Bhagvat Rahsya - 275 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 275

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 275

ભાગવત રહસ્ય - ૨૭૫

 

અદ્વૈત મત કે દ્વૈત મત –ગમે તે મતને માનો.પણ જીવ ઈશ્વરરૂપ છે,ઈશ્વરનો અંશ છે,

અને માયા તેને બાંધે છે તે હકીકત છે.માયાને સત્ કે અસત્ કંઈ પણ કહી શકાતી નથી.મહાત્માઓ કહે છે કે-સ્વપ્નમાંથી જાગ્યા ના હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું લાગે છે,પણ જેવા સ્વપ્નમાંથી જાગ્યા -કે સ્વપ્ન અસત્ય છે.માયામાંથી પણ ના જાગો ત્યાં સુધી તે સત્ય જેવી અને જાગો એટલે તે અસત્ય છે.તેની જરૂર ખાત્રી થશે.

 

આપણે બધા રાજાના (પરમાત્માના) દીકરા છીએ.માયા દાસી છે,તે દાસીને રાજાએ બાળકોને રમાડવા

રાખી છે,બાળકો ને પજવવા માટે નહિ. જો દાસી બાળકને પજવે તો રાજા દાસીને રજા આપે.

પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવામાં આવે તો માયાનું બંધન છૂટી જાય છે.ગોકુલ લીલાનું આ રહસ્ય છે.

જીવ ને માયા રમાડી શકે પણ રડાવી શકે નહિ.

 

કોઈ પણ સિદ્ધાંત અનુસાર આત્માને બંધન થતું નથી.મન ને જ બંધન છે. મનના બંધનથી,અજ્ઞાનથી

આત્મા કલ્પે છે-કે-મને પણ બંધન થયું છે.જીવ અજ્ઞાનથી સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે.

થોડો વિચાર કરો –તો ધ્યાનમાં આવશે- કે-લોકો બોલે છે,કે મારું મન બગડ્યું છે,મારું મન ફસાયું છે.

પણ કોઈ એમ કહેતા નથી કે હું બગડ્યો છું,મારો આત્મા બગડ્યો છે.

આત્મા એ મનનો સાક્ષી છે,દ્રષ્ટા છે.મનને સ્વતંત્ર કોઈ સત્તા નથી,પણ તે આત્માની સત્તાથી કામ કરે છે.

મન સ્વતંત્ર નથી,મન નપુંસક છે.મન વિષયોમાં ફસાય છે,અને મનને સુખ-દુઃખ થાય છે,બંધન થાય છે.

અને તે આરોપ જીવ પોતાનામાં કરે છે.

 

આ સિદ્ધાંત સમજાવવા તુલસીદાસજી એ વાંદરાનું સુંદર દૃષ્ટાંત આપ્યું છે.

વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે છે.જે વનમાં વાનરો હોય ત્યાં હાંડલીમાં ચણા રાખે છે.

વાનર અતિ ઉતાવળથી ચણા લેવા પોતાના બંને હાથ હાંડલીમાં નાખે છે,

ચણા લેવા મુઠ્ઠી વળે એટલે મુઠ્ઠી ફુલાય છે એટલે હાથ હાંડલીમાંથી બહાર નીકળતો નથી.

વાનર એમ સમજે છે કે તેના હાથ કોઈએ (ભૂતે ??) અંદરથી પકડી લીધા છે.

વાસ્તવમાં કોઈએ હાથ પકડ્યા નથી પણ વાનરે મુઠ્ઠી વાળી છે, ચણા તેને બહુ ભાવે છે,તે ચણા છોડવા નથી,એટલે મુઠ્ઠી ખોલી શકતો નથી, જો ચણા હાથમાંથી છોડી દે તો હાથ તરત બહાર નીકળી જાય.

ચંચળ વાનર ચણા માટે સ્થિર થઇ બેઠો છે અને પકડાઈ જાય છે.

 

એવી જ રીતે –આ સંસાર એ હાંડલી છે,સંસારના વિષયો તે ચણા છે,મન એ વાનર જેવું છે.

મન, અહંતા-મમતા (આસક્તિ) રૂપી મુઠ્ઠીમાં વિષયોને (ચણાને) પકડી રાખે છે અને

મન બંધનમાં આવે છે. ને વાનરની જેમ તે માને છે કે મને બંધન થયું છે.

મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને (ચણાને) પકડ્યા છે પણ તેને છોડવાની ઈચ્છા થતી નથી.

આ તેના જેવું જ થયું છે-કે- એક માનવ થાંભલા ને બાથ ભરીને ઉભો છે અને બૂમો મારે છે કે-

કોઈ મને છોડાવો,મને થાંભલાએ પકડ્યો છે.

 

 x xx x xx x xx x x x x x x x x xx x x x  x x xx  x x x x xx x xx xxxxxx x x x x xx xx xx x  x x x 

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો 

 x x x x x x  x x x x xx  x x x x