ગર્ભપાત - ૧૦
પ્રતાપસિંહ પૂરપાટ વેગે પોતાની જીપને ભગાવી રહ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયાં હતાં. થોડી - થોડી વારે વિજળી ચમકી રહી હતી. ગમે તે ઘડીએ વરસાદ તુટી પડે એવું વાતાવરણ સર્જાયું હતું. પ્રતાપસિંહ માટે નવાઈની વાત એ હતી કે પોતે જેસલમેરમાં હતો ત્યારે વાતાવરણ એકદમ સ્વચ્છ હતું ને અત્યારે આમ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો એ અનપેક્ષિત હતો.
રસ્તા પર ઘેરું ધુમ્મસ છવાયેલું હતું. જીપની હેડલાઈટના પ્રકાશમાં માંડ થોડે આગળનો રસ્તો જ દેખાઈ રહ્યો હતો. અચાનક આગળ કોઈ નાનું બાળક ઊભું હોય એવો આભાસ થતાં પ્રતાપસિંહે બ્રેક પર પગ રાખી દેતાં એક જોરદાર આંચકા સાથે જીપ ઊભી રહી ગઈ. આંચકો એટલો જોરદાર હતો કે પ્રતાપસિંહ સ્ટેયરિગ સાથે રીતસરનો અફળાયો હતો. જીપના ટાયર રસ્તા પર ઘસાવાથી અને ગરમ થવાથી અજીબ પ્રકારની સુવાસ હવામાં ફેલાઈ રહી.
પ્રતાપસિંહે પરિસ્થિતિનું ભાન થતાં તરત જ નીચે ઊતરી આસપાસ નજર દોડાવી પરંતુ કંઈ નજરે ન પડ્યું. આટલી મોડી રાત્રે કોઈ બાળક રસ્તા પર કેવી રીતે હોઈ શકે એ વાત એને ગળે ઊતરતી નહોતી. પોતે સગી આંખે જોયું હતું એટલે વહેમ હોવાનો કોઈ સવાલ નહોતો.
આસપાસ નિર્જન વિસ્તારમાં અમુક મજુર લોકો ઝૂંપડા બાંધીને રહેતાં હતાં. ક્યાંક કોઈ બાળક ઊંઘમાં અહીં આવી ચડ્યું હોય અને પોતાની જીપના ઠોકરે દૂર ફંગોળાઈ ગયું હોય એવી ફાળ એને પડી. જો બાળક જીપની ટક્કરે આવ્યું હશે તો એના જીવતા બચવાનો કોઈ સવાલ નહોતો. પોતાને અહીં કોઈ જોઈ જશે એવી બીકથી હવે અહીં ઊભા રહેવું ઉચિત નહોતું.
પ્રતાપસિંહ જીપમાં આવીને ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. જીપ ચાલુ થઈ એટલે એણે એક્સિલેટર દબાવ્યું પણ જીપ આગળ ન વધી. પ્રતાપસિંહે ખૂબ કોશિશ કરી પરંતુ જાણે જીપના ટાયર ખૂંપી ગયા હોય કે ચોંટી ગયા હોય એમ જીપ એક તસુ પણ આગળ ન વધી.
પ્રતાપસિંહે જીપમાં આમતેમ ખાંખાખોળા કર્યા એટલે એના હાથમાં એક નાની ટોર્ચ લાગી. ટોર્ચ લઈ પોતે નીચે ઉતરી શું ખામી છે એ જોવા જીપનું બોનેટ ખોલ્યું. અંદર બધું જોઈ લીધા બાદ બધું બરાબર લાગતાં બોનેટ બંધ કરી એ ટાયર ચેક કરવા પાછળના ભાગમાં આવ્યો.
પાછળના ટાયર તરફ આવી જેવો એણે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો એવો જ એ આખો ધ્રુજી ગયો. વિજળીના એક જોરદાર ચમકારા વચ્ચે એણે જે દ્રશ્ય જોયું એ જોઈને એની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. પાછળના ટાયર નીચે એક કપડામાંથી બનેલી ઢીંગલી ચગદાઈ ગઈ હતી. ઢીંગલીના આંખોના ડોળા બહાર આવી ગયા હતા. કોઈ માણસની આંખો હોય એમ એ બહારની તરફ લબડી પડ્યા હતા. ઢીંગલીના શરીરમાંથી માંસના લોચા બહાર આવી ગયા હતા. આવું ભયંકર દ્રશ્ય જોઈને પ્રતાપસિંહની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી.
આ કઈ રીતે શક્ય હોઈ શકે એ વિશે વિચારવાનો સમય એની પાસે હતો નહીં. પ્રતાપસિંહને કંઈ ન સુઝતા એ ડરીને ફરી પાછો જીપમાં ગોઠવાયો અને જીપને ચાલુ કરી ભગાવવા પ્રયત્ન કર્યો. એના આશ્ચર્ય વચ્ચે આ વખતે જીપ કોઈ અવરોધ વિના આગળ નિકળી ગઈ. થોડે આગળ વધીને એણે પાછળની તરફ જોયું, વિજળી ચમકારાના પ્રકાશમાં ત્યાં કશું નજરે ન પડ્યું.
" આ બધું શું થઈ રહ્યું છે? આવું કઈ રીતે બની શકે! " એમ મનમાં બબડતો એ જીપને ભગાવી રહ્યો હતો. અચાનક તેના ગળામાં કોઈ નાનકડા હાથ વિંટાળી રહ્યું છે એવું લાગતાં એનું ધ્યાન એ તરફ ગયું. પોતાની પાછળ કોઈ છે અને તે કંઈક ગીત ગણગણી રહ્યું છે એવું તેણે મહેસુસ કર્યું.
" હું તો નાની એક ઢીંગલી, મારા પોચા પોચા ગાલ,
નાચવું છે મારે તારી સંગાથ જો આપીશ તું તાલ.."
કોઈ નાનકડી છોકરી આવું ગીત ગાઈ રહી હતી એ સાંભળી પ્રતાપસિંહનું ધ્યાન પાછળની બેક સીટ પર ગયું. જેવી એણે પાછળની તરફ દ્રષ્ટિ કરી એ સાથે જ તેના શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ. થોડીવાર પહેલાં જે ઢીંગલીને એણે ટાયર નીચે ચગદાયેલી જોઈ હતી એ જ ઢીંગલી અત્યારે પોતાની પાછળ હતી અને ગીત ગાઈ રહી હતી. ઢીંગલી એ પોતાના બંને નાનકડા હાથ પ્રતાપસિંહના ગળા ફરતે વિટાળ્યા હતા.
પ્રતાપસિંહ પોતે ભૂત - પ્રેત જેવી બાબતોમાં વિશ્વાસ નહોતો કરતો પરંતુ અત્યારે એણે જે જોયું એનાથી એની હાલત ખરાબ થઈ ગઈ હતી. એક ઢીંગલી માણસની માફક ગીત ગાઈ રહી હતી.
" તમને મારું આ ગીત ગમ્યું નહીં?? બીજું ગીત સંભળાવું?? " એટલું બોલીને એ અટ્ટહાસ્ય કરવા લાગી. જોરદાર પવન હોવા છતાં એનું એ અટ્ટહાસ્ય વાતાવરણને ચીરતુ દૂર - દૂર સુધી પડઘાઈ રહ્યું હતું.
" ક્ ક્્ કોણ છે તું?? કેમ મને ડરાવી રહી છો?? " ધ્રુજતા અવાજે પ્રતાપસિંહ માંડ એટલું બોલી શક્યો.
અચાનક ઢીંગલીના હાવભાવ પલટાઈ ગયા અને ભયંકર મુખ મુદ્રા ધારણ કરી એણે કહ્યું. " હું એ જ છું જેને તે જન્મ લીધા પહેલા જ મારી નાખી હતી અને ફરીવાર પણ તારો ઈરાદો એવો જ હતો. યાદ કર તારા મિત્ર સાથેના એ કરતૂતો કે જેનાથી તે એક અજન્મેલી દિકરીને ગર્ભમાં જ મારી નાખી હતી. "
પ્રતાપસિંહ સમજી ગયો હતો કે પોતે જે પાપ કર્યું હતું એ ભલે બીજા બધાંથી છુપાવેલુ હતું પરંતુ ઉપરવાળાથી ક્યારેય કંઈ છાનું રહેતું નથી. મોતને પોતાની નજર સામે જોઈને એની આંખો સામે અંધારાં આવવાં લાગ્યાં. કોઈ નાનું બાળક રડતું હોવાની ચીખો એના કાનમાં પડઘાઈ રહી હતી.
" મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ. હું દિકરા અને દીકરી વચ્ચેના ભેદમાં આંધળો બની ગયો હતો. " પ્રતાપસિંહ રીતસરનો કરગરી રહ્યો હતો.
" તેં એવું કૃત્ય કર્યું છે જે માફીને લાયક નથી." એટલું બોલીને એ ઢીંગલી અદ્શ્ય થઈ ગઈ.
પ્રતાપસિંહ કંઈ જાણે કે સમજે એ પહેલાં તો જીપ આપોઆપ રસ્તા પર દોડવા લાગી. પ્રતાપસિંહના હાથ બંને બાજુ સીટ પર ખોડાઈ ગયા હતા. કોઈએ જાણે જકડીને પકડી રાખ્યા હોય એમ એ જરાપણ હલી નહોતા શકતા.
જીપનું સ્ટેરીંગ કોઈ પકડીને ફેરવી રહ્યું હોય એમ જીપ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. વચ્ચે - વચ્ચે કોઈના અટ્ટહાસ્યનો અવાજ પ્રતાપસિંહને સંભળાઈ રહ્યો હતો. તે બાઘાની જેમ અવાચક બનીને આ બધું થતું જોઈ રહ્યો હતો.
પૂરપાટ વેગે દોડતી જીપે અચાનક એક ઓચિંતો ટર્ન લીધો અને સામે આવેલા મોટા ઝાડ તરફની દિશા પકડી. આંખો સામે નાચી રહેલા મોતને જોઈને પ્રતાપસિંહે પોતાની આંખો બંધ કરી લીધી. મોત હવે હાથ વેંત છેટું હતું એ અનુભવી રહ્યો હતો.
એક જોરદાર ધડાકા સાથે જીપ એ ઝાડ સાથે અથડાઈ. પ્રતાપસિંહ એ સાથે જ ઉછળીને અધ્ધર થયો અને આગળના કાચમાંથી પસાર થઈને ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈને નીચે પટકાયો. એ સાથે જ એની આંખો સામે અંધારાં આવી ગયાં.
પોતાના હાથમાં કશુંક હોવાનું એ મહેસુસ કરી રહ્યો હતો. કોઈને બૂમ પાડીને બચાવવા એનામાં શક્તિ રહી નહોતી. ધીમે - ધીમે એની આંખો બંધ થવા લાગી. શરીરના અસહ્ય દુઃખાવા અને આંખો બંધ હોવા છતાં પણ તે નજર સામે એ ઢીંગલીને અટ્ટહાસ્ય કરી રહેલી જોઈ રહ્યો હતો.
પોતે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે એ વાતનો એને અહેસાસ થઈ રહ્યો હતો. આખા શરીરે લોહી લુહાણ હાલતમાં એ પોતાના હાથ - પગ હલાવી નહોતો શકતો. પોતાની દિકરીને ગર્ભમાં જ મારી નાખવાનું કામ પોતે કર્યું હતું એની વેદના અનુભવતો એ બેભાન અવસ્થામાં સરી પડ્યો.
***************************************
" સાવિત્રી એ આવે એ પહેલાં ઢીંગલીને તારા રૂમમાં રાખી આવવાનું ભૂલતી નહીં." મમતાએ સાવિત્રીને અવાજ આપતાં કહ્યું.
" જી, બેન બા! હમણાં રાખતી આવું છું. " એટલું કહેતાંની સાથે જ સાવિત્રી મમતાબાના ઓરડા તરફ ઉતાવળા ડગલે ચાલવા લાગી.
" આજે તો તને નવો શણગાર કરીશ, નવાં કપડાં પહેરાવીશ. " સાવિત્રીએ ઢીંગલીને ટેબલ પરથી ઉપાડતાં કહ્યું.
અચાનક એક જગ્યાએ સાવિત્રીની નજીર સ્થિર થઈ ગઈ. એને પેટમાં ફાળ પડી. પોતે જ ગઈકાલે રાતે ઢીંગલીને ટેબલ પર મૂકી હતી. એના બંને હાથમાં ચૂડીઓ પહેરાવેલી હતી પરંતુ અત્યારે એના ડાબા હાથમાંથી ચૂડીઓ ગાયબ હતી. કંઈક વિચારતી સાવિત્રી ઢીંગલીને લઈને મમમતાબા પાસે જવા ઉતાવળા ડગલે ચાલવા લાગી....
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના પ્રતિભાવો જરૂરથી આપશો... મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો...