Bhagvat Rahsya - 277 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 277

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 277

ભાગવત રહસ્ય - ૨૭૭

 

હવે શ્રીકૃષ્ણની દામોદર લીલાનું વર્ણન આવે છે. પહેલાં દામોદર લીલાનું તત્વજ્ઞાન જોઈએ.પરમ-પ્રેમથી પરમાત્મા બંધાય છે,યશોદાજીએ લાલાને બાંધ્યો હતો.

શ્રીકૃષ્ણ પરમાત્મા પરમ-પ્રેમનું સ્વરૂપ છે.પ્રેમ અને પરમ-પ્રેમમાં તફાવત છે.પુત્ર,પત્ની વગેરે સાથેનો સ્નેહ તે પ્રેમ.થોડો સ્વાર્થ રાખીને પ્રેમ કરે તેને પ્રેમ કહે છે.પણ સર્વ જીવો સાથે નિસ્વાર્થ પ્રેમને પરમ-પ્રેમ કહે છે.માનવ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે,પરમાત્માને કોઈ અપેક્ષા નથી,તેમ છતાં જીવ સાથે પ્રેમ કરે છે.

 

આ જીવ નાલાયક છે,તે આંખથી,મનથી,જીભથી વારંવાર પાપ કરે છે,તો પણ ઈશ્વર તેને પ્રેમ કરે છે.

ઈશ્વર જીવને પ્રેમ કરે છે અને જીવ પાસે ફક્ત એક પ્રેમ જ માગે છે.ધન-કે પૈસા માગતા નથી.

પરમાત્મા તો લક્ષ્મી પતિ છે.તેમને પૈસાથી પ્રસન્ન કરી શકાશે નહિ.

શરીરબળ,દ્રવ્યબળ,જ્ઞાનબળ,બુદ્ધિબળ વગેરેની હાર થાય છે,ત્યારે પ્રેમબળની જીત થાય છે.

પ્રેમબળ સહુથી શ્રેષ્ઠ છે.પરમાત્મા ને પ્રસન્ન કરવાનું સાધન કેવળ પ્રેમ જ છે.

પરમાત્મા સાથે પ્રેમ કેવી રીતે કરી શકાય ? પરમાત્માને પ્રેમ કરવાનો ઉપાય કયો ?

 

જરા વિચાર કરતાં સમજાશે કે-ઘરનાં માણસો આપણને સુખ આપે છે એટલે આપણે તેની સાથે પ્રેમ કરીએ છીએ.પતિ એવી કલ્પના કરે છે કે પત્નીને લીધે હું સુખી છું.પત્ની એમ માને છે કે પતિને લીધે હું સુખી છું.

પરંતુ જો કોઈ એવી કલ્પના કરે કે બંને એકબીજાને લીધે દુઃખી છે તો પ્રેમ જાગશે નહિ.

એટલે કે ટૂંકમાં- ઘરનાં માણસો સુખ આપે છે એમ સમજવાથી પ્રેમ થાય છે.

 

વાસ્તવમાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ સુખ આપતો નથી.એ તો કર્મનાં ફળ ભોગવવા ઋણાનુબંધથી બધાં ભેગાં થાય છે.કોઈ માનવ સુખ આપી શકે નહિ.આનંદનું દાન માત્ર પરમાત્મા કરે છે.

માટે જો એ પ્રમાણે કલ્પના કરવામાં આવે-માનવામાં આવે કે –

પરમાત્માની કૃપાથી હું સુખી છું. દુઃખ હોય તો દુઃખમાં પણ પ્રભુની કૃપા માનવી જોઈએ.

વિચારવાનું કે-“મારા પાપના પ્રમાણ માં તો ઘણી ઓછી સજા કરી છે” મનુષ્યના પાપના પ્રમાણમાં જો પ્રભુ સજા કરે તો તેને ખાવાનું પણ નસીબ ના થાય. પ્રભુ સજા કરે તો પણ દયા રાખીને સજા કરે છે.

 

“મને જે મળ્યું છે,તે મારા કર્મથી નહિ પણ ભગવતકૃપાથી મળ્યું છે.ભગવાનની કૃપાથી હું સુખી થયો છું.

હું ભગવાનનો ઋણી છું.” આવી રીતે ભગવાનના ઉપકારોને સતત યાદ કરવાથી-

ભગવાનમાં પ્રેમ જાગે છે. વારંવાર ભગવાનનું સ્મરણ અને પ્રભુના નામના જપથી પ્રભુમાં પ્રેમ જાગે છે.

ભગવાનની ઈચ્છા એ આપણી ઈચ્છા.એમ સમજી પોતાની ઈચ્છાઓને પરમાત્માની ઈચ્છામાં જોડીને

પરમાત્મા સાથે તન્મય થવાનું છે.જીવ પૂર્ણપણે ઈશ્વર પર પ્રેમ કરે તો પ્રભુ દુર્બળ બને છે અને જીવને વશ થાય છે.પ્રેમબળથી પરમાત્મા દુર્બળ થશે તો જીવ પરમાત્માને બાંધી શકે.

 

અતિશય પ્રેમ હોય તો વ્યવહારમાં પણ મનુષ્ય કબૂલ કરે છે-કે મારી હાર અને તમારી જીત.

પ્રેમમાં હાર એ જીત છે.પ્રેમ વધે એટલે ભગવાન બંધનનો સ્વીકાર કરે છે અને જીવને બંધનમાંથી મુક્ત કરે છે. પ્રેમનું બંધન પરમાત્મા તોડી શકતા નથી.પરમાત્મા પ્રેમ-પરતંત્ર છે.

યશોદાજી એ પ્રેમથી પરમાત્મા ને બાંધ્યા છે.

એવા પરમ-પ્રેમની કથાનું આ દામોદર-લીલામાં વર્ણન કરવામાં આવ્યું છે.

x x x x x x x x x xx x x x x  x x xx  xx x  x x x  x xx x  

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો