makan na naam in Gujarati Comedy stories by SUNIL ANJARIA books and stories PDF | મકાન નાં નામ

Featured Books
Categories
Share

મકાન નાં નામ

મકાનનાં નામ

સહુને એક સપનું હોય જ છે, "મારે પણ એક ઘર હોય." સિવાય કે મકાનમાલિકની પ્રોપર્ટી પર  કબ્જો જમાવી બેસી જવાનું સ્વપ્ન હોય. મોટા શહેરમાં સારા લોકેશન પર  ઘર હોય તો હોમલોનના હપ્તા ભરવા કરતાં  એવું સ્વપ્ન ઘણાને વધુ સારું લાગે છે.

હવે તાણીતુસીને  ઘર તો બનાવ્યું, વહાલા સંતાનની જેમ વહાલા ઘરને નામ આપવાની ઘણાને ઈચ્છા થાય છે. છેલ્લાં ત્રીસેક વર્ષથી લોકો ફ્લેટમાં રહેવા માંડયા છે. ફ્લેટને નામ આપો એ કેવું લાગે? એક ફ્લેટ બીજે માળે બહારથી લીલો રંગી બાલ્કની ઉપર ‘સીતા નિવાસ’ લખ્યું હોય, નીચે ગ્રાઉન્ડફ્લોર પર ગુલાબી ચૂનો લગાવી ‘રાંદલકૃપા’ અને ત્રીજે માળે  પિલ્લર પર ચોકઠાની ડિઝાઇન કરી ઉભા અક્ષરે ‘સ્નેહવિલાસ’ લખ્યું હોય એ વિચારી શકો છો કેવું લાગે? એટલે મનમાં ખુબ ઈચ્છા હોય તો પણ કોઈ મકાન સ્વતંત્ર હોય એ સિવાય નામ આપી શકાતાં  નથી. ફ્લેટની બાલ્કની આમેય હોય અઢી ફૂટ ઊંચી પાળની ને ચાર ફૂટ પહોળી. એમાં “વસંત તાલિકા વિહાર” જેવું નામ લખવા માટે બાલ્કની લંબાવવી પડે ને બાજુવાળાની બાલ્કનીને અડી બે અક્ષર એના ઘર પર આવે! ને લોખંડની પટ્ટીઓની રેલિંગ હોય તો? પુંઠું થોડું લગાવાય છે? 

મોટી વૈભવી વસાહતોના નામ તો એ લોકો જ ફેશનેબલ ગોતીને એવાં તો પાડે છે.. સમજાય નહીં એવા અંગ્રેજી શબ્દો. ફાઈવસ્ટાર હોટલ પણ શરમાઈને  રીસેપ્શન લાલ રંગી દે એવાં. ઓફિસમાં પૂછવા તો જવાય નહીં કે આ નામનો શો અર્થ છે! એના ફાંકડા ઉચ્ચારમાં ખોટું અંગ્રેજી બોલતાં  સ્ટાફને કે ખુદ બિલ્ડરને જ ખબર ન હોય કે આ નામનો અર્થ  શું   છે  અને કોણે એ ગોત્યુ.

ત્રણ દસકા પહેલાં સુધી રસ્તે જતાં  મકાનનાં  નામ વાંચી ખુશ થતો ને કઈં કઈં વિચારતો. મોટે ભાગે નામ ભગવાનનાં  જ હોય. મકાન એના માલિકની ઓળખાણ આપી દે. ખોડિયારકૃપા, જોગણી નિવાસ, રામદેવ કૃપા (સિવાય કોઈ યોગાચાર્ય રામદેવે શીખવેલા આસનોના ક્લાસ ચલાવી મકાન કરવા જેટલું  કમાયો હોય) એ નામ વાળાં મકાન લગભગ કારીગર વર્ગે પેટે પાટા બાંધી કરેલાં  હોય.

પરિતોષ, પ્રવર્તન, ઉન્મેષકર , જન્મેજય,  પ્રશાન્તિનીલયમ, નિશાંત, ઈશાવાસ્યમ, ઉત્તુંગ લહર (આ સાચે જ નામો છે) નાગરપણાની જાહેરાત કરે છે. અમે બીજાથી જુદા કેમ ન પડીએ? અમારા સિવાય કોઈને સૂઝે તો નહિ, સમજાય પણ  નહીં  એવા નામ જોઈએ. સમજ્યા?

પરિશ્રમ  એક સામાન્ય નામ છે. બિચારા માલિકે પાઈ પૈસો એકઠો કરી, હોમ લોનના હપ્તા બેવડ વળી જાય ત્યાં સુધી ભરી મકાન બનાવ્યું હોય. પણ પરિશ્રમ નામ એવું પણ વિચારવા પ્રેરે છે જાણે  મકાનમાલિકે એક એક ઈંટ પોતે ઊંચકી હોય ને માલિકણે  સિમેન્ટ પૂર્યો હોય.

માતૃકૃપા, પિતૃ કૃપા તો અગણિત જોયાં છે. કોઈ 'લેણદાર કૃપા', 'ભાગીદાર કૃપા', 'મકાનમાલિક કૃપા' થઇ હોય તો પણ રાખતું નથી. એક બ્રોકરે “શેરમાન” નામ રાખેલું. ખરેખર “શેર માં“ હતું. એ શેરમાં એટલું કમાયો કે એમાંથી મકાન કરેલું અને એની એ  છાપરે, નહીંતો અગાશી પર ચડી (પગ લપસી ન પડે એની તકેદારી રાખી) જાહેરાત કરતો હતો. 

કોઈ બેન્ક અધિકારી ભૂલથી પણ બેંકમાન ન રાખી શકે. લોન લીધી હોય તો પણ લોકો માને કે બેંકમાં માલીયાઓ સાથે મળી ગયા હશે કે ‘ગ્રાહક કૃપા’ હશે. વિજિલન્સવાળા ચા પીવા દોડી આવે. 

હા, સસરાએ દહેજ આપ્યું હોય કે મકાન માટે ટેકો આપ્યો હોય તો કોઈ  એ મકાનનું નામ ‘સ્વસુર કૃપા' કે ‘દહેજ’ રાખે ખરું? રાખવું જોઈએ. ‘વારસો’ કેવું રહે?( વેલ્ધ ટેક્સ વાળા સિવાય) .

'દિવ્યા નિવાસ', 'સરલા સદન' ‘મનીષા મેન્શન’, ‘કૃપા’ - અર્ધાંગિની પર બહુ જ માન  ને વાત્સલ્ય હોય કે ઓર્ડર હોય  - “મારું  નામ જ રાખોને ?“ આમેય ગૃહરાજ્ઞિ  એ જ છે ને? ‘પિયાકા ઘર હે યે રાની  હું મેં ઘર કી’ એવું ફિલ્મી ગીત છે પણ એમાં પિયાનું ઘર છે એટલે પિયો હપ્તો ભરી તૂટી જાય છે અને રાની પોતે એટલે તેનું જ ચાલે છે એ સાબિત થાય.

 'ઘર શીતલ  સુધીર કા' એવી તકતીઓ તો ઘર બહાર હોય છે. બેયના ગ્રહ ને બદલે કે  ગ્રહો સાથે નામ મેચ થતાં હોય તો રખાય. ‘શીતલ સમીર’ કે ‘રવિ ઉષ્મા’. પણ ‘મંગી  પશો’ કેવું લાગે? ‘મિલિન્દ પુષ્પા’ હોય તો ભાઈ લોહી પીવે છે એ જાહેર થઇ જાય. 

આબોદાના, આશિયાના, બાગ એ ફિરદોષ, જન્નત, આસ્મા મંઝિલ - એ વાંચતા જ મુસ્લિમ બિરાદરોના વિસ્તારમાં છીએ એની ખાતરી થઇ જાય. એમાં એક મકાનનું નામ હતું ‘ગરીબ નવાઝ’. ઉપર ઝરૂખાની ધાર પરથી વરસાદથી કે કોઈ રીતે ઝ ધોવાઈ ગયેલો. લોકોને થાય  નવા ગરીબ? તો પહેલાં અમીર હતા? કેમ કરતા આવું થયું હશે?

બાકી પરશોત્તમ નિવાસ, રમેશ ભુવન (શાબાશ રમેશભાઈ. એ નામની તકતી મેં ગુજરાતીમાં મસ્કત શહેર, ઓમાન દેશમાં જોયેલી!), સુરેશ નિવાસ, દિવ્યા નિવાસ  એ બધા માટે નેઈમપ્લેટનો ખર્ચો ન કરવો પડે.’મેરા નામ હી મેરા મકાન હૈ’ 

રાજકોટમાં શૈશવમાં એક મકાનનું નામ પરસાણા નિવાસ ‘ જોઈ મેં પૂછેલું- “આહા, અહીં  52 શાણા  રહે છે?”

મારા બોપલમાં એક મકાનનું નામ સ્માર્ટ સદન  છે. ત્યાં રહેતા બધા જ ખુબ સ્માર્ટ હશે પણ આ જાહેરાત બહાર કરવાનું પ્રયોજન અંદર જઈ પૂછવા વિચાર્યું, પણ સ્માર્ટ સીસ્ટિમો સીસી ટીવીમાં મને જોઈ, સ્માર્ટ સાધનથી મારી ગળચી પકડી લે કે સ્માર્ટ રીતે મને કરંટ આપે તો? એટલે એમને પૂછવાનું માંડી વાળ્યું.

