પર્વતમાળાની ગોદમાં, લીલીછમ વનરાજી અને ખળખળ વહેતી નદી કિનારે એક રમણીય નાનકડું ગામ વસેલું હતું . આ ગામમાં રાધા નામની એક દસ વર્ષની છોકરી રહેતી હતી. નાની ઉંમર હોવા છતાં રાધા ખૂબ જ સમજદાર, શાંત અને દયાળુ સ્વભાવની હતી. ભલે તે ગરીબ પરિવારમાંથી આવતી હોય, પણ તેનું હૃદય પ્રેમ અને કરુણાથી છલોછલ હતું. ગામના સૌ લોકો તેને તેની ભલમનસાઈ માટે ઓળખતા.
એક સાંજે, શાળા છૂટ્યા પછી રાધા પોતાની ચોપડીઓ થેલામાં રાખીને ઘરે પાછી ફરી રહી હતી. સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ દિશામાં ઢળી રહ્યો હતો અને આકાશ કેસરી રંગે રંગાઈ રહ્યું હતું. રસ્તામાં તેને એક અનોખો અને કરુણ અવાજ સંભળાયો – “કૂં... કૂં…” અવાજ ઝાડીઓમાંથી આવતો હતો. સાંજ પડી ગઈ હતી અને રાધાને ઘરે પહોંચવાની ઉતાવળ પણ હતી, છતાં એ અવાજ જાણે તેને રોકી રહ્યો હતો. તેના બાળસહજ મનમાં એક વિચારે જન્મ લીધો, "આ શેનો અવાજ છે? કોઈક જરૂર તકલીફમાં છે!" આ કુતૂહલ તેને ધીમે ધીમે, સાવચેતીપૂર્વક ઝાડીઓ તરફ ખેંચી ગયું.
જેમ જેમ રાધા અવાજની દિશામાં આગળ વધી, તેમ તેમ અવાજ વધુ સ્પષ્ટ અને હૃદયવેધક થતો ગયો. આખરે, ગાઢ ઝાડીઓની પાછળ એક નાનકડું, નિર્બળ ગલુડિયું દેખાયું. તે અંદાજે બે-ત્રણ મહિનાનું હશે. તેના એક પગમાંથી લોહી વહી રહ્યું હતું, શરીર પર ધૂળ અને માટી ચોંટેલી હતી, અને તે પીડાથી કણસતું હતું. ગલુડિયાની આ દયનીય હાલત જોઈને રાધાનું નાનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
તેના મનમાં તરત જ વિચાર આવ્યો, "જો હું આને ઘરે લઈ જઈશ, તો મમ્મી ગુસ્સે થશે... પણ આને આમ છોડીને કેવી રીતે જવાય! કદાચ રાત પડતાં કોઈ જંગલી જાનવરનો શિકાર બની જાય!" રાધાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાનું ટિફિન ખોલ્યું અને ગલુડિયા ને દૂધ પાયું , દૂધ પીધા પછી તેણે રાધા સામે જોયું. તેની ભીની આંખોમાં જાણે આભાર અને વિશ્વાસ છલકાતો હતો. રાધાએ તરત જ પોતાનો સ્વચ્છ દુપટ્ટો ફાડીને તેના ઘાવ પર પાટો બાંધ્યો અને અતિશય પ્રેમ અને સાવચેતીથી તેને ઊંચકીને ઘરે લઈ ગઈ. ગલુડિયું પણ રાધાના હાથમાં સુરક્ષા અનુભવી રહ્યું હતું.
ઘરે પહોંચતા જ તેની મમ્મી રાધાને ઘરે મોડી આવેલી જોઈને ઠપકો આપવાના મૂડમાં હતી, પણ રાધાના હાથમાં રહેલા ગલુડિયાને અને તેની આંખોમાં રહેલી સંવેદના જોઈને મમ્મીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેણે હળવાશથી પૂછ્યું, "બેટા, તારું તો ઠીક છે, પણ આને શું ખવડાવશું? આપણા ઘરમાં તો માંડ બે ટંકનું પૂરું થાય છે."
રાધાએ તરત જ દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો, "મમ્મી, ચિંતા ન કર. હું મારો અડધો રોટલો એને આપી દઈશ... એનો જીવ બચી જશે ને! આ બિચારાને મદદ કરવી એ આપણો ધર્મ છે." રાધાનો આ નિર્દોષ પણ દયાળુ જવાબ સાંભળીને મમ્મીનું હૃદય ભીંજાઈ ગયું. રાધાની વાતમાં રહેલી સચ્ચાઈ અને કરુણા મમ્મીને સ્પર્શી ગઈ. તેમણે રાધાને ગલુડિયાની સંભાળ રાખવામાં મદદ કરવાનું નક્કી કર્યું.
આ ગલુડિયાનું નામ રાધાએ પ્રેમથી જીમી રાખ્યું. ધીમે ધીમે જીમી સાજો થવા લાગ્યો. રાધા અને જીમી વચ્ચે એક અતૂટ મિત્રતા બંધાઈ ગઈ. જીમી હવે રાધાના પડછાયાની જેમ રહેતો. તે દરરોજ રાધાને શાળાએ મૂકવા જતો અને શાળા છૂટ્યા પછી તેની રાહ જોતો. ગામના બાળકો અને મોટા લોકો પણ જીમીના વફાદારી અને રાધા પ્રત્યેના પ્રેમને જોઈને દંગ રહી જતા. સૌના મનમાં જીમી પ્રત્યે દયાભાવ અને આદર જાગ્યો.
એક દિવસ, વહેલી સવારે ગામમાં એક શિયાળ ઘૂસી આવ્યું. આ શિયાળ ગામના પાલતુ પશુઓ અને નાના બાળકો માટે ખતરો બની ગયું . ગામના લોકો ડરીને પોતપોતાના ઘરોમાં ભરાઈ ગયા. જીમીએ શિયાળને જોયું અને તરત જ ભસવા લાગ્યો. તેણે કોઈ પણ જાતના ડર વગર શિયાળ પર હુમલો કર્યો. એક ભીષણ લડાઈ થઈ, જેમાં જીમીએ ભારે હિંમત અને બહાદુરી બતાવી. આખરે, જીમીએ શિયાળને ગામમાંથી ભગાડી દીધું. ગામ લોકો જીમીની આ બહાદુરી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
ત્યારથી આખું ગામ રાધા અને જીમીની હિંમત, દયાભાવ અને વફાદારીના ગૌરવભેર વખાણ કરવા લાગ્યું. રાધાની કરુણાએ જીમીનો જીવ બચાવ્યો, અને જીમીની વફાદારીએ આખા ગામને સુરક્ષા પૂરી પાડી. આ ઘટનાએ ગામના લોકોને શીખવ્યું કે નાનામાં નાનું કાર્ય પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે.
બોધપાઠ:
જ્યાં દયા હોય, ત્યાં હિંમત પણ હોય છે. અને જ્યાં કરુણા હોય, ત્યાં જ સાચી માનવતા જીવે છે. એક નાનકડા, સારા કાર્યથી પણ આખા સમાજમાં પરિવર્તન લાવી શકાય છે – એ રાધા અને જીમીએ સાબિત કરી બતાવ્યું.