પુસ્તક સમીક્ષા
પુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક થ્રીલર
લેખક -પ્રફુલ શાહ
પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી 2025
પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ
કિમત –રૂ. 299/-
ઘરેબેઠા ઓનલાઈન એમેઝોન પરથી પણ માંગવી શકાય છે.
ચાર ભાષામાં 50 જેટલા પુસ્તકો આપનાર પીઢ પત્રકાર,લોકપ્રિય લેખક એવા શ્રી પ્રફુલ શાહ દ્વારા લખાયેલું પુસ્તક ‘Love You ક્ચ્છ’-રણમાં રોમેન્ટીક થ્રિલર એ કચ્છના મૃદુ હૃદય અને વિશાળ રુહ ધરાવતાં ધરતીભાગ માટે લખાયેલું એક ભાવનાત્મક પ્રેમપત્ર સમાન પુસ્તક કહી શકાય છે. કચ્છની રેતમાં વણાયેલ પ્રેમગાથા એ માત્ર પ્રેમકથા નથી, પણ તેમાં કચ્છની ધરતી, સંસ્કૃતિ, લોકો અને તેમના જીવન જીવવાની અનોખી રીતનો જીવંત ચિતાર છે.
આ એક આવેગસભર અને ભાવનાપૂર્ણ કૃતિ છે. આ પુસ્તકમાં કચ્છના રણ જેવી વિરાટ લાગણીઓનું વર્ણન છે – જ્યાં પ્રેમ શીતલ પવનની જેમ હળવે હળવે વહે છે અને સંબંધોની ઊંડી ઘાટીઓમાં ઊતરે છે. લેખકે કચ્છના કાંઠે વસેલા જીવનની કળા એટલી નમ્રતાથી રજૂ કરી છે કે વાંચનાર આપોઆપ રણમાં ચઢી જાય, ઊંટની પીઠે બેઠા પ્રેમના રસાસ્વાદમાં લીન થઈ જાય. પુસ્તકની વાર્તા એક સામાન્ય યુવક અને યુવતીની ઓળખથી શરૂ થાય છે, જેઓ કચ્છની યાત્રા દરમિયાન એકબીજા સાથે મળે છે. યાત્રાની શરુઆત તદ્દન સરળ લાગે છે, પણ ધીમે ધીમે તે બંનેના અંતર્મનનો ઘાટ ખૂલવા લાગે છે. લેખકે કચ્છની પ્રાકૃતિક સૌંદર્ય સાથે તેમની લાગણીઓને સુંદર રીતે ગૂંથી છે. જીવન, પ્રેમ અને ભૂમિ સાથેના સંબંધો કેટલાં ઊંડા અને અર્થસભર હોઈ શકે, તે પ્રફુલ શાહની કલમે સ્પષ્ટ જોવા મળે છે.
પ્રફુલ શાહની ભાષા સરળ, સહજ અને વર્ણનાત્મક છે. પાત્રોનું નિર્માણ એમણે એટલું જીવંત કર્યું છે કે વાચક પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવવા લાગે છે. ખાસ કરીને કચ્છના વ્યાપક રણ, ત્યાંની લોકસંસ્કૃતિ, પરંપરાગત રહેઠાણો અને સ્વાદિષ્ટ ભોજન વિશેનું વર્ણન બહુ જ આકર્ષક છે. સાથે સાથે લેખકે પ્રેમના વિવિધ રૂપો–વ્યક્તિગત, ભૂમિ માટેનો અને આત્મમન માટેનો – બહુ દક્ષતાપૂર્વક રજૂ કર્યો છે.વાતચીતમાં સ્થાનિક ઢબ, લહેકો અને સંસ્કૃતિનો ગાઢ સમન્વય વાચકને કચ્છની ધરતી સાથે સંલગ્ન થવા મજબૂર કરે છે.