અમુક વિસ્તારમાં એક સરખાં  નામ વાળાં  એટલા તો મકાનો હોય છે કે  કોનું કયું એ માટે  બાજુના મકાનનું નામ આપવું પડતું. “ખોડિયારકૃપા, રામકૃપાની બાજુમાં”. હવે ખોડીયારકૃપા પણ બે હોય અને રામકૃપા પણ બે હોય તો? તો એક લખે ‘મુકાભાઈની કીટલીસામે‘ ને બીજો ‘જય અંબે સાઇકલ રીપેર સામે’.

ખરેખર એવું થયેલું. રાજકોટમાં હું બેંકમાં. ભક્તિનગરની કોઈ શેરીમાં કોઈ લોનના પૈસા ન ભરતો માણસ હતો. સરનામું “શેરી નં. 25, ખોડિયાર કૃપા”.  ત્યાં દર પાંચ મકાને એક ખોડિયાર કૃપા હતું. “કયે ઠામે આપવી કંકોતરી (લીગલ નોટિસ). ને જે ખોડિયારકૃપામાં જઈ પૂછીએ કે ... ભાઈ અહીં રહે છે? ના જ પાડે. પહેલાં  પૂછી લે “શું કામ છે?”  ન કહેવાય, ન સહેવાય! “ક્યાંથી આવો છો?” કામ ન કહીએ પણ નામ બેન્કનું કહી આઈ કાર્ડ બતાવવું તો પડે. ખલ્લાસ. ઢૂંઢતે રહ જાઓગે!

 બિચારા પોસ્ટમેનને એ પોસ્ટકાર્ડ કે બહુ બહુ તો ઇનલેન્ડ પત્રોના જમાનામાં સરખાં  નામ વાળાં  મકાનોમાં ગોતવાની બહુ તકલીફ પડતી.

હવે તો મકાનને નામ નથી હોતાં,  નંબર પણ નથી લખાતા. જરૂર જ નથી પડતી. પત્રની જગાએ ઇમેઇલ, વૉટ્સએપ, ફેસબુકથી વ્યવહાર ચાલે છે  અને દરેકના હાથમાં મોબાઈલ હોય છે.

સોસાયટીનાં  નામ ફેશનેબલ પડે એટલે સહુ કવાયત કરતા. એમાં ઝગડા પણ ખરા.   સોસાયટીના બિલ્ડરે પાડેલાં  નામ ક્યારેક ન પણ ગમે. કાંતિલાલ પાર્ક, છગનકાકા પાર્ક, કાળિયા સોસાયટી (સાચે. મૂળ નામ કાલિય  કે કલિય હતું. રહેવાસીઓ પોતાને કાળા  કહેવામાં શરમ તો અનુભવે જ ને?)

ગમે તે કરો, એક દિવસ  માટીની બનેલી ઈંટોથી બનેલું એ મકાન માટીમાં મળી જવાનું છે. મકાનમાલિક પણ માટીમાં મળી જશે. જેટલો વખત સુંદર નામો રાખે, આપણે વાંચીએ અને ઝરૂખે બેઠેલો કે હિંચકે હિંચકતો માલિક જોઈ એને આશિષ આપીએ કે જ્યાં સુધી તું રહે, તારા મકાનનું નામ રહે.

એક વાત યાદ કરી હસ્યા વિના રહેવાતું નથી. એક બોર્ડ જોયેલું ‘સવાસો વર્ષ જુના ભાડવાતની ચાલી’!! ભાડુઆત એટલું જીવ્યો કે ચાલી?

મકાનની બહાર ‘વોડાફોન કે યુ બ્રોડબેન્ડ ના સૌજન્યથી’ કે ‘દરવાજા પાસે વાહન મૂકવું નહીં‘ લખ્યું હોય તો ગનીમત પણ ‘કુતરાથી સાવધ રહો’ કે ‘અજાણ્યાએ બેલ મારવી નહીં’ જેવું વાંચવું આંખોને નથી ગમતું. હવે કૂતરાઓની પણ જરૂર નથી. ઇલેક્ટ્રીક  એલાર્મો છે. સીસી ટીવી છે. 

કોઈને પોતાનું નામ પણ આડોશી પાડોશીને જણાવવામાં રસ નથી તો વર્લ્ડ એટ લાર્જ ને ક્યાં જણાવે? પોતાનું સ્વતંત્ર એકલું અટુલું મકાન તો હવે વાર્તામાંએ નથી આવતું. બસ ઘર નં. થી સંતોષ માનો. હવે તો એ નંબર પણ નથી હોતો. આવનારા તો છતાં પણ આવી જ જાય છે. એમને આવકારીએ.

દુલા કાગએ  ગાયું છે “તારે આંગણિયે  કોઈ આવે રે તો આવકાર મીઠો આપજે રે, માનવી પાસે માનવી આવે આવકાર મીઠો આપજે રે” 

નામ તો નામશેષ થઇ જશે, રહેશે મધુર યાદો.

-સુનીલ  અંજારીયા