34. ડિજીટલ દખડાં
ડોરબેલ વાગી. હું લોટવાળા હાથે મારા બેંગલોર સ્થિત ફ્લેટનું બારણું ખોલવા દોડી. હજી સ્ટોપર ખોલું ત્યાં સામેના ફ્લેટમાં રહેતો યુવાન સૌમિલ ડોરને ધક્કો મારી અંદર ઘુસી જતાં કહે "ભાભી, જલ્દી દોઢસો બસો છુટા આપો ને! જલ્દી."
હું એમ તો પાડોશીઓ સાથે સંબંધ જાળવવામાં માનનારી અને પાછી એકલી. તમારા ભાઈ તો આખો દિવસ નોકરીએ હોય. પાડોશીના પહેલા સગા થવું પડે, ભલે ક્યારેક એ ગેરલાભ લઈ જાય. મેં સૌમિલ સામે સ્મિત કરી તેને ઘરમાં આવવા કહ્યું.
સૌમિલ બહાર જ ઉભો રહ્યો. તે ખૂબ ઉતાવળમાં લાગ્યો. તે હાંફતાં હાંફતાં બોલ્યો, "ભાભી, આપોને પ્લીઝ!". મેં નજીક પડેલી મારી પર્સમાં હાથ નાખી જે નાની નોટો હાથમાં આવી એનો મુઠો ભરી તેને આપી.
"શું આટલી ઉતાવળ છે? આભ તૂટી પડ્યું?" મેં પૂછ્યું.
"આભ નહીં, ભાભી, બાઇક તૂટી પડ્યું. કોઈ ટ્રબલ થઈ છે. ચાલતું બંધ થઈ ગયું. મિકેનીકને આપવા છે. થેંક્યું. બાય!" એમ કહેતો તે વાવાઝોડાંની જેમ આવેલો, વંટોળની જેમ ભાગ્યો.
"અરે શ્વાસ તો ખાતા જાઓ, પાણી તો પીતા જાઓ." મેં કહ્યું પણ ત્યાં તો એ દોડતો જઈ લિફ્ટનું બટન દબાવી અમારા આઠમા માળની લિફ્ટમાં નીચે ઉતરવા પણ લાગેલો.
મેં ગેસ પરથી રોટલીઓ ઉતારી, દાળ શાક ગરમ કર્યાં. રસોઈ પતાવી, જમીને હું અંદરના રૂમમાં તૈયાર થવા ગઈ. તમારા ભાઈ તો ટિફિન લઈ નવ વાગે ઓફિસ જવા નીકળી ગયેલા. બે ચાર કામ પતાવવા હું પર્સ લઈ બહાર નીકળી. આજે તો દૂધની થેલી પણ લેવાની હતી, કામવાળીને પગાર ચૂકવવાનો હતો અને અહીં નજીકની એટલે? બોલો, ચાર કી.મી. દુરની પોસ્ટઓફિસમાંથી મારા ભાઈને રાખડીનું કવર પોસ્ટ કરવાનું હતું. હું આ બધાં કામ પતાવવા નીકળી.
હજી હું લિફ્ટમાં હતી ત્યાં જ મારી કામવાળી મળી. મને જોતાં જ કહે, "બેન, પગાર લેવો ભૂલી જવાય છે. લો આપી દો અહીં જ."
મેં પર્સ ખોલી. એના એક કામના આઠસો રૂ. છે. મેં બે કામ બંધાવ્યાં હોઈ સોળસો આપવા પર્સમાં જોયું. બે હજારની બે નોટ જ હતી. મેં એને હિંદીમાં પૂછ્યું, "તારી પાસે છુટા છે? તો લે આ નોટ અને આપ ચારસો પાછા."
એ મોં મચકોડી એના દક્ષિણી ઉચ્ચારોમાં કહે, "કૈયા દીદી? દેખો મ્યેરે હાથ. દસવે ફ્લોર સે બર્તન કરકે આ રહી હું. કહાં પાઈસે હોયગે?"
