Bhagvat Rahsya - 284 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 284

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 284

ભાગવત રહસ્ય -૨૮૪

 

યશોદાજી,આજે લાલાને ખાંડણીયા સાથે દોરડાથી બાંધવા લાગ્યા છે.મહાત્માઓ આ દ્રશ્યની કલ્પના પણ કરી શકતા નથી,તેમને પણ યશોદાજી પર થોડો આવેશ આવ્યો છે અને યશોદાજી માટે લખે છે-કે-“આજે એક સાધારણ ગોવાલણ મારા પ્રભુને (મારા લાલાને) બાંધે છે” યશોદા દોરીથી શ્રીકૃષ્ણ ને બાંધવાનો પ્રયત્ન કરે છે,પણ જે દોરીથી તે બાંધે છે તે બે આંગળ ઓછી પડી,તે પહેલી દોરી સાથે બીજી દોરી જોડી તો તે પણ બે આંગળ ઓછી પડી.ત્રીજી દોરી જોડી,તો પણ તેવું જ થયું.ગોપીઓ યશોદાને કહે છે-કે- મા ગમે તે કર પણ લાલાના ભાગ્યમાં બંધન લખ્યું નથી,તે તો અમને સંસારના બંધનમાંથી છોડાવવા આવ્યો છે.

 

કેટલાક મહાત્મા ઓ કહે છે કે-દોરીને શ્રીકૃષ્ણ નો સ્પર્શ થયો એટલે દોરીનો સ્વભાવ બદલાયો છે.તેનો બાંધવાનો સ્વભાવ છૂટી ગયો. દોરી પોતે મુક્ત થઇ પછી તે હવે બીજા ને કેવી રીતે બાંધી શકે ? દોરી ને શ્રીકૃષ્ણના કોમળ અંગની દયા આવી છે.દયાને લીધે દોરી બંધાતી નથી.

ભક્તો કહે છે કે-દોરીમાં પરમાત્માની ઐશ્વર્ય શક્તિએ પ્રવેશ કર્યો છે.ઈશ્વર જ્યાં જાય ત્યાં ઐશ્વર્ય શક્તિ સાથે આવે છે. ઐશ્વર્ય શક્તિ પરમાત્માને પોતાનો સ્વામી (ધણી) માને છે.

 

યશોદાની વાત્સલ્ય ભક્તિ છે.”મારો દીકરો છે,હું તેને બાંધીશ”

જયારે ઐશ્વર્ય શક્તિ કહે છે કે-હું મારા ધણીને બાંધવા નહિ દઉં. બંને વચ્ચેનો આ મધુર ઝગડો છે.

પ્રભુ એ (લાલાએ) ઐશ્વર્ય શક્તિને હુકમ કર્યો કે –“ગોકુલમાં હું ઈશ્વર નથી,ગોકુલમાં હું યશોદાનો બાળક છું.દ્વારકા આવીશ ત્યારે તારો ધણી થઇને હું આવીશ.દ્વારકામાં હું રાજાધિરાજ છું,માટે અહીંથી તું જા.

મા ની ઈચ્છા મને બાંધવાની છે તો તે ભલે મને બાંધે.વ્રજમાં તારે આવવાની જરૂર નથી.”

ઐશ્વર્ય શક્તિ એ દોરડામાંથી વિદાય લીધી છે.

 

ગોકુલ-લીલામાં વાત્સલ્ય-ભાવ પ્રધાન છે.પૌગંડ-લીલામાં સખ્ય-ભાવ પ્રધાન છે,

વૃંદાવનમાં ગોપીઓ સાથે માધુર્ય-ભાવ પ્રધાન છે. દ્વારકામાં ઐશ્વર્ય-ભાવ છે.

યશોદાજી વિચારે છે કે –આજે ઘરમાંથી ગમે તેટલી દોરીઓ ભેગી કરવી પડે પણ આજે તો હું લાલાને બાંધીશ જ. ઘરની બધી દોરડીઓ ખલાસ થવા આવી પણ લાલાજી બંધાતા નથી.

યશોદાને આશ્ચર્ય થયું છે.આ જોઈને ગોપીઓ ને હસવું આવ્યું છે.

જાણે એમ કહેતી ના હોય કે –“ભગવાન એમ તો કંઈ બંધાતા હશે ?”

 

દોરી વચ્ચે બે આંગળનું અંતર ઓછું કેમ રહે છે ? તો કહે છે કે-જીવ અને પરમાત્મા વચ્ચે માત્ર બે આંગળનું જ અંતર છે. જેનામાં અહંતા (અહમ) અને મમતા (આસક્તિ) હોય તે પરમાત્મા ને કદી બાંધી શકે નહિ.

ગીતા માં કહ્યું છે કે- “નિર્માન મોહા જીતસંગ દોષા “

જે નિર્માન (અહમ વગરનો) અને નિર્મોહ (આસક્તિ વગરનો) છે તે મને બાંધી શકે છે.

ભગવાન તો પ્રેમરૂપી દોરથી જ બંધાય છે.જાતે પોતાની મરજીથી બંધાય છે.

લાલાએ જોયું કે મા,પરિશ્રમથી થાકી ગયા છે,પરસેવે રેબઝેબ થયા છે,એટલે તેનાથી હવે રહેવાયું નહિ.

તેથી કૃપા કરી પોતે જાતે માતાનાં બંધનમાં બંધાઈ ગયા.

 

ઈશ્વર કૃપા ના કરે ત્યાં સુધી આ જીવ ઈશ્વરને બાંધી શકે નહિ.શ્રીકૃષ્ણ જાતે બંધાયા છે.

શુદ્ધ પ્રેમલક્ષણા-ભક્તિ ભગવાનને બાંધે છે.જ્ઞાન અને યોગ ભગવાનને બાંધી શકે નહિ.

લાલાની આ દામોદર-લીલા છે.

 

x xx x x x  x xx x x x x x x x x x x x x x x x x x x x x x x xx x x x x x x x 

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત  ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો