ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 44
શિર્ષક:- સાકારવાદી
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 44. ."સાકારવાદી."
એક બીજા ડૉક્ટરની પણ ચર્ચા કરીશ. આ ભાઈ સાચા, સમજુ તથા દૃઢ નિર્ધારવાળા હતા. ધીકતી ડૉક્ટરી સમેટીને તે સંન્યાસ લેવાની તીવ્ર ઇચ્છાથી હરદ્વાર આવ્યા હતા. પત્ની-બાળકો તથા બૅન્કની પણ પૂરી વ્યવસ્થા કરીને આવ્યા હતા. તેમણે કોઈ પ્રખર વક્તાની વાણી સાંભળી હતી. અને હવે શેષ જીવન સંન્યાસમાં વ્યતીત કરવું હતું. એમને ક્યાં ખબર હતી કે સ્ટેજ ઉપરનો માણસ અને સ્ટેજથી નીચે ઊતર્યા પછીનો તે જ માણસ પૂરેપૂરો એકરૂપ નથી રહી શકતો હોતો ? ઉપદેશ આપવાની કલા આવડી જાય તો તે બહુ સરળ કામ છે, પણ તે જ ઉપદેશને જીવનમાં ઉતારવાની વાત સરળ નથી હોતી. તેમાં પણ ધાર્મિક ક્ષેત્રમાં ગુરુજનોને લોકો માનવીય દુર્બળતાઓથી મુક્ત સમજતા હોય છે. અને પોતાની જ મેળે પોતાના માપદંડથી માપતા હોય છે. આવા માપમાં સહેજ પણ વધઘટ થાય તો શ્રદ્ધા વિચલિત થઈ જતી હોય છે. ચતુર ગુરુઓએ આ જ કારણસર પાણી પહેલાં પાળ બાંધવાનું કામ કર્યું છે. પ્રથમ તો તેઓ શિષ્યોને ઠાંસી ઠાંસીને સમજાવે છે કે ગુરુ તો કોઈ કોઈ વાર આપણી કસોટી કરવા લીલા માત્ર કરતા હોય છે. તેમની લીલાને આપણે શું સમજીએ ? વગેરે. આ બધા રામબાણ ઉપાયો દ્વારા અસંખ્ય શિષ્યોને આધીન રાખી શકાય છે.
પેલા ડૉક્ટર આવ્યા. મેં જોયું કે યુવાન પત્ની તથા નાનાં બાળકો હોય તેનાથી સંન્યાસ લેવાય નહિ ધીરે ધીરે તેમને સમય પસાર કરવા દેવાયો. થોડા સમય પછી વાસ્તવિકતા નજર સમક્ષ દેખાવા લાગી ત્યારે તેઓ જ કહેતા થયા, હવે મારે સંન્યાસ નથી લેવો, હું જે છું તે જ બરાબર છું. હું આવું જ ઇચ્છતો હતો. તેમને યોગ પ્રત્યે તીવ્ર લગની હતી. તેઓ એક વૃદ્ધ સંન્યાસી પાસેથી યોગ શીખતા. અમે રોજ સાંજે ગંગાકિનારે થોડે દૂર બેસીને ધ્યાન-જાપ કરતા. એક દિવસે તેમણે પોતાની કઠિનાઈ મને સંભળાવી. તેમના યોગી ગુરુએ તેમને પાર્વતીસંહિતા શિવનો મંત્ર જપવા માટે આપેલો, પણ તેઓને શિવ-પાર્વતીની જગ્યાએ શ્રીકૃષ્ણની ઝાંખી થતી. મંત્ર જુદો અને ઇષ્ટદેવ જુદા હોય ત્યારે સાધકને ખૂબ વિટંબના થતી હોય છે. તેમની વાત સાંભળીને મને મારી પોતાની સ્થિતિ વિશે પણ સભાનતા થઈ. હું નિરાકારવાદી હતો. સ્વામી માત્રાનંદજીના સંપર્કથી થોડો સાકારવાદી થયો હતો, પણ હજી પણ ભજન-ધ્યાનમાં નિરાકાર બ્રહ્મનું જ ભજનધ્યાન કરતો હતો, પણ ધ્યાન વખતે મારી અનિચ્છાએ પણ વારંવાર શ્રીકૃષ્ણની ઝાંખી થયા કરતી. વાંકો પગ અને વાંકી અદાથી ઊભા ઊભા તે જાણે મારી સામું હસી રહ્યા હોય તેવું દેખાતું હતું. હું હઠ કરીને હઠ... હઠ... કરીને તેમને દૂર કરવા પ્રયત્ન કરતો, પણ તે વધુ ને વધુ સ્પષ્ટ થતા જતા. હવે મારે શું કરવું ? હું પોતે મૂંઝવણમાં હતો.
અમે બંને તેમના ગુરુ પાસે ગયા. તેમના ગુરુ જુનવાણી હતા છતાં સમજુ હતા. તેમણે તેમને શ્રીકૃષ્ણનો મંત્ર આપ્યો. હવે તેમને શાન્તિ થઈ અને મેં પણ શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ માની લીધા. નિરાકારવાદમાંથી આ રીતે હું સાકારવાદમાં પરિવર્તિત થયો. આમ છતાં હું નિરાકારવાદનો વિરોધી ના થયો. બન્ને વાદોને હું રુચિ તથા કક્ષા પ્રમાણે યોગ્ય માનું છું.
સાધક પ્રથમ સાકારવાદી હોય, પછી ઈશ્વરસ્વરૂપને શોધતાં શોધતાં તે નિરાકારવાદી બને, નિરાકારવાદી પછી પાછો સાકારવાદી બને.આ છેવટનો સાકારવાદ એ અબુધતા નથી હોતી પણ ભાવના-ભક્તિ તથા જ્ઞાનનું પરિપક્વ રૂપ હોય છે.
પેલા ડૉક્ટર લગભગ નવ મહિના સુધી હરદ્વારમાં રહીને પાછા પોતાના ઘેર ગયા અને પોતાનો ધંધો કર્યો. બાળબચ્ચાં સાથે ભળી ગયા. હવે તે સંન્યાસ લેવાનું નામ નથી લેતા. મને આનંદ થાય છે.
આભાર
સ્નેહલ જાની