દુબઈમાં ગમતું નથી જલ્દીથી ભારત પાછા જવું છે. ઓલી પૂજા માનતી નથી એને ચાકલીયા જવું છે. જીતુભા ચાકલીયા જતો હતો. હવે એ બધાને કેમ સમજવું કે, દુશમન અત્યારે ઉદયપુરમાં છે. હવે જેમ તેમ 2-4 દિવસ નીકળી જાય એટલે પાર પડે."

"કામ કેટલું બાકી છે?"

"લગભગ પૂરું થવા આવ્યું છે. બનશે તો કાલ રાત્રે કે પરમ દિવસે બપોર સુધી"

"તો એક કામ કર અત્યારે જ મારા પપ્પાનો કોન્ટેક કર, અને એમને બધું સાચેસાચું કહી દે."

"પણ મેં કદી એમની સાથે ડાયરેક્ટ વાત નથી કરી." વિક્રમ અનોપચંદ સાથે વાત કરવામાં અકળામણ અનુભવતો હતો.

"જો મેં તારા પપ્પાને મદદ કરી, અને તને પણ મારી ઓફિસ પર હુમલો કરવા દેવા સુધી સાથ આપ્યો. હવે તારો વારો છે. ભગવાનનું નામ લઈને ફોન કરી દે, કહેજે ભગવાનનું કામ છે. " કહીને નિનાદે ફોન કટ કર્યો.  
xxx

"મોહનલાલ જી,"

"હા જીતુભા, તારું કામ ચાલુ જ છે. એકાદ કલાક પહેલા તો તે મને કહ્યું."

"એટલે જ ફોન કર્યો કેમ કે હવે એની જરૂર નથી. શેરા ખુદ મને કાલે બપોરે મળવાનો છે. અને એની શંકર રાવ સાથે શું દુશ્મની છે એ કહેવાનો છે. ઉપરાંત,"

"ઉપરાંત શું?"

"આમ તો મારે શેઠજીને જ કહેવાનું છે. પણ તમને કહેવામાં વાંધો નથી. આપણી એન્ટવર્પની ઓફિસમાં પૃથ્વી પર હુમલો થયો..."

"ખબર છે એ વિક્રમના કહેવાથી થયો હતો."

"પણ તમને પૂરી ખબર નથી. આ વિક્રમ પણ મને કાલે શેરા સાથે મળવાનો છે. એ ખુબ જ રહસ્યમય છે. "

"કેમ એવું કહે છે. નક્કી તને કંઈક વધારે જાણવા મળ્યું લાગે છે."

"હા એક નવી જ વાત. જાણવા મળી અને એ વાત ચોંકાવનારી છે."

"એવી તો શું વાત છે?"

"એન્ટવર્પની ઓફિસ પર હુમલો થવાનો છે. એ નિનાદને પહેલેથી ખબર હતી."

xxx 

"હા નિના ભાભી, અમારે કઈ કામ નથી, મોહિની એક કામ કર તું અને નીના ભાભી વરંડામાં પહોંચો હું મારા થોડા ડૂચા સરખા કરીને આવું છું. પછી તું રાડો નાખીશ." કહેતા સોનલે મોહિનીના હાથમાં રહેલું રંગબેરંગી કવર છીનવી લીધું. મોહિની છોડવા માંગતી ન હતી. પણ એક અજાણી યુવતી સામે એને દલીલ કરવી ઉચિત ન લાગી એટલે એને કહ્યું. "જલ્દી આવજે" અને પછી નીનાને કહ્યું "ચાલો આપણે જઈએ. એ રૂમમાં ફેલાવેલી વસ્તુઓ સમેટીને આવે જ છે. 

xxx 
મોહન લાલ, મનમાં ખૂબ જ વિચલિત હતો. નિનાદ છેક એટલે સુધી જશે એ એને ગળે ઉતરતું ન હતું. એણે તરતજ અનોપચંદ ને ફોન લગાવ્યો. પણ ફોન એન્ગેજ્ડ આવતો હતો. બે એક મિનિટ બાદ મોહનલાલે ફરીથી ટ્રાય કરી. પણ અનોપચંદનો ફોન સતત બીઝી આવતો હતો. અનોપચંદે એ વખતે વિક્રમ સાથે ટૂંકાણમાં વાત કરીને પરિસ્થિતિ સમજી પછી તરત જ નિનાદને ફોન લગાવ્યો હતો.

"નિનાદ, આ નવું શું પરાક્રમ છે તારું?' સહેજ ગુસ્સા ભર્યા અવાજે અનોપચંદે પૂછ્યું.

