કન્યાકુમારી
હું મારા કન્યાકુમારીના વર્ષો અગાઉ કરેલા પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ ઘણું આજે બદલાઈ ગયું છે.
એ વખતે કોંકણ રેલવે ન હતી. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. મેં નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું.
એ વખતે 'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી એટલે અમુક ટ્રાવેલ્સ. તેમની મોટે ભાગે 2x3 બસ હોય, રેલવે સ્લીપરમાં હોય તો એક સીટ પર ત્રણ બેસે ત્યાં ચાર એડજસ્ટ કરવા પડે એ પણ લાંબી મુસાફરીમાં. બાકી તેમની ટૂરમાં કોમન રૂમોમાં રહેવાનું અને ક્યારેક રેલવેના નળોની પાઈપ ખેંચી નહાવાનું. છતાં ભાડું ફર્સ્ટક્લાસ ફેરની નજીકનું કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે કર્મચારીઓને ફર્સ્ટક્લાસ ફેર મળે.
મેં મહા મહેનતે ફર્સ્ટકલાસની જ ટિકિટો બુક કરાવેલી અને કોઈ ટ્રાવેલ વગર જાતે ગયેલો.
તો અમારી નાગરકોઈલ એક્સપ્રેસ પુના, સોલાપુર, ગુંટકલ બેંગ્લોર થઈ કન્યાકુમારી તરફ બે રાત અને ત્રીજો આખો દિવસ વટાવી આગળ વધી. ત્રીજે દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી તો બેય બાજુ રબર પકવતાં લીસા થડ વાળાં ઊંચાં વૃક્ષો આવવા લાગ્યાં જેની ઉપર દીવડાના આકારની કાળી વાટકીઓ ચીપકાવેલી હતી, રબરનો રસ એકઠો કરવા. ઉપર તીક્ષ્ણ છરા ખૂંપાવેલા. નીલગીરી અને એ પ્રકારનાં સાવ સીધાં અને પાતળા થડો વાળાં વૃક્ષો આવતાં ગયાં. પશ્ચિમ ઘાટના ભોંયરાંઓ વટાવી હવે દૂરથી સમુદ્રની ખારી હવા શ્વાસમાં લેતા હતા. લાલ માટીના ઊંચા ખડકો વચ્ચેથી ટ્રેન જતી હતી.
અંતિમ સ્ટેશન નાગરકોઈલથી કન્યાકુમારી બસમાં 32 કીમી દૂર હતું. તે પહેલાં એક કલાકે વરકલ્લા આવે. ત્યાં જનાર્દન મંદિર અને લાલ રેતીનો બીચ છે જે અમે પછીથી જોએલ. જરૂર જોવા જેવાં.
વરકલ્લા રાત્રે આઠેક વાગે ગયું અને નાગરકોઈલ આવે તે પહેલાં તો તે નવેમ્બર પહેલા વીકમાં ત્યાં શિયાળુ ચોમાસું હોઈ ધોધમાર વરસતા વરસાદમાં નાગરકોવિલ આવ્યું અને સહુ ઉતર્યા.
સ્ટેશને રિટાયરિંગ રૂમ ન હતા. અર્ધો કલાક તો સ્ટેશને જ બેઠા રહ્યા. એ તરફ ગુજરાત કરતાં ઘણો જોરથી અને મોટી ધારે વરસાદ પડતો લાગ્યો. સ્ટેશનમાસ્ટર કહે કન્યાકુમારી જવા બસો અર્ધો કિલોમીટર આગળથી મળશે. સાડાદસ પછી નહીં મળે. એ લોકોના પ્રમાણમાં ધીમા અને મારા પ્રમાણે ભારે વરસાદમાં બેગો સહિત બહાર નીકળ્યા. બસો ક્યાંથી મળે તે હિન્દીમાં પૂછવું શરૂ કર્યું, ખાસ કોઈ હિન્દી સમજે નહીં. તમિલમાં જવાબ દે.
અમે બેગ અને થેલા લઈ આગળ ગયે રાખ્યું. કોઈ રસ્તો બતાવે નહીં. આખરે એક વ્યક્તિએ ઈશારો કર્યો કે મારી પાછળ આવો. એ ઝડપથી જવા લાગ્યો. એ એટલું જ બોલ્યો- 'નો વરી. ટીચર.' હું તેની પાછળ દોડતો ચાલ્યો. એણે બસડીપો માં લઇ જઈ કન્યાકુમારીની બસ પકડાવી. કહે એ સમજી ગયો અમે અજાણ્યા છીએ અને એ પબ્લિક પૂરો લાભ લેત. જોખમ પણ હતું. એની ઉપર પણ અમને રસ્તો બતાવવા બદલ એના જ લોકો ગુસ્સે થશે.