"તો કલ દુંગી. આજ તો મેં કામ સે જા રહી હું. છૂટે ભી નહીં હૈ."
નીચે ઉતરતાં મેં પર્સ ફંફોસી. હાશ! એક પાંચસોની નોટ નીકળી ખરી. મારૂં એટીએમ કાર્ડ પણ હતું. 'આ કામવાળીઓ neft થી પૈસા લેતી હોત, અરે પહેલી તારીખે ecs થી જમા લેતી હોત તો કેવું સારું?' મેં મનોમન વિચાર્યું અને મારા જ વિચાર પર હું હસી.
તમારા ભાઈ બેંગલોર શહેરમાં નોકરી કરે છે. અહીં બધું જ રોકડા વગરના વ્યવહારે ચાલે છે. શાકની અને પાનવાળાની લારી પર પણ પે ટીએમનું નાનું બોર્ડ હોય છે. હું તો ગુજરાતનાં ગામડાંમાં રહેલી. તમારા ભાઈ કોમ્પ્યુટરનું કાંક ખૂબ ભણ્યા છે અને કોમ્પ્યુટર કંપનીમાં જ નોકરી કરે છે. મારે માટે તો અમારે ત્યાં પંચાયતમાં ઉતારાની પ્રિન્ટ આપતો ક્લાર્ક, બજારમાં રેલ્વે બુકીંગ કરી આપતો એજન્ટ અને આ તમારા ભાઈનાં કામમાં કોઈ ફેર નહીં. બધા કોમ્પ્યુટર પર કામ કરનારા. પણ તમારા ભાઈ અહીં ખૂબ ઊંચો પગાર મળતો હોઈ એમનું નાનું તાલુકા મથક છોડી અહીં આવ્યા. હું ગ્રેજ્યુએટ થયેલી ઉપરાંત રૂપાળી ગણાતી છોકરી હોઈ એમણે મને પસંદ કરી અને એમની આંગળીએ હું અહીં આવી. એમનાં વાતાવરણમાં ઓગળી ગઈ.
અહીંના લોકો ખિસ્સામાં નોટો કે પરચુરણ ભાગ્યે જ રાખે, મોબાઈલથી પટ્ટ કરતું પેમેન્ટ કરે. પણ ક્યાંક ને ક્યાંક તો છુટા જોઈએ જ ને? એટલે થોડા રોકડા પૈસા હું તો જીવની જેમ મારી નાનકડી પર્સમાં જાળવું.
લ્યો. વાતમાં ને વાતમાં દુધવાળો આવી ગયો. નાનું એવું પાર્લર. બિસ્કિટ, બ્રેડ, શાક, દૂધ ને એવું બધું રાખે. મેં એને ત્રણ થેલી દૂધ આપવા કહ્યું. તેણે એ આપી અને કહ્યું "સિક્સટી રૂપય્યે." મેં પાંચસોની નોટ આપી.
તેણે એક હાથે એની સફેદ લૂંગી ટાઈટ ખોસી, એની મોટી મુછે હાથ ફેરવતાં કહ્યું, "ચેયંજ દો મેયડમ. યીતના બડા નોટ કા છુટા કયસે દેગા?"
મેં પૂછ્યું "તારી પાસે એટીએમ કાર્ડ ચાલશે?" તે મઝાક ભર્યું હસ્યો. મને પે ટીએમ નું બોર્ડ બતાવ્યું. મેં મોબાઈલ ધર્યો. ગોળ ચક્કર ફર્યા કર્યું. આખરે નેટ નથી તેવો મેસેજ આવ્યો. મારું 3G, 28 દિવસ થઈ ગયા હોઈ પૂરું થઈ ગયેલું. એ ક્યાંથી સ્કેન કરી પે કરે? મેં ખાંખાખોળા કરવાનો ડોળ કરી પાંચસોની નોટ આપી. એ કહે એની પાસે છુટા જ નથી. લોકો પે ટીએમ કે ભીમ એપથી પૈસા ચૂકવે છે. એટલામાં બીજાં એક વેણી નાખેલાં કન્નડ બહેન આવ્યાં. તેની સાથે કંઈક અગડંબગડં વાત કરી. તેણે વટથી યુપીઆઇ કર્યું અને દૂધની છેલ્લી પાંચ થેલીઓ લઈ ચાલતાં થયાં. હું દૂધ વગર. સાંજે તમારા ભાઈ આવે એ પહેલાં એમની ચા માટે તો દૂધ લાવવું જ પડશે.
ચાલો હવે પોસ્ટ ઓફિસ જાઉં. પણ ચાર દુ આઠ કી.મી. ચાલું કેમ? હું ચિક્કાર ભરેલી બસમાં પર્સ સંભાળતી ચડી.
કંડકટર આવ્યો. મેં ટિકિટ માંગી પાંચસોની નોટ આપી. તેણે 'ટ્વેન્ટીઈ ર્યુપી..' કહી પાછી આપી. "કાર્ડ મેડમ?" તેણે પૂછ્યું. અહીં બસોમાં પ્રિ પેઈડ કાર્ડ પણ હોય છે. મારે ક્યાં રોજ જવું હતું કે કાર્ડ હોય? મેં માથું ધુણાવ્યું.
અરે રે! વીસ રૂ. માટે હું લાચારી ભર્યું જોઈ રહી. આસપાસ કોઈ માઈનો લાલ છુટા આપે તો જોયું. કોઈ તૈયાર ન થયો. કંડક્ટરે બેગ ફંફોસી. ટિકિટ 20 રૂ.ની પણ પુરા ચારસો એંસી છુટા તેની પાસે ન હતા. હું આગળનાં સ્ટોપ પર ઉતરી જવા આગળ વધી ત્યાં તો આશ્ચર્ય! એણે કોઈને સ્વાઈપ મશીનમાં કાર્ડ સ્વાઈપ કરી ટિકિટ આપી. આ બેંગલોર છે ભાઈ! આવું બધું ન હોય એ ઓછું. મેં ફટાફટ કાર્ડ કાઢ્યું. ચાલતી બસે હાલક ડોલક થતાં માંડ પિન નાખ્યો. પહેલી બે વાર તો હાથ કે મશીન હલી જતાં ખોટો નખાયો પણ પછી છેલ્લા પ્રયત્ને ચાલ્યો. સ્વાઈપ મશીનમાંથી પ્રિન્ટ થઈ મારી ટિકિટ અને એ સાથે મારો શ્વાસ હેઠે ઊતર્યાં. આખરે હું પોસ્ટ ઓફિસ પાસેના સ્ટેન્ડ પર તો પહોંચી.
પોસ્ટ ઓફિસ પર લાઈન હતી. મારે તમારા ભાઈનું એક રજીસ્ટર કરવાનું હતું અને રાખડી કવર પર વજન કરી ટિકિટ લગાવવાની હતી. વારો આવતાં ક્લાર્ક કહે "થર્ટી ફાઈવ રૂ." મેં ડરતાંડરતાં પાંચસોની નોટ કાઢી. તેણે પણ છુટા નથી એમ કહ્યું. 'અરે ભઈલા, તારી બેનડીની રાખડી તને જલ્દી પહોંચે, તારી ઘરવાળી તને કેસરી ભાત (અહીંનો શીરો) કરી દે.. તું જલ્દી પોસ્ટમાસ્તર થા.. એક મને ચારસો પાંસઠ પાછા આપ.' મેં મનોમન કહ્યું. તેણે કદાચ મારી મૌન પ્રાર્થના સાંભળી મને ઊભવા કહ્યું. પણ કોઈ રીતે છુટા મળ્યા નહીં. એ સમયે બેંકો અને ઓફિસોના પીયૂન ખાતામાંથી ચિઠ્ઠી ફડાવી ઓફિસની ટપાલનાં બંડલો આપી ચાલતા થતા હતા. ક્લાર્કે મારી ટપાલ બાજુમાં રાખી છુટા લઈ આવવા કહ્યું.
હું નીચે ઉતરીને સામે નાના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગઈ. ત્યાં જરૂર ન હતી તો પણ હેરપીન અને કેળાં લીધાં. હું લાઈનમાં બેચાર ચીજો હોય તેવાની પાછળ ઉભી રહી. વારો આવતાં ફરી એ પાંચસોની નોટ આપી. કેશિયરે ડોકું ધુણાવ્યું. મેં કહ્યું કે છુટા નથી. તેણે સાવ પચીસ રૂ. માટે પેટીએમ કરવા કહ્યું. ફરી 3G ના અભાવનો પ્રોબ્લેમ. સો રૂ. નીચેનાં બિલ માટે ડેબિટ કાર્ડ પણ લેવાની ના પાડી. હું વસ્તુઓ ત્યાં જ પડતી મૂકી નીચે ઉતરી.
એક નારિયેળ પાણી વાળાને પૂછયું. જો છુટા આપે તો નારિયેળ પીવું. એણે ના પાડી.
એક ખૂણે પોપટનું પાંજરું લઈ ફૂટપાથ પર બેઠેલા જ્યોતિષી પાસે છુટા માગ્યા. તેણે કહ્યું કે હાથ બતાવે તો સચોટ ભવિષ્યવાણી કહેશે, 125 રૂ. ફી લઈ બે હજાર હોય તો 1875 પણ પાછા આપશે. અચકાટ સાથે હું તૈયાર થઈ. પહેલાં છુટા છે તો ખરા ને, એની ખાતરી કરવા મેં કહ્યું. તેણે પોથી નીચે પૈસા રાખેલા તેમાં જોયું. તેની પાસે પણ સો, બસો ની નોટો હતી. અને બોલો, તેની પાસે પણ ભીમ યુપીઆઈ અને પે ટીએમ નું બોર્ડ પણ હતું! મને મારાં ભવિષ્ય કરતાં છુટા મળશે કે નહીં તેની પ્રશ્ન કુંડળી મંડાવવાનું મન થયું પણ 125 રૂ. ખાલી છુટા કરાવવા માટે જ આપી દેવા યોગ્ય ન લાગ્યા. તમે જ કહો, તમારા ભાઈ સવારે નવ થી રાત્રે આઠ સુધી કામ કરી બેંગલોરના અતિ ગીચ, કીડી વેગે જતા ટ્રાફિકમાં દોઢ કલાકે ઘેર આવતા હોય ત્યાં એવી કઠણાઈથી કમાયેલા પૈસા હું એમ વેડફી નાખું?
એક ઈડલી વાળો, એક મોમો વેંચતો (અહીં ભારતના ક્યા ખૂણાના લોકો નથી? એ બધાનું ખાવાનું મળી રહે પણ એક સાલી રૂપિયાની નોટોના છુટા ન મળે.) બધા પાસે છુટા કરવાની યાચના કરતી હું ફરી વળી. બધે નકાર. તેઓ પણ ભીમ, પે ટીએમ કે ગૂગલ પે વાપરતા હતા.
હારી, થાકી, તડકામાં પરસેવે નિતરતી હું એક ઓમલેટવાળાને કોઈ પાસેથી નાની નોટો લેતો જોઈ ત્યાં દોડી ગઈ અને અત્યંત આજીજી સાથે વેવલું મોં કરી મેં છુટા માગ્યા. તેણે પણ કહ્યું કે નથી. મેં કહ્યું કે હમણાં તો તમને લેતા જોયા છે. તેણે કહ્યું કે બેચાર નાની કરન્સીની નોટ આવે તો તે જીવની જેમ જાળવી રાખે છે. ઉપરથી વણમાંગ્યું કહે 'જાઓ, મોદીજી કે પાસ સે લે આઓ!! '
આ લોકોને ગમે તેટલું કરો, મોદીનો વિરોધ એમના દરેક ઉચ્છશ્વાસે નીકળશે.
"માફ કરના ભાઈજાન, મોદી કુછ કરેગા તબ યહ ફૂટપાથ રોક કે પડી આપકી લારી નહીં રહેગી ઓર ન રહોગે તુમ." કહી હું પીઠ ફેરવી ગઈ. પીઠ પાછળ તેણે 'કયા બોલી? સા…લી? ઇધર દેખ તો?' કહ્યું. તે કદાચ અહીં આવી ગેરકાયદે વસી ગયેલો બાંગ્લાદેશી હતો.
હું સામે દેખાતી કોઈ પ્રાઇવેટ બેંકની બહારથી ચકાચક એટીએમ કેબિન તરફ ગઈ. લાવ, ત્રણસો ઉપાડું તો સો સો ની ત્રણ નોટ કે એટલીસ્ટ એક બસો અને એક સો ની તો મળશે જ. એટીએમમાં લાઇટ ન હતી. બહાર બોર્ડ મારેલું- 'This ATM is out of order. Sorry for inconvenience.' ત્યાં ગાર્ડ હોય તો તે કઈ બેંક બ્રાન્ચનું છે તે પૂછી ત્યાં જવા વિચાર્યું. આસપાસ જોયું. ગાર્ડ એક ખૂણામાં બેસી ટિફિન ખોલી ભાતમાં હાથ ગોળ ફેરવતાં દાળ મેળવી મુઠી સીધી મોંમાં થ્રો કરતો હતો અને તેનું મોં કેચ ચૂકતું ન હતું. તેનું ધ્યાન ફક્ત જમવામાં હતું. ભાણે બેઠેલાને ઉઠાડવો પાપ કહેવાય.
ત્યાં જવાનો અર્થ ન હતો. હું રસ્તો ક્રોસ કરી સામે જતી હતી ત્યાં વળી ચપ્પલની પટ્ટી તૂટી. એમાં સિગ્નલ પરનો ટ્રાફિક છૂટ્યો. હું ઘાંઘી બની પગ ઘસડતી રસ્તો ક્રોસ કરવા દોડતી, હાફતી, લોકો સાથે અથડાતી કૂટાતી સામે ક્રોસ કરી ગઈ.
ત્યાં ઝાડને છાંયે બેઠેલી એક ઘરડી ચીંથરેહાલ ભીખારણ પર મારી નજર પડી. તે ફૂટપાથને એક ખૂણે, બે પથ્થરો વચ્ચે નીચે વહેતી ગટરની ગંધથી થોડે જ દૂર બેઠેલી. તેની ચીંથરેહાલ ગોદડી પર થોડી નોટો દેખાઈ. ડૂબતો તરણું ઝાલે. આખરે મેં, એક સારું એવું કમાતા કોમ્પ્યુટર ટેકીની શિક્ષિત પત્નીએ, એક ભીખારણ સામે હાથ લાંબો કર્યો- છુટા માટે.
અને.. મેં તેની સામે પાંચસોની ચાર નોટ ધરી. શું કહું? એક સ્ત્રી બીજી સ્ત્રીની વેદના વગર કહ્યે સમજી ગઈ. અહીં અમારી વચ્ચે ભાષા પણ મૌનની જ હતી. એ ભીખારણે ચીંથરૂં ઊંચું કરી મને બે હજારના બસોની આઠ નોટ, સો ની ત્રણ અને.. સો રૂ. દસ દસ ના સિક્કામાં આપ્યા. મેં તેને ત્રીસ રૂ. આપવા કર્યું. તેણે અહીંની ખાસ સ્ટાઈલથી મારાં દુઃખડાં લીધાં અને કઈંક કન્નડમાં બોલી. હું કન્નડ ક્યાંથી જાણું? મને પરણીને અહીં આવ્યે વરસ પણ નથી થયું. તમારા ભાઈ તો ચાર વર્ષથી અહીં છે પણ સાથીઓ સાથે અંગ્રેજીમાં જ વાત કરવાની અને લગભગ બધા બહારના રાજ્યના તેથી એમને પણ કન્નડ નથી આવડતું. ભીખારણે પૈસા લેવાની ના પાડી. ઉપરથી કઈંક આશીર્વાદ જેવું બોલી.
