ઉનાળાના ઉતમ ફળ
તરબૂચ કે કલિંગર ક્યુકરબિટેસી કુળનું (કોળા, દૂધી વગેરેનું કુળ) ફળ છે. તે જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરીકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે. એનું વૈજ્ઞાનિક નામ: સિટ્રુલસ લેનેટસ (Citrullus lanatus Thunb) છે. જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા મધ્યમાં અનેક બીજ પથરાયેલો લાલ રંગનો રસાળ મીઠો ગર ધરાવે છે. ફળ તરીકે,જ્યુસ તરી કે અન્ય ફળોની સાથે કટકા કરીને તેને લગભગ સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે. ભારતમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે, અને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યત્વે માહિકો, પાહુજા, સુગરબેબી અને ઇન્ડોઅમેરિકા જેવી કંપનીઓનું બિયારણ વાપરવામાં આવે છે.
આ વેલો ઉષ્ણ અને શુષ્ક પ્રદેશોમાં થાય છે અને તેને પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. તેને ઘણી વાર જ્યાં કોઈ પાક ઊગી ન શકે તેવા નદીના રેતાળ ક્યારાઓમાં વાવવામાં આવે છે. નદીનું પાણી ખસી ગયા પછી ક્યારાઓને પ્લૉટોમાં વિભાજિત કરવામાં આવે છે અને છૂટથી ખાતર આપવામાં આવે છે. અગાઉના વર્ષના પસંદગી કરેલાં ફળોનાં બીજ એકત્રિત કરી હરોળોમાં કે ખાડાઓમાં 1.2 મી.થી 1.5 મી.ના અંતરે વાવવામાં આવે છે. બીજને ધરુવાડિયામાં ઉગાડી બીજાંકુરો લગભગ એક અઠવાડિયાના બને ત્યારે તેમનું રોપણ ખાતર આપેલા પ્લૉટમાં કરવામાં આવે છે. શુષ્ક આબોહવામાં પિયત આપવામાં આવે છે. ફળ પાકવાની શરૂઆત કરે તે પહેલાં પિયત બંધ કરવામાં આવે છે. બીજની વાવણી જાન્યુઆરીથી માર્ચ સુધી કરવામાં આવે છે. 3-4 માસમાં ફળ લણણી માટે તૈયાર થાય છે. ફળ પૂરાં પાકી જાય ત્યારે વેલ પરથી ઉતારી લેવામાં આવે છે.
તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, તેથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી નથી થતી.તરબૂચ ખાવાથી ભૂખ ઝડપથી ઓછી થાય છે, જેનાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે. તરબૂચમાં રહેલા વિટામિન સી, વિટામિન એ અને ફાઈબર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. તરબૂચમાં રહેલું વિટામિન સી ત્વચાની ચમક વધારે છે. રોજ તરબૂચ ખાવાથી ત્વચાનો ગ્લો વધે છે. તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે.તરબૂચનું સેવન ઇન્ફેક્શનથી બચાવે છે અને પાચનપ્રક્રિયાને સ્વસ્થ રાખે છે. રોજ તરબૂચ ખાવાથી ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. તરબૂચ ખાવાથી લાંબા સમય સુધી પૂર્ણતાનો અહેસાસ થાય છે. તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદ કરે છે. એક રસદાર ઉનાળાનું ફળ તરબૂચ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.
એવું જ ઉનાળામાં ખવાતું ઉતમ ફળ સકરટેટી છે.જે કાચી અને રાંધીને શાક કરીને પણ ખાવામાં આવે છે. ફળનો ગર ફળના 45 %-80 % જેટલો ભાગ બનાવે છે. તે મૃદુ, લોટ જેવી ઘટ્ટતા ધરાવતું, કસ્તૂરી જેવી સુગંધવાળું અને સ્વાદિષ્ટ હોય છે. આ ફળમાથી શરબત કે જામ બનાવી શકાય છે.