બસના કંડક્ટરને કન્યાકુમારીની ટિકિટ માગતાં તેણે વિવેકાનંદપુરમ, ગામ કે છેલ્લું સ્ટોપ એમ પૂછ્યું. એ ક્રમમાં બસસ્ટોપ આવે છે. કંડકટરે જોરદાર વરસાદ વચ્ચે કન્યાકુમારી ગામના સ્ટેન્ડ પર હોટેલની બહાર જ ઉભી રાખી અમને ત્યાં જવા કહ્યું. ત્યાં સ્ટેન્ડ ન હતું પણ અજાણ્યા જોઈ સહકાર આપ્યો. અમે ભીના કપડાં બદલી ગરમ પાણી મંગાવ્યું કેમ કે હીટરમાં તો વાર લાગે, રાતે પોણા અગિયારે નહાઈ ચાર દિવસનો થાક ઉતારતા સુઈ ગયા.
સવારે અમે પહેલાં સુચીન્દ્રમ અને વિવેકાનંદપુરમ જવા નીકળ્યાં.
સુચીન્દ્રમ ખાતે વિષ્ણુ, શિવ, બ્રહ્માજીનું મોટું મંદિર છે. 22 ફૂટ ઊંચી, એક જ ગ્રેનાઈટ પથ્થરમાંથી બનેલી હનુમાનજીની મૂર્તિ છે. લોકવાયકા છે કે હનુમાનજી દર વર્ષે એકાદ ઇંચ જેવું વધતા જાય છે ને ક્યારેક એમનો મુગટ આકાશને અડકશે! મૂર્તિ ભવ્ય અને ઊંચી હતી. મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓની દક્ષિણી શૈલીની મૂર્તિઓ હતી. જાળીથી મંદિર કવર કરેલું. ઊંચી મૂર્તિ ખુલ્લી જગ્યામાં હતી.
નજીકમાં કેળાંવડાં, મિર્ચીવડાં અને ઉરદ વડાં સરસ મળે છે તે જરૂર ખાવાં.
અહીંથી બસ પકડી ગયા વિવેકાનંદપુરમ.
એ જગ્યાએ જેમને તપ કરવું હોય કે ચાર પાંચ દિવસ એકદમ શાંતિથી પડ્યા રહેવું હોય તેમને માટે કોટેજીસ હતી. બેઠા ઘાટના એક સરખાં શ્વેત મકાનો, તેમની વિશાળ ભોજનશાળા, બેલુર મઠ જેવું મંદિર અને પાછળ પડતો લાંબો સમુદ્ર કાંઠો જોયો. આ જગ્યા ગામથી દૂર અને સસ્તા રિસોર્ટ જેવી છે. ઘણા પ્રયત્ન કરે છે પણ મોટે ભાગે બુકીંગ મળતું નથી. ત્યાંથી કન્યાકુમારી બીચ 3 કિમી છે ત્યાં જવા તેમની ફ્રી બસ ચાલે છે. ત્યાં હવે મોરનું અભયારણ્ય પણ છે.
બસ પકડી કન્યાકુમારી ગામના સ્ટોપે ઉતર્યા. જમીને એકાદ કલાક ખૂબ જરૂરી ઊંઘ ખેંચી પહોંચ્યા કન્યાકુમારી બીચ. સામે વિવેકાનંદ રોક લઈ જતી સ્ટીમર બપોરે 3.30 વાગે છેલ્લી ટ્રીપ હતી. પછી રોકથી લોકોને પરત લાવવાના. અમે મોડા હતા! હવે બીજે દિવસે જોવાનું. સ્થાનિક લોકોએ અમને બીચ, કન્યાકુમારી મંદિર, ચર્ચ અને થોડું ચાલી ઢાળ પર આવેલ ટુરિસ્ટ બંગલો જોવા સૂચવ્યું.
કન્યાકુમારી મંદિર ભગવતી અમ્મન મંદિર પણ કહેવાય છે. 51 શક્તિપીઠોમાંનું એક છે. એની પાછળનો ઇતિહાસ એમ કહે છે કે પાર્વતીસ્વરૂપ કન્યા હાર લઈ શિવજીની જાનની પ્રતીક્ષા કરતી ઉભી રહી, જાન આવી શકી નહીં એટલે સૌભાગ્યકાંક્ષીણી કુંવારિકા સ્વરૂપે જ રહી ગઈ. દેવીની હાથમાં હાર અને આતુર, મીટ માંડેલી આંખો સાથેની મૂર્તિ દર્શનીય છે. મંદિર રેતીનું, 3000 વર્ષ જૂનું છે. આરતી વખતે ગર્ભદ્વાર પર અનેક દિવડા પ્રગટાવે એ જોવા જેવું છે.
કહે છે કે દેવીની નાગમણીની બનેલી ચૂંક એટલો પ્રકાશ આપતી કે વહાણો એને દિવાદાંડી સમજી ત્યાં આવી ખડકો સાથે અથડાઈ પડતાં એટલે પૂર્વ દ્વાર રાત્રે બંધ રાખતા. મેં એ ખુલ્લું જોયું.
