ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 38
શિર્ષક:- બકરું વાઘ બન્યું.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 38."બકરું વાઘ બન્યું."
આ પ્રકરણ શરુ કરવા પહેલાં હું મારા તરફથી કંઈક લખવા માંગું છું. આ પ્રકરણ જ્યારે રજૂ કરવા માટે માહિતિ કૉપી કરી રહી હતી એ જ સમયે સ્વામીજીની જે ટેલીગ્રામ ચેનલ છે એનાં પર જાણવા મળ્યું કે સ્વામીજી આજ રોજ દંતાલી ખાતે એમનાં આશ્રમમાં બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમમાં વ્યસ્ત છે.
અગાઉથી જ આ બાબતે બધાંને જાણ કરવામાં આવે છે. જેમને આ નોટબુક જોઈતી હોય એમણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ માટે એમણે આગલા ધોરણનું પાસ થયાનું વાર્ષિક પરિણામ તેમજ કેટલી નોટબુક જોઈએ છે એની માહિતિ પણ આપવાની હોય છે. આ નોટબુક સરસ પાનાંવાળી તેમજ ફૂલ્સકેપ હોય છે. તમામ નોટબુક બજાર ભાવની સરખામણીએ ખૂબ જ નજીવા દરે આપવામાં આવે છે, જેથી ગરીબ વર્ગનાં બાળકો પણ એને લઈ શકે.
જરૂરિયાત કરતાં થોડા વધારે પ્રમાણમાં નોટબુક ત્યાં આવે છે. આ નોટબુક વિતરણ સતત પંદર દિવસ સુધી અથવા તો નોટબુકનો સ્ટોક હોય ત્યાં સુધી આપવામાં આવે છે. જેમણે અગાઉથી નામ નોંધાવ્યું હોય એમને પહેલાં વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ જો વધી હોય તો અન્યોને લેવા આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
કુંભમેળો પૂરો થઈ ગયા પછી પણ હું ત્યાં રહી ગયો હતો તથા ફરીથી અધ્યયન કરવા લાગ્યો હતો. હરિભજનદાસજી કોઈ કોઈ વાર મળતા. તે પણ લઘુકૌમુદી ભણતા. પણ તેમની ભણવામાં ખાસ પ્રગતિ થતી નહિ, હા ભજનમાં તેઓ ખૂબ ધ્યાન આપતા.
પંદર-વીસ દિવસ થયા હશે અને પેલો છોકરો પાછો આવી ગયો. તે ફરી ભાગી છૂટ્યો હતો. હવે તેણે રેલવે તથા બહારની દુનિયા જોઈ હતી. એટલે ખૂબ માર ખાધા પછી એક દિવસ ફરી પાછી હિંમત કરીને તે છટક્યો હતો. તેને જોતાં જ મને આનંદ થયો, પણ ફાળ પણ પડી. હું જાણતો હતો કે નાગાજીના પગ વાગી રહ્યા છે. મેં તેને સમજાવીને તરત જ પંજાબ તરફ રવાના કર્યો, જ્યાં પેલા વિદ્વાન સંત રહેતા હતા. ત્યાં જઈને ચુપચાપ સમય પસાર કરવા જણાવ્યુ.
મારી ધારણા સાચી નીકળી. તેના ગયા પછી બીજા જ દિવસે લાલઘૂમ આંખોવાળા નાગાજી આવી પહોંચ્યા. અમે સૌએ અનભિન્નતા બતાવી. તે સૂંઘતા સૂંઘતા ગયા પણ કેટલાય દિવસ સુધી પોલીસ જેમ છાપો મારે તેમ ઓચિંતાના આવી પહોંચતા અને નિરાશ થઈને પાછા જતા. અંતે તે હાર્યાં, થાક્યા અને પીછો પડતો મૂકી ચાલ્યા ગયા.
દોઢ-બે વર્ષે જ્યારે પેલો છોકરો જોવા મળ્યો ત્યારે હું તેને ઓળખી પણ ન શક્યો. ખૂબ ખાઈ-પીને પહેલવાન જેવો થઈ ગયો હતો. પંજાબનાં દૂધ, માખણ અને ઘી તેને ફાવી ગયાં હતાં. શરીરની સાથે તેનો માનસિક તથા બૌદ્ધિક વિકાસ પણ થયો હતો. હવે તે ગભરુ રહ્યો ન હતો. તેનું પરિણામ જોઈને મને ખૂબ આનંદ થયો.
ફરી એકાદ વાર પેલા નાગાજી આવી પહોંચ્યા ત્યારે આ છોકરો સિંહની માફક તેમના પર તૂટી પડ્યો, ‘સાલે જાન સે માર દૂંગા, ક્યા સમજતે હો ? નાગાજી સમજી ગયા, હવે કેસ હાથમાં નથી. એક તો આ છોકરો આવશે નહિ અને કદાચ આવશે તો કોઈ વાર મારું જ ગળું દબાવી દેશે. ગુરુ-શિષ્ય વચ્ચેની આત્મીયતા તો ક્યારેય હતી જ નહિ. ત્રાસ, જુલમ કરીને કોઈ કોઈના ૫૨ કેટલા દિવસ રાજ્ય કરી શકે ? આતતાયીઓનો ઇતિહાસ બતાવે છે કે અંતે તેમને કમોતે મરવું પડતું હોય છે.
નાગાજી નીચું માથું કરીને ચુપચાપ ચાલ્યા ગયા. અમને શાંતિ થઈ.
પાછળથી આ છોકરો આચાર્ય સુધી ભણીને એમ.એ. થયો અને પ્રોફેસરની નોકરી કરી ગૃહસ્થાશ્રમી થયો.
આભાર
સ્નેહલ જાની