"પપ્પા, હું તમને લગભગ છ મહિનાથી કહેવાનો પ્રયાસ કરું છું. પણ દર વખતે કૈક સિચ્યુએશન આવી જાય અને વાત રહી જાય છે. સૌથી પહેલા સાડા છ મહિના પહેલા આપણે ફેમિલી મિટિંગમાં મેં તમને કહ્યું કે મારે કંઈક વાત કરવાની છે. અને એ જ વખતે બેંગકોકમાં આપણી કોઈ લેડી સ્ટાફ કઇક મુસીબતમાં પડી હતી અને આપણે બધા એ સોલ્વ કરવામાં પડ્યા. પછી તમે યુરોપ અને અમેરિકામાં લગભગ દોઢ મહિનો હતા. તમે પાછા આવ્યા એ જ દિવસે જીતુભાને એપોઇન્ટ કર્યો અને પછી જેસલમેર અને અઠવાડિયું એમાં ગયું. પછી હું જર્મનીમાં 2 મહિના હતો. પછી મોહન અંકલ વાળો ઈસ્યુ અને વડાપ્રધાનનું રાજીનામુ એમાં આપણા કેટલાક માણસોને સાચવવાની મથામણ ટાઈમ જ ક્યાં મળ્યો હતો."

"પણ તું મને ફોનથી બધું કહી શક્યો હોત, અને આ વિક્રમ અને ઓલો શું નામ શેરા આટલા જરૂરી છે?" અનોપચંદની અકળામણ હજી દૂર નહોતી થતી.

"પપ્પા ફોન ટેપ પણ થતા હોય છે. હું તમારા આદર્શો પર જ ચાલ્યો છું. ખાલી એટલું કહું છું કે ભારતની મહત્વની બસો વર્ષ જૂની ધરોહર ઉપરાંત કેટલીક ધાર્મિક રીતે મહત્વની એવી વસ્તુઓની વાત છે. એ શેરને અને એ જેનો રખેવાળ છે એ બ્ન્નેને બચાવવા જરૂરી હતા."

"તને શું પનિશમેન્ટ કરવું એ હવે ક્રિસ્ટોફર નક્કી કરશે હું એને સંપૂર્ણ આઝાદી આપવાનો છું. તું એને સમજાવજે અત્યારે મને લાગે છે કે જો એ મુદ્દો ખરેખર તને અગત્યનો લાગતો હોય તો તારે અને નીતાએ પણ અત્યારે ફિલ્ડમાં હોવું જોઈતું હતું આમેય જમાઈ સાસરે 4-5 દિવસ જ સારો લાગે."

"પપ્પા હું અને નીતા 10 કલાક પછીની ફ્લાઇટ પકડવાના છીએ. એક્ચ્યુલીમાં મારે અહીં કેટલાક કામ પતાવવાના હતા. એટલે, નહીતો ગઈકાલે જ ફ્લાઇટ પકડી લીધી હોત. એ પણ જરૂરી હતા."

"શું ઓલા રોબિનસન.."

"હા પપ્પા, હું દુનિયાના ગમે તે ખૂણે હોવ, દેશ અને કંપનીના હિતનું જ વિચારતો હોવ છું. હવે એ ક્યાં છે અને શું કરે છે એ આપણને ખબર છે. એ આપણા મોટા ભાગના બધા માણસોને ઓળખે છે."

"કઈ વાંધો નહીં હવે એ છટકવો ન જોઈએ. જીતુભાનો એને પરિચય નથી. લાગે છે કે જીતુભાને હનીમૂનમાં અમેરિકાની ટ્રીપ કંપનીએ આપવી પડશે." સહેજ હસતા અનોપચંદે કહ્યું અને પછી ઉમેર્યું. "જલ્દી આવજે અને આ શેરા વાળો મામલો ફતેહ કરીને પછી જ મને મળજે." 

