લવ યુ યાર ભાગ-87કમલેશસરની કેબિનમાંથી બહાર નીકળતાં નીકળતાં જૂહીએ લવની સામે જોયું તો લવ પણ તેની સામે જ જોઈ રહ્યો હતો તેણે એકદમ પોતાની નજર ફેરવી લીધી અને તે સડસડાટ કેબિનમાંથી બહાર નીકળી ગઈ...અને હવે તેને થોડી હાંશ થઈ પણ પછી પાછી તે વિચારવા લાગી કે, હવે આ લવને હિસાબ બતાવવાનો, ખબર નહીં તેનો સ્વભાવ કેવો હશે? મને તો કંઈ આમતેમ બોલશે તો હું તો છોડી દઈશ આ કામ જ..." બસ આમ વિચારી રહી હતી ને તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે પોતાનો ફોન હાથમાં લીધો અને વાત કરવામાં બીઝી થઈ ગઈ.આ બાજુ લવ વિચારી રહ્યો હતો કે, આટલી બધી હોંશિયાર અને સ્માર્ટ છોકરી ક્યાંની હશે..?? અને અહીંયા હોસ્ટેલમાં કેમ રહેતી હશે..??જૂહીની સ્કૂલ ફ્રેન્ડ અંગનાનો ફોન હતો. જે બાળપણથી જ તેની સાથે સ્કૂલમાં ભણતી હતી અને બંને વચ્ચે બાળપણથી જ ખાસ મિત્રતા હતી તેમજ બંનેનું ઘર નજીક નજીક પણ હતું એટલે હોમવર્ક કરવા પણ બંને એકબીજાને ઘરે જ જતાં. બંને બેસ્ટ ફ્રેન્ડ એટલે બંનેને એકબીજાની દરેક વાત ખબર જ હોય અને ક્યાંય પણ જવાનું હોય કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો બંને એકબીજાને પૂછીને જ નિર્ણય લેતાં.જૂહી ખૂબજ ખાનદાન ઘરની છોકરી હતી. તે તેનાં મોમ અને ડેડની એકની એક દીકરી હતી. તે પાંચ વર્ષની હતી ત્યારે જ તેના મોમ અને ડેડ એક ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ત્યારથી જૂહી પોતાના કાકાના ઘરે જ રહેતી હતી તેના કાકાને પણ એક દીકરી જ હતી જેનું નામ પૂ્ર્વા હતું. બંને બહેનોને સારું એવું બનતું હતું પણ તેની કાકી ખતરનાક હતી. જૂહી ભણવા ગણવામાં આગળ વધે કે તેની પ્રગતિ થાય તે તેની કાકીથી બિલકુલ જીરવાતું નહીં. તેને જૂહીની હંમેશા ઈર્ષ્યા આવ્યા કરતી હતી કારણ કે જૂહી દેખાવમાં પણ ખૂબજ રૂપાળી અને સ્માર્ટ લાગતી હતી અને જેટલી તે દેખાવમાં રૂપાળી હતી તેટલી જ ભણવામાં પણ હોંશિયાર હતી અને તેટલી જ કામકાજમાં પણ પાવરધી હતી અને તેની કાકાની દીકરી પૂર્વા દેખાવે શ્યામ હતી અને ભણવામાં પણ એટલી હોંશિયાર નહોતી. જૂહીના કાકી રેણુકાબેનનું તેના પ્રત્યે ખૂબજ કડક વલણ રહેતું તે જેમ કહે તેમ જ જૂહીને કરવું પડતું હતું અને ક્યારેક તો જૂહી તેમના કહ્યા પ્રમાણે ન કરે તો જૂહીને માર પણ પડતો હતો. પોતાની કાકીના હાથનો માર ખાઈ ખાઈને જૂહી કોઈપણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર થઈ ગઈ હતી અને મજબૂત પણ બની ગઈ હતી. તેની આ જ જીવનકહાની હતી...અને આ બધીજ વાતો તેની બેસ્ટ ફ્રેન્ડ અંગના સારી રીતે જાણતી હતી એટલે તેની કોઈપણ મુશ્કેલીમાં તે હંમેશા તેને મદદ કરવા માટે તૈયાર રહેતી હતી.પરંતુ હવે જૂહી મોટી થઈ ગઈ હતી અને તે પોતાના પગ ઉપર ઊભી રહેવા માંગતી હતી માટે તેણે એમ બી એ કર્યું પછીથી તરતજ તેણે પોતાને યોગ્ય જોબ શોધવાનું શરૂ કરી દીધું હતું અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવનાર જૂહીને તરતજ જોબ મળી પણ ગઈ હતી પરંતુ પોતે જ્યાં રહેતી હતી ત્યાંથી લગભગ પચાસેક કિલોમીટર દૂર અમદાવાદમાં તેને જોબ મળી હતી એટલે તેણે હોસ્ટેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને આમેય તે પોતાના કાકી રેણુકાબેનના અતિશય ત્રાસથી કંટાળી ગઈ હતી અને તેમનાથી તે દૂર ભાગવા માંગતી હતી અને હવે તેને માનસિક શાંતિ પણ ખૂબ લાગતી હતી કારણકે તે પોતાના પગ ઉપર ઊભી થઈ ગઈ હતી તેને કોઈની પાસે હાથ લાંબો નહોતો કરવો પડતો. જૂહીને બી બી એ અને એમ બી એ ભણાવવાનો તમામ ખર્ચ અંગનાના ડેડીએ ઉઠાવી લીધો હતો પરંતુ જૂહીએ તે પૈસા એક શર્ત સાથે લીધા હતા કે પોતે તે પૈસા કમાઈને ચૂક્તે કરી દેશે અને અંગનાના ડેડીએ તેની આ શર્ત મંજૂર રાખી હતી તેમને પણ પોતાની દીકરી જેવી જૂહી માટે ખૂબજ ગર્વ હતું. અંગના સાથે વાત કરતાં કરતાં જૂહી પોતાની ઓફિસમાં પહોંચી ગઈ અને પોતાના કામમાં પરોવાઈ ગઈ...થોડીવાર પછી ફરીથી તેનાં સેલફોનમાં રીંગ વાગી એટલે તેણે ફોન ઉપાડ્યો...સામેથી અવાજ આવ્યો કે, "હું લવ વાત કરું છું."જૂહી પોતાની સીટ ઉપરથી એકદમ ઉભી થઈ ગઈ અને જરા મોટા અવાજે બોલી ઉઠી કે, "ઓહ, લવ સર તમે પણ તમારી પાસે મારો મોબાઈલ નંબર ક્યાંથી આવ્યો?"લવે તેને વધારે આગળ બોલતાં અટકાવી અને તે બોલ્યો, "દાદુ પાસેથી લીધો""ઓહ યસ, સોરી હં એ તો હું ભૂલી જ ગઈ તમે સર પાસેથી જ લીધો હોય ને આઈ મીન કમલેશસર પાસેથી જ લીધો હોય ને...!!"જૂહીની આ બધી કંટાળાજનક વાતો સાંભળીને લવ જરા અકળાઈ ગયો અને બોલ્યો, "હવે તમે મારી વાત સાંભળશો?""હા સ્યોર સર બોલો સર"લવે શાંતિથી જૂહીને કહ્યું, "તમારી વોટરબોટલ મારી પાસે છે. આપણે એરપોર્ટથી રિટર્ન થયા ત્યારે તમે તે ઓલાકેબમાં જ ભૂલી ગયા હતા એ તો સારું થયું કે મારી નજર પડી અને મેં તે લઈ લીધી.""હા સર મેં તે બહુ શોધી પણ મને મળી નહીં એટલે મને થયું કે ખબર નહીં હવે તે મારાથી ક્યાં ખોવાઈ ગઈ હશે..? પણ થેન્કયુ સર તમે તે યાદ કરીને લઈ લીધી...તે બદલ ... અને આઈ લાઈક ઈટ... એન્ડ અગેઈન થેન્ક્સ સર..." જૂહી નમ્રતાથી લવ સાથે વાત કરી રહી હતી."હવે મારે તે તમને કઈ જગ્યાએ પહોંચાડવાની છે?" લવે તેને પૂછી જ લીધું."સર ત્યાં જ ઓફિસમાં જ રાખશો તો ચાલશે, હું અહીંથી નીકળતી વખતે તે લઈ લઈશ.""ઓકે"અને જૂહીએ ફોન મૂક્યો અને તે વિચારવા લાગી કે હું માનું છું તેવો કઠોર હ્રદયનો આ છોકરો નથી ડાહ્યો અને લાગણીશીલ છે અને તેણે પોતાના ટેબલ ઉપર રાખેલી બોટલમાંથી થોડું પાણી પીધું.જૂહી સાથેની વાત પૂરી થઈ એટલે લવ પોતાનું લેપટોપ ખોલીને બેસી ગયો અને અહીં અમદાવાદમાં જોવાલાયક સ્થળો કયા કયા છે તે સર્ચ કરવા લાગ્યો.તેને આમ કરતાં જોઈને તેનાં દાદુએ તેને ટોક્યો અને કહ્યું કે, "તારે અમદાવાદ જોવું છે ને, આ જૂહી તને લઈ જશે તું એકલો એકલો તો કંટાળી જઈશ બેટા એને સાથે લઈ જજે એટલે તે તને કંપની પણ આપશે અને તને બધું બતાવી પણ દેશે એટલે કે તારી ગાઈડ પણ તે બની જશે."જૂહીનું નામ પડતાં જ લવ જરા ભડક્યો... અને તેને અકળામણ થતી હોય તેમ તે બોલ્યો, "પણ દાદુ એ વગર કામનું એટલું બધું બકબક કરે છે ને કે માથું પકાવી દે છે મારું તો માથું ચડી જાય છે." અને લવની આ વાત સાંભળીને કમલેશભાઈ હસવા લાગ્યા અને બોલ્યા, "એ તો હું તેને કહી દઈશ એટલે તે ચૂપ રહેશે બકબક કરીને તારું માથું નહીં ચડાવે બસ.. અને એક વાત કહું બેટા એ છોકરી બોલે છે ને તેટલું જ છે બાકી ખૂબજ ભોળી છોકરી છે બેટા.""પણ એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી દાદુ?" લવ તેનાથી જરા દૂર રહેવા માંગતો હોય તેમ તેણે પોતાના દાદુને પૂછ્યું....હવે લવ જૂહી સાથે સાઈટ સીન જોવા જવા તૈયાર થાય છે કે નહિ...અને જૂહી પણ તેને કંપની આપવા માટે તૈયાર થાય છે કે પછીથી કોઈ બહાનું કાઢીને કમલેશસરની વાતને ટાળે છે..?તે જોઈએ આપણે આગળના પ્રકરણમાં....~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ 11/5/25