પછી તમારી વર્ષગાંઠ આવતી હતી મેં તમને કહ્યું હતું કે આપણે એ દિવસે બહાર જમવા જઈશું. પણ તમે કહ્યું કે ના મમ્મી પપ્પા ઘરે હોય આપણાથી ન જવાય. મેં માની લીધું. પછી દિવાળી આવી. મોટેભાગે અમારા ઘરે એવું થતું કે દર દિવાળીએ પપ્પા બધા માટે નવા કપડા લાવતા. પણ અહીં તો મેં એવું કંઈ જોયું જ નહીં. પણ મમ્મીએ એમ કહ્યું કે આ વખતે બેનની ડિલિવરી નો ખર્ચો કર્યો એટલે દિવાળીમાં નવા કપડા ન લઈશું તો ચાલશે. જે છે તે પહેરી લઈશું. મારી પાસે તો હા કહેવા સિવાય છૂટકો જ ન હતો. અને દિવાળી ચાલી ગઈ. હું મારા ઘરે રહેવા ગઈ હતી ને મમ્મીએ પૂછયું નવા કપડા કેમ ન લીધા ? ને મેં મમ્મીને કહ્યું કે એ તો લગ્ન વખતના ઘણા કોરા કપડા હતા એટલે મેં જ ના પાડી કે નથી લેવા. એ પછી ગામમાં ક્રિકેટની ટુર્નામેન્ટ શરૂ થવાની હતી. બનેવીની ટીમ ગામમાં મેચ રમવા આવવાની હતી. આપણને બધાને જ એ વાતનો આનંદ હતો. આપણા ઘરે બધાની જમવાની વ્યવસ્થા કરી હતી. લગભગ બે મહિના જેવું એ લોકો આવ્યા. છેલ્લી બે મેચ બાકી હતી ને બેનના દાદીસાસુ ને હોસ્પિટલમાં દાખલ કર્યા. મમ્મી હોસ્પિટલ રહેવા ગયા અને મને કહેતા ગયા કે બનેવી આવે તો જમવાની વ્યવસ્થા કરી રાખજે. મેં પણ હા પાડેલી. પરંતુ છેલ્લી સેમીફાઈનલ હતી એ રાતે રમાવાની હતી એટલે બનેવીએ કહ્યું કે અમે જમીશું નહીં. જમીએ તો રમવામાં તકલીફ થાય. અને સેમીફાઈનલ હતી એટલે મેચ પત્યા પછી ચા નાસ્તાની વ્યવસ્થા ગામ તરફથી જ કરવામાં આવી હતી. બનેવી સેમીફાઈનલ જીતી ગયા અને ફાઈનલ એક અઠવાડિયા પછી હતી એટલે બનેવી રાતે ઘરે આવીને પપ્પાને મળીને પછી ગયેલા. પપ્પા ખૂબ ખુશ હતા કે મારા જમાઈ આપણા ગામમાં આવીને મેચ જીતી ગયા. ૫છી બીજા દિવસે હું નોકરીએ ગઈ ને તમે પણ ઓફિસ ગયેલા. તમે ઓફિસ થી આવીને જોયું કે પપ્પાની તબિયત સારી નથી. તમે પપ્પાને પૂછયું પણ ખરું કે દવાખાને જવું છે ? પણ પપ્પાએ ના પાડી. હું નોકરીએથી આવી મને પણ લાગ્યું કે પપ્પાની તબિયત સારી નથી પણ એેમણે દવા લેવા જવાની ના પાડી. તો પણ તમે ગામના દવાખાનામાંથી દવા લઈ આવેલા. બે ત્રણ દિવસ જોયું કે પપ્પાની તબિયતમાં સુધારો નથી અને એ દવાખાને આવવાની ના પાડે છે એટલે તમે મમ્મી પાસે હોસ્પિટલ ગયેલાં અને એમને કહેલું તો એમણે એમ કહ્યું કે એ તો હું અહીં રહેવા આવી છું એટલે નાટક કરે છે. એ ન આવ્યા. પણ બીજા બે દિવસમાં પણ કંઈ સુધારો ન હતો તો આપણે સાથે ગયેલાં મમ્મી પાસે કે પપ્પાની તબિયતમાં સુધારો નથી તમે એકવાર ઘરે આવી જાવ. તો મમ્મીએ કહ્યું હતું કે ના હું અત્યારે તો નહીં આવું પણ જમાઈ બે દિવસ પછી મેચ રમવા આવશે ત્યારે આવીશ. અને આપણે ઘરે આવી ગયેલા. પપ્પાએ કહ્યું એ ન આવી, મને ખબર જ હતી કે નહીં આવે. બીજું કશું બોલ્યા નહીં. આમ જ જમાઈની મેચનો દિવસ આવી ગયો. મમ્મી સાંજે ઘરે આવી ગયેલાં. જોયું કે પપ્પાની તબિયત સારી નથી તો એમને દવા લાવવા સમજાવવા ના બદલે એમને ખૂબ ખીજવાયા હતા કેમ એ મને આજ સુધી નથી ખબર પડી. પણ પપ્પા એક પણ શબ્દ બોલ્યા ન હતા. ને રાત પડવા આવી. ગામમાં ફાઈનલ મેચનો ઉત્સાહ બધાને જ હતો કારણ કે ગામની ટીમ અને ગામના જમાઈની ટીમ વચ્ચે મેચ રમાવાની હતી. અમે ફળિયાની બધી છોકરીઓ અને વહુઓ પણ મેચ જોવા આવવા માટે જલ્દીથી પરવારી ગયા હતા. બનેવી ટીમ લઈને ઘરે આવ્યા ને પપ્પાને પગે લાગીને નીકળી ગયા. મેચ રમવાના હતા એટલે ચા નાસ્તો બધું જ ના પાડી. ને આપણે બધા પણ મેચ જોવા નીકળી ગયા.