xxx 

સોનલ સ્તબ્ધ થઈને પલંગ પર બેસી ગઈ. એના હાથમાં એ જ રંગબેરંગી કવરમાંથી નીકળેલા કાગળ હતો. એ વિક્રમે લખ્યો હતો એમાં લખ્યું હતું. "સોનલ દોસ્ત, જે કઈ મેં કર્યું છે અને તારી જિંદગીમાં જે ઉથલ પાથલ મારા કારણે થઇ રહી છે એ બદલ સોરી, જીતુભાને કહે મારો અરજન્ટ કોન્ટેક્ટ કરે. પ્લીઝ, મારા જીવન-મરણનો સવાલ છે. જો દોસ્ત માનતી હો તો મારું આટલું કામ કરજે, જેવો આ કાગળ તારા હાથમાં આવે કે તરત જ જીતુભાને મારો કોન્ટેક્ટ કરવા કહેજે." સોનલ વિચારતી રહી કે આ કાગળ ક્યારે મારા પર્સમાં આવ્યો. પછી એને યાદ આવ્યું કે બે દિવસ પહેલા જયારે એ વિક્રમને મળવા રેસ્ટોરાંમાં ગઈ હતી અને વિક્રમને "વિનાશકાળે વિપરીત બુદ્ધિ" વાળી વાત કહી રહી હતી ત્યારે, વિક્રમે એનું પર્સ પોતાના હાથમાં લીધું હતું. "ઓહ ગોડ, મતલબ કે વિક્રમ આ જે કઈ કરી રહ્યો છે એ એની મજબૂરી છે. ના, એ તો .. એતો.. જો ને બારમા ધોરણના છેલ્લે દિવસે.. ના કદાચ સુધર્યો પણ હોય, કે પછી આ એની કોઈ નવી ચાલ છે." એને કઈ સમજાતું ન હતું. છેવટે એણે જીતુભાને ફોન લગાવ્યો. 

xxx 

"આ તમારી નણંદને તો બહુ વાર લાગી નહિ. એટલા બધા શું ડુચ્ચા પડ્યા તા રૂમમાં?" નીનાએ મોહિની ને પૂછ્યું. 

"જુવો પહેલી વાત કે હું તમારાથી નાની છું. એટલે મને તમે ન કહો. અને એ કદાચ મારા સાસુની દવા અને સુરેન્દ્ર અંકલને નાઈટસુટ આપવામાં અટવાઈ લાગે છે." 

"હા એ ખરું. આમેય એના પણ લગ્ન થોડા દિવસમાં થવાના છે એવું અંકલ કહેતા હતા. એટલે એણે આવી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ જોને મારા સાસરામાં આમ તો અમે બે અને મારો દિયર એટલા જ છીએ, અમે તો બિકાનેર રહીએ છીએ પણ સાસરે એટલે કે અમારે ગામ જઈએ તો સાસુ-સસરા, વડ સાસુ, મોટા સસરા બધાનું મારે ધ્યાન રાખવાનું હોય. અચ્છા આ જો ઓલો ધર્મશાળાના દરવાજે ઉભો છે એ જરા ચાંપલો લાગે છે. હમણાં થોડી વાર પહેલા મેં બારણું ખોલ્યું તો તરત જ એણે પણ પોતાની રૂમનું બારણું ખોલ્યું અને મને ઘુરી ઘુરીને તાકતો હતો." આઈએસઆઈની ખતરનાક જાસૂસ નાઝનીન એક સામાન્ય ઘરેલુ સ્ત્રી એની બહેનપણી સાથે કરતી હોય એવી વાતો કરતી હતી. ધર્મશાળાના બારણાં પાસે ઉભેલા ગિરધરનું ધ્યાન ખેંચાયું એણે સિગારેટ બુઝાવી દીધી. અને મોહિની કે નાઝની સામે જોયા વગર પોતાની રૂમ તરફ ઉપડ્યો. મોહિની અને નાઝ વરંડામાં ગોઠવેલી ખુરશી પર બેઠા. ગિરધારી જયારે રિસેપશન પાસેથી પોતાની રૂમ પર પહોંચ્યો ત્યારે સોનલે બારણું ઉઘાડ્યું અને મોહિની અને નાઝ જ્યાં બેઠા હતા એ બાજુ ચાલી, ગિરધારી એને તાકી રહ્યો છે એ એને ખબર ન હતી પણ વરંડામાં બેઠેલી મોહિની અને નાઝ બંનેનું ધ્યાન ગિરધારી તરફ જ હતું."કેવો છે આ સાવ મેનર્સલેશ કોઈ છોકરીની સામે આવી રીતે જોવાતું હશે?" મોહિનીએ કહ્યું.

xxx 

પીએમઓના ચીફ સેક્રેટરી શ્રીવાસ્તવે એ બગાસું ખાતા ખાતા ફોન ઉચક્યો અને કહ્યું. "બોલો અત્યારે રાત્રીના 11 વાગ્યે, શું કામ પડ્યું મારું." સામેથી જે બોલાતું હતું એ સાંભળીને એમની ઊંઘ ઉડી ગઈ, લગભગ પાંચેક મિનિટ સુધી એમણે માત્ર હા, હમમમ, ઓકે, એટલા જવાબ જ આપ્યા. પછી ફોન કટ કરીને એણે, તરત જ ઇન્ટર કોમથી પોતાના ચપરાસીને બોલાવ્યો. બેડમાં સુતેલા એમના પત્ની એ એક વખત એમની સામે જોયું, અને ઉંઘરેટા અવાજે પૂછ્યું. "શું તમારે બહાર જવાનું છે.?" 