બીચ પર ત્રણ રંગની રેતી પણ જોઈ. લાલ, લીલાશ પડતી અને એકદમ રાખોડી. ત્રણ સમુદ્રનાં મિલનથી ત્રણ રંગની રેતી અને એ ભાતનાં શંખ છીપલાં જોયાં, વીણ્યાં. લારીઓમાં મોટા જબરા શંખો વેંચાતા હતા. ફૂંકથી વાગે એવા. ફેરિયણ બાઈએ સમજાવ્યું તો પણ મને ન ફાવ્યું. બંગાળીઓ અને મંદિરમાં પૂજારીઓ આ રીતે શંખ ફૂંકે છે.
ત્યાં જ ગાંધીસ્મૃતિ જોયું, ફર્યા. સંગમ પર અદભુત સૂર્યાસ્ત જોયો જે ત્રણ સમુદ્રના સંગમ પર દૂર સુધી ડૂબતો દેખાતો હતો. ભેજ કે વાદળમાં ડૂબી ફરી સમુદ્રમાં ડૂબતો દેખાતાં બે વખત ડૂબ્યો હોય એવું લાગ્યું. કહેવાયું કે પૂનમે તો એક બાજુ સૂર્યાસ્ત અને બીજી બાજુ ચન્દ્રોદય જોવાની મઝા અલગ જ છે.
રાત્રે હોટેલમાંથી દરિયાની પ્રચંડ ગર્જના સાંભળતા સુઈ ગયા. સવારે પાંચ વાગે ઊઠી અમે સમુદ્રમાંથી ઉગતો સૂર્ય જોવા નજીકના એક ખડકે હોડી કરી ગયા. સાડાપાંચ વાગે દરિયામાં સૂર્યોદય થયો. પછી તો તાજાં ફૂલોની વેણીઓ, શંખ છીપની વસ્તુઓ વેંચતી બાઈઓ, તાડી ને નીરો વેંચતા ફેરિયાઓ અને માછલી પકડી પરત આવતા માછીમારો મળ્યા. હોટેલ જઈ ફટાફટ નહાઈ બ્રેકફાસ્ટ કરી ફરી, હવે હાથરીક્ષામાં (ગામથી બીચ એકાદ કિલોમીટર દૂર છે) ગયા વિવેકાનંદ રોક માટે. ટિકિટ લઈ ખૂબ ધીમે આગળ વધતી લાઈનમાં ઉભી નવ વાગ્યાની બોટમાં સામે કાંઠે વિવેકાનંદ રોક ગયા. એ બોટ્સ સવારે 7 થી 11 અને બપોરે 1 થી 3.30 રોક જવા ચાલે છે. અર્ધો કલાક તો સામે જવા લે જ. લગભગ 50 થી 70 લોકો એક ટ્રીપમાં લેતા હતા. આવવાની છેલ્લી ત્યાંથી 4.30 વાગે ત્યારે હતી.
વિવેકાનંદ રોક પર કવિ તિરુવલ્લુવરનું સ્ટેચ્યુ, લાલ પથ્થરનું બંગાળી શૈલીથી બનેલું વિવેકાનંદ મેમોરિયલ અને નીચે ધ્યાન મંડપ જોયાં. પ્રખ્યાત મેમોરિયલના ઘુમ્મટનો ઢાળ ખૂબ પહોળો ને સરસ હતો. એ જગ્યાએ ભીડ હોય છે પણ બેસવાની જગ્યા પણ ઘણી છે. મેં મંડપમાં જઈ અન્યો સાથે દસ પંદર મિનિટ ધ્યાન પણ કર્યું.
ત્યાંથી જ ત્રણેય અફાટ સમુદ્રો - અરબી સમુદ્ર, બંગાળનો મહાસાગર, ઇન્ડિયન ઓશન સ્પષ્ટપણે ત્રણ રંગના જોઈ શકો. ત્યાંથી ઠંડી લહેરો વચ્ચે એકદમ ભૂરું આકાશ અને ત્રણ રંગના દરિયાઓ જોતાં ઉઠવાનું મન જ ન થાય.
આ એક જ જગ્યા એવી છે જ્યાંથી સૂર્યાસ્ત અને ચંદ્રોદય એક સાથે જોઈ શકાય.
હવે કન્યાકુમારીમાં એક વેક્સ મ્યુઝિયમ પણ બન્યું છે. ફોટાઓ પરથી અદ્ભુત લાગે છે.
આખરે સાડાઅગિયારની રીટર્ન બોટ માટે ફરી લાઈનમાં ઉભા. હૈયેહૈયું દળાતી ભીડમાં વારો આવતાં સવાબારે પરત આવ્યા અને જમીને આરામ કર્યો. સાંજે ટુરિસ્ટ બંગલો પાસેનો ઢાળ ચડી બસસ્ટેન્ડે જઈ મદુરાઈની બસનું બુકીંગ કરાવ્યું, બીજે દિવસે કન્યાકુમારી ગામથી બપોરની બારની બસ પકડી મદુરાઈ જવા નીકળ્યા.
**