પણ મમ્મીએ કહ્યું કે એ તો થઈ જશે. કરવી તો પડશે. પછી હું કંઈ વધારે બોલી નહીં. લગભગ ત્રણ દિવસ થાય બધી પાપડી કરતાં. લગભગ સવારે ચાર વાગ્યાથી શરૂ કરીએ બપોરે બે તો વાગી જ જાય. અને સાથે ઘરના કામ તો ખરા જ. બેન તો પાપડી વણીને સૂઈ જાય. પણ પછી બાકીનું બધું કામ મારે કરવું પડતું. મમ્મી ઘરના બીજા કામ કરતાં. પણ પાપડી લેવાનું ભરવાનું બધું સાફ સફાઈ કરવાનું મારે કરવું પડતું. દિકરો નાનો, ભાણિયો નાનો. એ બંનેને ખવડાવવાના સૂવાડવાના, સાચવવાના બધું જ મારે જોવું પડતું. બેન એમના દિકરાને જ નહીં સાચવતા તો આપણા દિકરાને તો સાચવવાના જ ક્યાંથી. ને એમાંથી પરવારું એટલે મમ્મી એમ કહેતા કે બેન અને ભાણિયાને ફરવા લઈ જાઓ. થાકી ગયા પછી પણ આ બધું હસતા મોઢે હું કરતી. આ બધું મને ત્યારે સાહજિક લાગતું હતું. મને જરા પણ ત્યારે એમ ન લાગતું હતું કે કેમ આ બધું કરવું પડે છે. હું લગ્ન કરીને આવીને ત્યારથી લગભગ મમ્મી રોજ મને એમ કહેતાં કે બાજુવાળા કાકી તો એમની દિકરી આવતી ત્યારે એને થેલા ભરી ભરીને આપતા. એટલે મને એમ થતું કે અહીં તો બધા જ દિકરીઓને આપે છે તો આપણે આપીએ એમાં શું ? આમ પણ મારી નોકરી તો હતી નહીં અને મારા ઘરેથી પણ આટલું બધું કંઈ આવતું નહીં એટલે મારે કંઈ બોલવા જેવું તો હતું નહીં. પાપડી કર્યા પછી જ્યારે બેન પાછા ઘરે જવાના હોય તો મોટે ભાગે એમને ત્યાંથી ગાડી તો આવતી જ નહીં ને તમારે સ્કૂટર પર એમને મૂકવા જવું પડતું. એક દિવસ બેનને મૂકવા જતા અને બીજા દિવસે પાપડી ના કોથળા આપવા જતા. એ વાત મને ત્યારે વધારે દુખ આપતી કે બેનના ઘરે ગાડી છે તો પણ કોઈ વખત બનેવી આવતા નહીં ગાડી લઈને કે બેનને અને પાપડી બંને લઈ જાય. પણ એવું કોઈ દિવસ થતું નહીં. આ દર વખતનું હતું. દર વખતે કોઈ ને કોઈ બહાનું કરીને બનેવી આવતા જ નહીં. આ વખતે પણ એવું જ થયું. તમે જ ગયા બેનને મૂક્વા અને પછી પાપડી આપવા પણ ગયેલા. હું તમને ક્યારેય કંઈ એવું ન કહેતી કે તમને એમ લાગે કે હું ઘરમાં કલેશ ઉત્પન્ન કરવા માગુ છું. ત્યાર પછી મમ્મી માસીના ઘરે રહેવા ગયા હતા. આમ તો બધું બરાબર હતું પણ મમ્મી જ્યારે પણ માસીના ઘરે રહેવા જતા ત્યારે આવ્યા પછી ઘરે કંઈ ને કંઈ લડાઈ ઊભી થતી. આ વખતે મમ્મી માસીના ઘરેથી આવ્યા ના તરત જ આપણા એક કુટુંબી કાકાને ત્યાં એમના દિકરા અને દિકરીના લગ્ન નક્કી થયા હતા. થોડા જ સમયમાં એમના લગ્ન હતા. પહેલા દિકરીના લગ્ન હતા અને બીજા દિવસે દિકરાના લગ્ન હતા. આ અરસામાં હું એક બે જગ્યાએ નોકરી માટે જઈ આવી પણ સમય બધે જ સમય વધારે હતો. કાકાને ત્યાં લગ્નનો સમય નજીક આવી ગયો. થયું એવું કે જે દિવસે કાકાની દિકરીના લગ્ન હતા એ જ દિવસે મમ્મીની એક બેનના ઘરેથી એમની દિકરીના છોકરાના જનોઈ માટે મોસાળું જવાનું હતું. એટલે મમ્મી કાકાને ત્યાં સવારે આવ્યા અને ત્યાંથી પછી એમની બહેનના ઘરે ચાલ્યા ગયા મોસાળામાં જવા માટે. અને કહ્યું કે હું આવતી કાલે સવારે કાકાના દિકરાની જાન નીકળવાના રામયે આવી જવા. બેન પણ કાકાની દિકરીના લગ્ન માટે ત્યાં આવ્યા હતા. મમ્મી લગ્નનો વહેવાર જે કરવાનો તે કરીને ગયા હતા. પણ અચાનક જ સાંજે આપણા દિકરાની તબિયત બગડી. એને એકદમ જ તાવ આવી ગયો. લગ્નમાં ત્યાં એને તાવની દવા તો આપી પણ એન તાવ ઉતરતો જ ન હતો. બેને કહ્યું કે તમે એને ડોક્ટરને બતાવી આવો. પણ આપણે જઈએ કેવી રીતે ? આપણી પાસે પૈસા તો હતા જ નહીં. મમ્મી પૈસા આપી જ ન ગયા હતા.