"હા પણ બહુ દૂર નહિ, ઓફિસમાં, એક અગત્યની મિટિંગ છે. બનશે તો 2-3 કલાકમાં આવી જઈશ નહિ તો સવારે બ્રેકફાસ્ટ મોકલી દેજે." કહી એમણે નાઈટ ડ્રેસ ચેન્જ કર્યો અને સૂટ-બૂટ પહેરીને બેડરૂમમાંથી બહાર આવ્યા, એ જ વખતે એમનો ચપરાસી પણ આખો ચોળતો આવ્યો. "મુન્ની લાલ, રાકેશ મિશ્રા, અને અશોક રાજગુરુ સાહેબના બંગલે જઈ અને એમને કહે મને ઓફિસમાં મળે. અને હા, તારે જ જવાનું છે, ફોન કરવો હોત તો મેં કરી દીધો હોત." કહીને પોતાની કાર જાતે ડ્રાઈવ કરીને એ પીએમઓ પહોંચ્યા. એમણે બોલાવેલા બીજા બે અધિકારીઓ પણ નજીકમાં જ રહેતા હતા. એમણે પોતાની કેબિનમાં પહોંચીને લાઇટ અને એસી ચાલુ કર્યા અને પછી એક કેબિનેટમાંથી કેટલીક ફાઈલ કાઢીને પોતાના ટેબલ પર ગોઠવી. એટલી વારમાં એમણે જેમને બોલાવ્યા હતા એ બેઉ અધિકારી પણ આવી પહોંચ્યા. 

"સર અત્યારે, કઈ ખાસ.." અશોક રાજગુરુ કે જે નેશનલ આર્કિઓલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે ASIના વડા હતા. એમણે, પૂછ્યું. એમની સાથે આવનાર રાકેશ મિશ્રા આઈબીના ચીફ હતા.

"હા એકદમ અગત્યની બાબત છે. આજે અત્યારે જ એક ઓપરેશન પાર પાડવાનું છે " પીએમઓના ચીફ સેક્રેટરી શ્રીવાસ્તવે કહ્યું. એ સાથે જ બન્ને ઓફિસરની આંખમાં રહેલી રહી સહી ઊંઘ ઉડી ગઈ. કેમ કે નખશિખ ઈમાનદાર અને કર્મઠ એવા શ્રીવાસ્તવ સાહેબને એ બંને પોતાના ગુરુ માનતા હતા. 

"આ ફાઈલ જુઓ અને આ" કહેતા એમણે પોતાના ટેબલ પર પડેલા ઢગલો એક નક્શાના ફિંડલા માંથી રાજસ્થાનનો નકશો ટેબલ પર પાથરતા કહ્યું. બન્ને અધિકારીએ પાંચેક મિનિટ ફાઈલ અને નકશાનું નિરીક્ષણ કર્યું.

"તમારી ઓફિસમાં જાવ અને તમારા સોર્સને કામે લગાડો. રાકેશ, તારું કામ થોડું અઘરું છે. લોકલ હો હા થાય એ પહેલા તારું કામ પૂરું થઈ જવું જોઈએ." અને રાજગુરુ સવારે છ વાગ્યે તારું ઓપરેશન શરૂ થવું જોઈએ. હું અહીં જ છું. મારી ક્યાંય જરૂર હોય તો તરત જ કહે જો. અને તમારી તૈયારી પુરી થાય એટલે જણાવો. 

"યસ બોસ," કહીને એ બંને પોત પોતાની ઓફિસે જવા નીકળ્યા એ બન્નેની ઓફિસ પણ પીએમઓ ઓફિસની આજુબાજુમાં જ એકાદ બિલ્ડિંગને અંતરે હતી.

બસ પછી તો ફોન અને રૂબરૂ લોકોને બોલાવવાની હારમાળા ચાલી દિલ્હીનું સચિવાલય જાણે આખું અચાનક કોઈ ભૂતાવળ પ્રગટે એમ એક્ટિવ થઇ ગયું. અને જરૂર મુજબની ટીમ નક્કી થવા લાગી. લગભગ બે અઢી કલાક આ ધમાલ ચાલતી રહી, અને પછી નક્કી કરેલી ટીમ નક્કી કરેલ રીતે એક પછી એક નીકળવા લાગી વહેલી સવાર સુધી આ સરકારી બાબુઓની ધમધમાટ ચાલ્યો પણ આ બધાને કામે લગાડનાર અનોપચંદ પોતાના બેડરૂમમાં ઘસઘસાટ ઊંઘતો હતો. 


ક્રમશ:  

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.