સકરટેટીમાં આશરે પ્રોટીન 0.6 %, કાર્બોદિત 5.4 %, મેદ 0.2 %, રેસો 0.5 %, ભસ્મ 0.6 %, કૅલ્શિયમ 0.016 % અને ફૉસ્ફરસ 0.015 %; આયર્ન 3.9 મિગ્રા./કિગ્રા., તાંબું 0.6 મિગ્રા./કિગ્રા., પૂર્વ (pro) વિટામિન ‘એ’ 2400 આઇ.યુ., વિટામિન ‘બી’ 57 માઇક્રોગ્રામ, વિટામિન ‘બી2’ 75 માઇક્રોગ્રામ અને વિટામિન ‘સી’ 25 મિગ્રા./100 ગ્રા. હોય છે. કેટલીક જાતોમાં બીજ મોટાં હોય છે અને તેમનાં મીંજ(kernel)માં તેલ વિપુલ પ્રમાણમાં હોય છે. બીજ ખાદ્ય હોય છે,જેને ધોઈ,સુકાવીને, મુખવાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેનો ઉપયોગ બદામ અને પિસ્તાની અવેજીમાં થાય છે. બીજ મૂત્રલ (diuretic) હોય છે. ફળનો ગર મૂત્રલ અને દીર્ઘકાલીન ખરજવામાં લાભદાયી છે.
આયુર્વેદ અનુસાર સકરટેટી ગુણમાં શીતળ, સ્વાદે મધુર-ખાટી, જરા ભારે, રુચિકર, પૌષ્ટિક, પેટની શુદ્ધિ કરનાર, સ્નિગ્ધ, વાતપિત્તશામક, વીર્યવર્ધક, મૂત્રલ, બલપ્રદ, દસ્ત લાવનાર અને દાહ, મૂત્રની અટકાયત, ગાંડપણ, લોહીવિકાર, કોઢ, પ્રમેહ અને તૃષારોગ મટાડનાર છે. પાકી સકરટેટી મુખ્યત્વે યકૃત પર અસર કરે છે અને નવું લોહી બનાવે છે; જેથી તે કમળો, પાંડુ, મૂત્રપિંડનાં દર્દો, ઉચ્ચ રુધિરદાબ અને માનસ રોગોમાં ફાયદાકારક છે. સકરટેટી વધારે ખાવાથી ગરમીનો ઉપદ્રવ થાય છે. બીજા રોગોમાં ઉપયોગો જોઈએ તો (1) કબજિયાત : પાકી સકરટેટીના ટુકડા પર મરી-સિંધવ કે સાકર મિશ્ર કરી રોજ આપવામાં આવે છે. (2) મૂત્રાલ્પતા : પાકી સકરટેટી સાકર છાંટી રોજ આપવામાં આવે છે કે તેનાં બીજનું ચૂર્ણ પાણી સાથે આપવામાં આવે છે. (3) પથરી : સકરટેટીનાં બીજના 100 ગ્રા. ચૂર્ણ સાથે 10 ગ્રા. સુરોખાર મિશ્ર કરી રોજ 3 ગ્રા.-5 ગ્રા. દવા સવાર-સાંજ પાણી સાથે આપવામાં આવે છે. (4) ત્વચાની કાળાશ : પાકી સકરટેટીના ટુકડા કરી ત્વચા પર ઘસવામાં આવે છે. (5) હિસ્ટીરિયા : સકરટેટીના ટુકડા પર ખાંડ છાંટી તેની ઉપર લીંબુનો રસ નિચોવી દર્દીને ખવડાવાય છે. (6) લૂ લાગવી : સકરટેટીના ટુકડા ઉપર સાકર છાંટી દર્દીને ખાવા આપવામાં આવે છે. તેનો રસ કાઢી શરીરે ચોપડવામાં આવે છે. દર્દીને તેનું શરબત પિવડાવાય છે. તેનાં બીજ વાટી માથા પર ચોપડવામાં આવે છે.
ઉનાળાની ગરમીથી બચવા ઉપયોગી એવા આ બે ફળ તરબૂચ અને સાકરટેટીનો પોતાની તાસીર મુજબ યોગ્ય તજજ્ઞના માર્ગદર્શનમાં પ્રમાણસર ઉપયોગ કરીએ.અને ગરમીમાં સ્વાસ્થ્ય જાળવીએ.