હાઉસફુલ 5
- રાકેશ ઠક્કર
શું બોલિવૂડની ફિલ્મો જોતાં દર્શકોને વાર્તા, વિષય, નિર્દેશન, સામાજિક મૂલ્યો જેવી કોઈ બાબત નહીં પણ માત્ર મનોરંજન સાથે જ લેવા દેવા હોય છે? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે ‘હાઉસફુલ 5’ (2025) ને બોક્સ ઓફિસ પર સારી કમાણી થઈ છે. આમ જોવા જઈએ તો ફિલ્મમાં ઢંગનું મનોરંજન જ નથી. મનોરંજનના હિતમાં જોવા જવાનું પરિણામ એ આવ્યું કે ઓછી અપેક્ષાઓ સાથે ગયા પછી પણ 'હાઉસફુલ 5' નિરાશાજનક લાગે છે.
ફિલ્મને 'કિલર કોમેડી' કહેવામાં આવી છે પરંતુ અસલમાં એમાં કોમેડીનું ખૂન થયું છે. ‘હાઉસફુલ 5’ ને કોઈ રીતે કોમેડી ફિલ્મ કહી શકાય એમ નથી. અક્ષયકુમાર જેવા કોમેડીમાં કિંગ ગણાતા અભિનેતાને સસ્તા એડલ્ટ દ્રશ્યો કરતો જોઈ નવાઈ લાગશે. હિટ ફિલ્મ માટે કોઈ આવું પણ કરી શકે એ માનવામાં આવશે નહીં. એમાં અક્ષયકુમારનો વાંક ન હોવાનું પણ કહી શકાય. એણે છેલ્લી ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે. ઉદાહરણ તરીકે ‘કેસરી 2’ અને ‘સ્કાઈ ફોર્સ’ છે. એનો વિષય અને આશય સારો હોવા છતાં દર્શકોએ એ ફિલ્મો જોઈ નથી. દર્શકોને જ જો સારી ફિલ્મો જોવી ના હોય તો કલાકારો શું કરે?
‘હાઉસફુલ 5’ માં મોટાભાગના કલાકારોએ અભિનય પર ધ્યાન જ આપ્યું નથી. એટલું જ નહીં એમાં દ્વિઅર્થી સંવાદ અને વલ્ગર દ્રશ્યો હોવાથી પરિવાર સાથે જોવાની સલાહ આપી શકાય એમ નથી. ખૂની કોણ છે અને ખરો જોલી કોણ છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ વાર્તા કોઈ કારણ વગરની છે. કોમેડીના નામે કંઈ પણ કરવામાં આવ્યું છે. લેખનમાં રમુજી પરિસ્થિતિ રાખી નથી. કલાકારોને દ્રશ્યમાં કંઈક રમુજી કરવાનું કહેવામાં આવ્યું છે. ફિલ્મ સમાપ્ત થયા પછી ક્રેડિટ સાથે પડદા પાછળના જે ફૂટેજ બતાવ્યા છે એ આખી ફિલ્મ કરતાં વધુ રમુજી છે એમ લાગશે.
વાર્તા એવી છે કે રણજીતના ૧૦૦મા જન્મદિવસને ધામધૂમથી ઉજવવાની તૈયારી થાય છે પણ એમનું મૃત્યુ થાય છે. તેમણે પોતાના વસિયતનામામાં પુત્ર જોલીને બધી સંપત્તિનો વારસદાર જાહેર કર્યો હોય છે. જે દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયો છે. ત્યારે ત્રણ જોલી નામના માણસો આવે છે. રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર જોલી તરીકે આવે છે. જે દાવો કરે છે કે તે સાચા વારસદાર છે. એ પછી એક ડૉક્ટરની હત્યા થાય છે. હવે ખૂની કોણ છે અને ખરો જોલી કોણ છે એ જોવા ફિલ્મ જોવી પડશે. વાર્તા ખરેખર અર્થ વગરની છે. સાજિદ નડિયાદવાલાએ તેની વાર્તા લખી છે એમાં કોમેડીના નામે મનફાવે એવું કંઈ પણ કરવામાં આવ્યું છે.
ઘણી બધી અભિનેત્રીઓ છે અને જે રીતે એમને બતાવવામાં આવી છે તે સંપૂર્ણપણે ખોટું લાગે છે. હીરોઈનોને શૉ પીસ બનાવી દેવામાં આવી છે. એક હીરોઈનને તો માત્ર હવામાં કપડા ઉડાડવા જ રાખી છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ એવી પરિસ્થિતી જોવા મળે છે કે કોઈને એની ખબર નથી હોતી કે હવે આગળ વાર્તામાં શું કરવાનું છે. આ સ્થિતિમાં કલાકારોની વિચિત્ર હરકતોનો સહારો લેવામાં આવે છે. ફિલ્મના અંતમાં એક મોટા સ્ટારનો કેમિયો છે એ પણ દર્શકો પર ખાસ કોઈ અસર કરી શકતો નથી
નિર્દેશક તરુણ મનસુખાનીની આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ જો કોઈ હોય તો એ એનો ક્લાઇમેક્સ છે. છેલ્લે સુધી કોઈ બતાવી શકે એમ નથી કે ખરેખર ખૂની કોણ છે. એ માટે ફિલ્મની શરૂઆત ચૂકવા જેવી નથી. ફિલ્મને એના સસ્પેન્સને કારણે જ જોઈ શકાય એમ છે પણ કોમેડીનું સ્તર નીચું છે. ફિલ્મને એના અંતને કારણે જ બીજો સ્ટાર વધારે મળ્યો છે. બાકી અક્ષયકુમારનો એક સ્ટાર જ મળ્યો હોત.
ફિલ્મમાં ગીતો સારા છે પણ આ સસ્પેન્સ થ્રીલર જેવી ફિલ્મને અટકાવવાનું કામ કરે છે. જો ગીતો રાખ્યા ના હોત તો ફરક પડવાનો ન હતો. જે માનતું હોય કે ફિલ્મમાં દમદાર વાર્તા હોવી જોઈએ, વધારે રમુજી ક્ષણો હોવી જોઈએ અને કલાકારોએ સારો અભિનય કરવો જોઈએ તો એમના માટે 'હાઉસફુલ 5' નથી.
ફિલ્મને બે અલગ- અલગ A અને B અંત સાથે રજૂ કરવામાં આવી છે. A અને B ના ચક્કરમાં પડવા જેવું નથી. છેલ્લી દસ મિનિટ જ અલગ છે. ખૂની બદલાવાથી ફિલ્મ બદલાઈ જતી નથી. ‘હાઉસફુલ 5’ ને A અને B ભાગમાં રજૂ કરવાનો વિચાર દર્શકો સાથે ઠગાઇ જેવો જ ગણી શકાય એમ છે