"નયન ક્યુ ગીત સાંભળે છે ? મને પણ સંભળાવ ને....!"
નયને એક એના કાનમાં થી એક ઈયરફોન એને આપ્યું. એણે એ કાન માં મૂક્યું કે એના કાને આશાજી અને રફી સાહેબના ગીત ના શબ્દો પડ્યા
અભી ના જાઓ છોડકર.... કે દિલ અભી ભરા નહીં...
એ સાંભળતાની સાથે એની આંખો જાણે ભીની થઈ ગઈ...
***
આ વાર્તા છે આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાની જ્યારે કિપેડ મોબાઈલનો સમય હતો. એ સમયનું એક નાનકડું ગામ અને એ ગામની એક
સરકારી શાળા જ્યાં આજે દશમાં ધોરણના ક્લાસનો છેલ્લો દિવસ હતો. કારણ કે કાલથી એ લોકોની બોર્ડની પરિક્ષાઓ શરૂ થવાની હતી. કાલથી એ લોકોનો રિડિંગ ટાઈમ શરૂ થવાનો હતો. આપણે આ બધી વાતોને સાઈડમાં મૂકી વાર્તા પર આવીએ તો વાર્તાના મુખ્ય પાત્રો છે નયન અને નેહા
નયન અને નેહા બન્ને એકબીજાના ખાસ દોસ્ત છેક પ્રાઈમરી સ્કૂલના ત્રીજા ધોરણથી શરૂ થયેલી એમની દોસ્તી આજે છેક હાઇસ્કુલ સુધી પહોંચી. બન્ને જાણે એકબીજા વિના એકપળ પણ રહી ના શકતા હોય એમ... શાળામાં આખો દિવસ સાથે વિતાવતા ને શાળા એથી છૂટ્યા બાદ ઘરે પણ લેશન કરવાના બહાને ક્યારેક નેહા નયનને ઘરે તો ક્યારેક નયન નેહા ના ઘરે પહોચી જ જતો. બન્ને હસતાં રમતાં, મજાક મસ્તીમાં ખાસો એવો સમય સાથે ગાળતા...
આમ તો નેહા ના પપ્પા જયદેવભાઈ બહુ કડક સ્વભાવના એમને જરાયના ગમતું નયનનું આ રીતે નેહાની આસપાસ સતત ફરવું એમને લાગતું કે જ્યાં સુધી આ છોકરો છે નેહાની જિંદગીમાં નેહા કદી વ્યવસ્થિત ભણી નહીં શકે... એમણે તો એક બે વાર નિર્ણય પણ બનાવી લીધેલો નેહા ને ભણવા માટે એની ફોઈને ત્યાં મોકલવાનો પણ નેહાના એંશી વર્ષના દાદી એના આ નિર્ણયના સખત વિરોધમાં ઉભા રહેતા.
"જયદેવ તું કંઈપણ કરી લે પણ મારી નેહલી ને હું મારાથી દૂર તો નહીં જ જવા દવ એ ભણશે તો અહીં જ મારી આંખ સામે... "
નેહા એના દાદીની લાડલી હતી. એની મમ્મીના સ્વર્ગવાસ બાદ એક દાદી જ હતી જેણે એને કદી માં ની કમી મહેસુસ ના થવા દીધી. રોજ રાત્રે નેહા દાદીમા પાસે અવનવી વાર્તાઓ સાંભળતી ને એના ખોળામાં જ માથું મૂકી ક્યારે સુઈ જતી એની દાદી ને પણ ખબર ના રહેતી.
આમ તો નેહાના દાદીમાં ને પણ નયન બહુ ગમતો એણે તો નયનની મમ્મી શોભના ને કહી પણ રાખેલું
"જો શોભી, મારી નેહલી વહુ બનશે તો આજ ઘરની અત્યારથી કહી રાખું છું યાદ રાખજે.... જતા પહેલા હું નયન અને નેહાને પતિ પત્ની બનતા જોવા માંગુ છું."
દાદીની વાત પર શોભનાબેન હસી પડતા
"શુ બા તમે પણ...! અરે હજુ બાળકો છે એ... પહેલા એને મોટા તો થવા દો..."
****
નયને જ્યારે નવમું પાસ કર્યું એના પપ્પાએ એને કિપેડ ફોન લઈ આપેલો એ વખતે એણે એને એ પણ કહ્યું હતું કે જો બેટા તે આ જ રીતે સારા માર્કે દશમુ પણ પાસ કર્યું તો તને લેટેસ્ટ ટચ સ્ક્રીન મોબાઈલ લઈ આપીશ.
નયન માટે બસ આજ સાચું મોટિવેશન હતું કેમ કે એની આખી શેરીમાં કોઈ પાસે ટચ સ્ક્રીન ફોન નોહતા જો એણે આજ રીતે સારા માર્કે દશમુ પાસ કર્યું તો નવા ટચ સ્ક્રીન ફોન સાથે ભાઈ નો શેરીમાં વટ પડી જશે.
પણ એને દશમાં ધોરણમાં આવવાની હજુ વાર હતી. એટલે ત્યાં સુધી એને એજ કિપેડ ફોનથી કામ ચલાવવાનું હતું. આમ તો એ સમયે કિપેડ ફોન પણ ભાગ્યે જ કોઈ પાસે હતા. એમાં પણ બાળકોમાં તો નયન કદાચ એકલો હશે જેની પાસે પહેલો કિપેડ ફોન આવ્યો.
નયન રોજ સાંજે છતની પાળીએ બેસી ગીતો સાંભળતો... અને એક દિવસ કોઈ કામથી નેહા એને બોલાવવા ઉપર છત પર આવી. અને નયને એની સાથે પોતાના ઈયરફોન શેર કર્યા... છતની પાળીએ બેસી બન્ને કલાકો સુધી અવનવા ફિલ્મી ગીતો સાંભળતા રહ્યા.
પછી તો આ રીતે રોજ સાંજે છત પર ગીતો સાંભળવા એ એમની દિનચર્યાનો એક ભાગ જ બની ગયો. સાંજે સ્કૂલથી આવતા જ ખૂણામાં બેગ ફેંકી યુનિફોર્મમાં જ એ ઉપર છત પર ભાગતો.
એની જેમ નેહા પણ યુનિફોર્મમાં જ સીધી છત પર દોડી આવતી. બન્ને ઈયરફોન શેર કરતા ને.... અવનવા ફિલ્મી ગીતો સાંભળતા અને વાતોના ગપ્પાટા મારતા.
એક દિવસ એ બન્ને કાનમાં ઈયરફોન લગાવી છતની પાળી પર બેઠા હતા ને ત્યાં જ... અચાનક નેહાના પપ્પા આવી ગયા...
"નેહા....!"
એના પપ્પાનો અવાજ સાંભળતા જ નેહા ફફડી ઉઠી. નયન પણ ડરી ગયો.
"તું અહીંયા ભણવાના બહાને આ નાલાયક સાથે ગીતો સાંભળવા આવે છે.!" એમ કહી એ નેહા ની પાસે આવ્યા.
નેહા હજુ પોતાની સફાઈમાં કઈ કહે એ પહેલા જ એના પપ્પા એનો હાથ પકડી એને ખેંચી જવા લાગ્યા.
એને રોકવા માટે નયન પાળી પરથી નીચે ઉતર્યો કે એજ ક્ષણે....
એજ સમયે ઈયરફોન નો વાયર ખેંચાવાથી એની પિન નીકળી ગઈ મોબાઈલ માં વાગતું ગીત મોટા અવાજમાં વાગવા લાગ્યું.
'અભી ના જાઓ છોડકર....એ દિલ અભી ભરા નહીં....'
નેહા ના પપ્પા એનો હાથ ખેંચી એને લઈ જઈ રહ્યા હતા ને નયન એની પાછળ દોડી રહ્યો હતો... "અંકલ... અંકલ.... ને... નેહા..."
ને એની પાછળ પાળી પર પડેલ મોબાઇલ ફોનમાં ગીત વાગી રહ્યું હતું.
'અભી ના જાઓ છોડકર... એ દિલ....'
"નેહા તું નીચે ચાલ.... આજ પછી તારું ઉપર જવાનું એ નાલાયક ને મળવાનું બધું જ બંધ...."
એમ કહી નેહા ના પપ્પા એને છેક નીચે પહેલા માળે લઈ ગયા નયન ભાગતો નીચે પહોંચ્યો ત્યાં સુધીમાં તો એના પપ્પા એ અંદરથી ઘરનો મેઈન દરવાજો બંધ પણ કરી દીધો.
****
ના... ના, આ એમની છેલ્લી મુલાકત નોહતી. કહાની હજુ બાકી છે.... એ દિવસે પપ્પાની માર પછી નેહા એ નયનને મળવાનું છોડી દીધું. ઘરની આજુબાજુ તો દૂર એ ક્લાસમાં પણ એનાથી દૂર દૂર ફરતી નયન એને મળવાનો પ્રયત્ન કરતો એની જોડે વાત કરવાની કોશિશ કરતો એ જાણે રસ્તો જ બદલી કાઢતી....
"નેહા.... નેહા કેમ આવું કરે છે... તને ખબર છે ને આપણે કેટલા જુના દોસ્ત છિએ તું તારા દોસ્ત સાથે આવુ કરવાની...!"
નેહા એ નયન ની કોઈ વાતનો જવાબ ન આપ્યો. એ બસ ચુપચાપ ત્યાંથી જવા લાગી.
"નેહા શુ થયું મને કહીશ.... અંકલે કઈ કહ્યું તને ? "
એના આ સવાલ પર નેહાએ એની સામે આવી કહ્યું.
"હા, પપ્પાએ કહ્યું છે કે બોર્ડની પરિક્ષા આવી રહી છે. એટલે મારે ભણવામાં ધ્યાન આપવુ જોઈએ આમ તારા ચક્કરમાં રહીશ તો આ જનમમાં તો ક્યારેય પાસ નહીં થવું."
નેહાની આ વાત નયનનાં હૃદયને જાણે કંટાની જેમ ચુભી.
એ બસ એટલું જ બોલ્યો "ઠીક છે. તો આજ પછી હું તને ક્યારેય નહીં મળું...."
એમ કહી એ ત્યાંથી એને પીઠ બતાવી જવા લાગ્યો. ભીની આંખે નેહા બસ એને જોઈ રહી... એના હૃદયના કોઈ એક ખૂણો જાણે એને રોકતા કહી રહ્યો હતો.
'અભી ના જાઓ છોડકર.... એ દિલ અભી ભરા નહીં...'
****
એજ દિવસે નયને સ્કૂલ છોડી દીધી અને પોતાના મામા ને ત્યાં સુરત રહેવા જતો રહ્યો. આમ તો બહુ ગુસ્સો હતો એને નેહા પર અને એટલે જ એકવાર પણ એણે નેહાને મળવાનો વિચાર પણ ના કર્યો.
નેહા ને જ્યારે ખબર પડી કે નયન સુરત જાય છે એ ખુલ્લે પગે દોડતી આવી એને રોકવા માટે પણ ત્યાં સુધીમાં નયન બસમાં બેસી ગયો હતો.
ગામડાની એ સરકારી બસ ચાલુ થઈ.... અને નેહા ખુલ્લે પગે એની પાછળ ક્યાંય સુધી
"નયન.... નય....ન પ્લીઝ.... રોકાઈજા ને....ન..." ની બુમો પાડતી એને બોલાવતી રહી.... આખરે પોતાની આંખ સામે જ શહેર જતી બસને ઓઝલ થતી જોઈ નેહા ત્યાં જ ગામની એ પાકી સડક પર બેસી ફસડાઈ પડી...
'અભી ના જાઓ છોડકર.... એ દિલ અભી ભરા નહીં...'
જ્યારે બીજી તરફ બસમાં નયન વિન્ડો સીટ પર આરામ થી બેઠો હતો. એના બન્ને કાનમાં ઈયરફોન હતા. અને એની આંખોમાં ભીનાશ હતી. મન તો એનુય નોહતું કે એ એની દોસ્ત નેહા ને છોડીને જાય પણ એ જઈ રહ્યો હતો.
****
સમયચક્ર ફર્યું ને બોર્ડની પરિક્ષા પણ આવી ગઈ... દશમાં ધોરણનો કલાસ જેનો આજે શાળામાં છેલ્લો દિવસ હતો. બધાના ચહેરા ઉદાસ હતા. અને એ ઉદાસ ચહેરામાં એક ચહેરો નેહા નો પણ હતો.
થોડીવાર પછી નેહા પોતાની બેન્ચ પરથી ઉભી થઈ ચુપચાપ ક્લાસરૂમની બહાર નીકળી સ્કૂલની પાછળ આવેલા એક ગાર્ડનમાં એક બાંકડામાં પર બેસી ગઈ..
આ એજ ગાર્ડનનો એજ બાંકડો હતો. જ્યાં એ બન્ને રોજ પોતાનું ટિફિન શેર કરતા. આજે નયન વિના એને આ શાળા, આ શાળાનું પાછળનું ગાર્ડન આ લાકડાનો બાંકડો બધું જ સુનું લાગી રહ્યું હતું.
એને મન સતત થતું કાશ આજે નયન પણ અહીં હોત તો કેટલું સારું હોત.
'નયન.... ક્યાં છે તું.... પ્લીઝ આવી જા પાછો.... તારી બેસ્ટફ્રેન્ડ તારા વિના અધૂરી છે પ્લીઝ જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.... ક્યાંથી આવે એ મેં જ તો એને આ રીતે જવા મજબુર કર્યો... કાશ એ દિવસે મેં એને એ બધું ના કહ્યું હોત તો એ આજે....' આમ મનોમન એ પોતાની જાત ને કોસી રહી હતી કે ત્યાં જ...
પાછળથી આવી કોઈએ એની પીઠ પર ધબ્બો માર્યો એ અચાનક ડરી ગઈ ને એણે પાછળ ફરી જોયું તો નયન એની આંખ સામે ઉભો હતો. એ ઉભી થઈ એજ ક્ષણે એને વળગી પડી....
નયનની છાતી પર હળવેથી મુકા મારતા એ ફરિયાદી લયમાં એને ખિજાતા બોલી
"નયન... લુચ્ચા તું મને છોડી ને જતો રહ્યો તને મારી જરાય યાદ ન આવી... તું મને મૂકી ને આમ જઈ જ કેમ શકે બોલ.... બોલ..."
"અરે.... અરે નેહું...., હું શાળા છોડીને નોહતો ગયો. બસ થોડા દિવસ માટે મામાને ત્યાં પરિક્ષાની તૈયારી માટે ગયેલો. જેથી કરીને આપણે બન્ને પરિક્ષામાં ધ્યાન આપી શકીએ. અંકલ ને એવું ના લાગે કે મારા કારણે તારા રિજલ્ટ પર અસર થઈ રહી છે."
"એ જે હોય એ પણ મને આ જરાય ના ગમ્યું... તું મને કહ્યા વીના આમ જ નીકળી ગયો.... ખબર છે તારા વિના મને... અહીં..."
એ હજુ આગળ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ નયને એના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી.
"તે કહ્યું હતું ને અભી ના જાઓ છોડકર... એ દિલ અભી ભરા નહી... લે હું આવી ગયો તારી પાસે..."
નેહા એ ભીની આંખે એની આંખોમાં જોતા કહ્યું 'ફરી ક્યારેય નહીં જાય ને ?"
"ના ક્યારેય નહીં.... સાથે પરિક્ષા આપીશું પાસ થઈશું ને આગળ પણ છેક કોલેજ સુધી સાથે રહીશું."
નયન ની વાત પર નેહા એ શિકાયતી લયમાં પૂછ્યું
"બસ કોલેજ સુધી જ....!"
નયન એની વાત પર હસ્યો
"હાસ્તો એ પછી તારા નખરા જેલવાની તાકાત મારામાં નહીં"
એને હસતો જોઈ નેહા એ ગુસ્સામાં આંખો બતાવી.
"શુ કહ્યું તે.... ઉભો રે... નયન એનો હાથ છોડાવી ભાગ્યો.... નેહા એને પકડવા પાછળ દોડી..."
એને ચીડવતો નયન પોતાની જ મસ્તીમાં ક્યારે રસ્તા પર જઈ ચડ્યો એને પણ ખ્યાલ ન રહ્યો ને એજ ક્ષણે એક ટ્રકે અચાનક એને ટક્કર મારી... અને એ હવામાં ફંગોળાઈ દૂર પડ્યો...
"નય.....ન......" નેહાની એ કારમી ચીસ જાણે હવામાં ગુંજી ઉઠી.
એજ ત્યાંજ ફસડાઈ પડી... એની આંખ સામે જ... રસ્તાની વચ્ચોવચ નયનનું લોહીથી ખરડાયેલું એ બેજાન શરીર પડ્યું હતું....
અભી ના જાઓ છોડકર..... એ દિલ અભી ભરા નહીં...
સમાપ્ત