બોલો, આવડાં મોટાં શહેરમાં કોઈ નહીં ને એક ભીખારણ વહારે ધાઈ! મેં એ ભીખારણને અંતરથી આશીર્વાદ આપ્યા.
મારૂં પોસ્ટ ઓફિસનું કામ પતી ગયું. હું બસમાં જ ઘેર આવી.
બિલ્ડિંગમાં જતી હતી ત્યાં સેવંથ ફ્લોર પર રહેતી નીરજા મળી. લિફ્ટ માટે અમે ઊભેલાં ત્યારે કહે "દીદી, તમે પેલાં મંદિર સામે 'ધ 99 ઢોસા' પાર્લરમાં જરૂર જજો."
સીસકારા બોલાવી આંખ નચાવતીકહે, "અરે, મસ્ત ટેસ્ટ હોય છે. આજે સૌમિલ મને લઈ ગયેલો. અરે બોલો દીદી, ખાધા પછી એની પાસે ન કાર્ડ મળે ન કેશ. હું તો કોલેજથી સીધી આવતી હતી. મારી પાસે પણ કાંઈ નહીં. કોણ જાણે ક્યાંથી બાઇક પર જઈ પાંચ મિનીટમાં છુટા પૈસા લઈ આવ્યો."
"તે એનું તો બાઇક બગડેલું ને? મારી પાસેથી છુટા પૈસા મિકેનિકને આપવા લઈ ગયેલો!" મેં કહ્યું.
"વાત છે એની. હું જ એનો મિકેનીક બની એને ટીપીટીપીને રીપેર કરી નાખીશ. મને થયું જ. આટલો જલ્દી છુટા લઈને એ આવ્યો કેવી રીતે? એ પણ આપણા એરિયામાં, જ્યાં ટેકી લોકો જ રહે છે અને પૈસાનો વ્યવહાર બધે કરન્સી નોટ સિવાય, ડિજિટલી જ થાય છે એટલે છૂટા કે નોટો માંડ મળે ત્યાં?"
"અરે બેન, આ એને લીધે મને આજે પડેલાં ડિજિટલ દુઃખડાં કોની પાસે રોઉં? " મે કહ્યું.
અમે વાત કરતાં હતાં ત્યાં લિફ્ટ બેઝમેન્ટમાંથી આવી. અંદર બાઇકની ચાવી ઘુમાવતો સૌમિલ!
એ અમને સાથે જોઈ અવાક થઈ ગયો. મેં વેધક નજરે એની સામે જોઈ કહ્યું, "બાઇક બહુ જલ્દી રીપેર થઈ ગયું, કાં!"
એ નીચું જોઈ ગયો. એનો ચહેરો જોવા જેવો હતો. હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો.
હું એ બેયને લિફ્ટમાં ગુટરગુ કરતાં છોડી મારી પર્સમાં છુટા જોતી તેની દાતા ભીખારણને આશીર્વાદ આપી રહી.
ભાઈ, અમારાં આ શહેરમાં બધું ડિજિટલ. સખડાં કે દખડાં પણ ડિજિટલ, બોલો!
**
સુનીલ અંજારીયા
(2019 માં લખાયેલી આ વાર્તાની દુનિયા કેટલી જલ્દી બદલાઈ ગઈ? આજે તો નાના ગામોમાં પણ upi, ગૂગલ પે વગેરે શરૂ થઈ ગયું છે અને બધે ચાલે છે. ક્યારેક અટકો તો upi લાઈટથી પેમેન્ટ કરી દો, નેટ મળે એટલે થઈ જાય! એ વખતે બેંગલોર, હૈદરાબાદ જેવાં હાઇટેક શહેરોમાં જ ડિજિટલ પેમેન્ટ પ્રચલિત હતું. ગુજરાતમાં ખાસ નહીં.)
***