ગુજરાતી ભાષાના અનોખા સાહિત્યકાર કે જેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો, ધાર્મિક નવલકથાઓ,નાટક,બાલવાર્તા સહિત અનેક સાહિત્ય સર્જનકર્યું છે તેવા શ્રી પન્નાલાલ પટેલનો આજે જન્મદિન છે. એમના ઉતમ સાહિત્યમાં સહુથી વધુ જાણીતા - સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨) ટૂંકી વાર્તા સંગ્રહો તો સામાજીક નવલકથાઓ- મળેલા જીવ ,માનવીની ભવાઇ અને ભાંગ્યાના ભેરુ છે. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.
તેમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ ચાર ભાઇ-બહેનો હતા. તેમના પિતા ખેડૂત હતા અને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. આને કારણે તેમના ઘરની નામના થઇ હતી. નાનપણમાં તેમના પિતા જ મૃત્યુ પામ્યા. તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી.તેઓ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુર અને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે રહી નોકરી મેળવી.એમની મદદથી અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર-રીડર બન્યા.
૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ થયો. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક રહ્યા પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખનપ્રવૃતિ જારી રાખી. તેમણે તેમની પ્રથમ ટૂંકી વાર્તા “શેઠની શ્રદ્ધા” (૧૯૩૬) લખી. પછીથી, તેમની વાર્તાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઇ. ૧૯૪૦માં તેમની પ્રથમ નવલકથા વળામણાં અને મળેલાજીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને અન્ય નવલકથાઓ પ્રગટ થઇ.
આ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ વ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી એ ગ્રામજીવનની કથા હોય કે શહેરજીવનની. ગ્રામજીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા ‘મળેલા જીવ’ (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૭૧માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરુઆત કરી. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ બન્યા. પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિંદુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી.
તેમણે પોતાના સંઘર્ષના દિવસોને 'વાસંતી દિવસો' ગણાવ્યા હતા. તેમની કૃતિ 'કંકુ' પરથી ગુજરાતી ફિલ્મ બની હતી.તેમના સર્જનસાહિત્યનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે. સાહિત્યની આટલી લાંબી યાત્રા દરમ્યાન તેની કદરરૂપે અનેક સન્માન મળ્યા. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો.
કવિતા સિવાયનાં સઘળાં સાહિત્યસ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર પન્નાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં પર્યાપ્ત ખ્યાતિ મળી છે. એમની જાનપદી – પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો છે. પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે. દુષ્કાળનું આલેખન કરતી ‘માનવીની ભવાઈ’ તેમની કીર્તિદા કૃતિ છે. તેમની ગ્રામજીવન અને નગરજીવનનું આલેખન કરતી વાર્તાઓમાં માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળી છે. આ ઉપરાંત બાળસાહિત્ય, નાટક, આત્મકથા વગેરે સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે.
૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમની જીવન યાત્રા થંભી ગઈ. 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે,તેવા પન્નાલાલ પટેલને અને તેમની સાહિત્યયાત્રાને શત શત વંદન.