કથાના મુખ્ય પાત્રો રાજુ અને સલોની વચ્ચેની લાગણી વાંચકના દિલને સ્પર્શે છે. સલોની એ એક આધુનિક લેખિકા અને સંવેદનશીલ સ્ત્રીપાત્ર છે, જ્યારે રાજુ એક સરળ, લાગણીશીલ યુવક છે, જે પોતાના દેશ અને ધરતીપ્રેમથી પ્રેરિત છે. બંને પાત્રો એકબીજાંથી અલગ હોવા છતાં, કચ્છને પ્રેમ કરે છે અને તે કચ્છપ્રેમ જ કદાચ તેમના જીવનમાં પરસ્પરને પ્રેમસંબંધ તરફ દોરી જાય છે. ઉપરાંત બીજા અનેક પાત્રો કે જે પગી, પોલીસ,પત્રકાર હોય કે ગામડાનો સામાન્ય માણસ- પણ દરેક માત્ર અને માત્ર કચ્છને ચાહનારા કહી શકાય. શાહની ભાષા સરળ,પણ અસરકારક છે. કચ્છની ભૂમિ અને સંસ્કૃતિનું તેમણે જે વર્ણન કર્યું તે વાંચકને કચ્છના રણમાં લઇ જાય છે. દેશને ગદ્દાર એવા પાત્રો-આતંકવાદીઓનું ખતરનાક ઓપરેશન જે સૂઝબૂઝથી સહુ સાથે મળીને અસફળ બનાવે છે-એ શ્રેણીબદ્ધ રજૂઆત જાણે ચિત્રપટના દ્રશ્યો જોતા હોઈએ ત્યારે ખુરશીના બે હાથા પકડી ઉતેજનાપૂર્વક હવે શું?નો અનુભવ કરાવે છે તે એક બેઠકે આ પુસ્તક વાંચવા મજબૂર કરે છે એ જ લેખકની કલમની કમાલ છે.
પુસ્તકમાં પ્રેમ, પૃથ્વીપ્રેમ અને સંસ્કૃતિનું મિજાજ એકસાથે જીવી શકાય તેવો અનુભવ મળે છે. આ પુસ્તક માત્ર પ્રેમકથા ના રહેતાં, કચ્છ માટેના પ્રેમ અને તેના દરેક પાસાની ઊંડાણપૂર્વકની સમજ આપે છે. વાચક માત્ર પાત્રો સાથે નહીં, પરંતુ કચ્છની ધરતી સાથે પણ પ્રેમમાં પડી જાય છે. શાહની લેખનશૈલીમાં એક પ્રકારની સત્યતા છે – જે આંખોથી નહિ, દિલથી જોવામાં આવે છે.
પુસ્તકના અંતે લેખક એક ખૂબ જ હ્રદયસ્પર્શી સંદેશ આપે છે કે ભૂમિથી પ્રેમ એ જીવનની સૌથી શક્તિશાળી લાગણી બની શકે છે – અને એ પ્રેમ માનવને પોતાને ઓળખવાનો માર્ગ બતાવે છે. "Love You Kachchh" એ માત્ર વાંચવા જેવું નથી, પણ અનુભવે તેવું પુસ્તક છે. મરુ,મેરુ અને મહેરામણની ભૂમિ એવા કચ્છની સંસ્કૃતિ, ભાવનાનો ઊંડો સમુદ્ર અને માનવીય સંબંધોની ઊર્મિથી ભીનાયેલું સહજ સાહિત્ય છે.
"Love You Kachchh" એ કચ્છપ્રેમી અને ભાવનાત્મક વાર્તાઓના રસિયાઓ માટે એક અદ્ભુત ભેટ છે. સાંસ્કૃતિક મૂલ્ય અને લાગણીઓથી ભરપુર આ કૃતિ વાંચવાલાયક છે. જો તમે કચ્છનો જીવંત અનુભવ કરવો ઈચ્છો છો – પૃષ્ઠોના માધ્યમથી – તો આ પુસ્તક તમારા વાંચનસંગ્રહમાં અવશ્ય હોવું જોઈએ. હવે સસ્પેન્સ થ્રિલર પિક્ચર તરીકે આ પુસ્તક જોવા મળે એવી આશભરી શુભેચ્છા સહ જય કચ્છ.