રાજકુમારી સંધ્યા આજે સાંજના સમયે, એ જ બારીએ રોજની જેમ આવીને ઉભી છે. પરંતુ, આજે તેની નજર આથમતા સૂર્ય તરફ છે અને તેને જોઈને એમજ લાગી રહ્યું હતું કે, તે એ આથમતા સુરજની નજરે સુર્યાંશને શોધી રહી છે. થોડીકવારમાં સંધ્યાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. એ સમયે ચંદ્ર આકાશ ઉપર ચડી આવ્યો હતો અને જાણે તેની દીકરીને રોતી જોઈને મનો-મન પીડાતો હોય તેમ તે પણ રાતો થઈ ગયો. ચંદ્રથી વધુ જોઈ ન શકાયું એટલે તેને વાદળની ચાદર તેની આજબાજુ ઓઢી લીધી અને તે પણ સુર્યાંશને શોધવા લાગ્યો.
સુર્યાંશ અત્યારે ઘાટીથી દુર આવેલા ચંદ્રમંદિરે આવી પહોંચ્યો હતો. ત્યાં સિપાહીઓનો ગોચર પહેરો હતો. તેને તે સિપાહીઓના વડા પાસે જવું હતું. એટલે તેને એક સિપાહીને બોલાવ્યો અને તેને પૂછ્યું, “મારે આયુંને મળવું છે.” સિપાહિએ હા માં માથું ધુણાવ્યું અને ચાલવા લાગ્યો.
પછી તે સિપાહિની પાછળ સુર્યાંશ પણ ચાલવા લાગ્યો. બે મોટા અને ભરચક રંગીન તંબુ હતા જેની બરોબર વચ્ચે એક નાનું અને એકદમ સફેદ તંબુ હતું. સિપાહી તેની બહાર ઊભેલા બે પહેરેદાર સાથે વાત કરવા ગયો. ત્યાં સુધી સુર્યાંશ ત્યાં જ ઊભો રહ્યો. થોડીકવારમાં પહેરેદાર તંબુમાં ગયો અને પછી સુર્યાંશને અંદર આવવા કહ્યું.
તંબુની અંદર આયું જે હાલ મંદિરની બહાર ઊભેલા સિપાહીઓનો વડો છે. મંદિરની અંદરના અંગરક્ષકો સ્વતંત્ર હતા. એટલે તેમણે રાજા કે રાજકુમાર સિવાય બીજા કોઈ આદેશ ન આપતા. આયું તંબુમાં પ્રવેશેલા સુર્યાંશને જોઈને ઊભો થયો અને તેણે ગળે મળવા આગળ વધ્યો. સુર્યાંશ પણ આયુંને જોઈને ખુશ થયો અને બંને ભેટી પડ્યાં. “સુર્યાંશ. મારા ભાઈ. મારા મિત્ર. તને જોઈને ખૂબ જ આનંદ થયો અને દુઃખ પણ.”
“દુઃખ?”
“હા! સુર્યાંશ મને પણ કાલે જ જાણ થઈ કે, આપણા ગુરુજી હવે આ દુનિયામાં નથી રહ્યાં.” આયું બોલ્યો.
સુર્યાંશ એ વાતને વધુ ન વધારતા રાજકુમાર મદનપાલ વિશે પૂછે છે, “મેં સાંભળ્યું છે કે, મદનપાલ આજે રાત્રે મંદિરમાં છે. શું એ સાચી વાત છે?”
સુર્યાંશની વાત સાંભળી આયુ બોલ્યો, “હા રાજકુમાર મદનપાલ અહીંયા જ છે અને અમને પણ મંદિરની રક્ષા માટે બોલાવવામાં આવ્યા છે.”
“આજની રાત હું અહીંયા જ વીતાવીશ અને સવારે મંદિરના દ્વારા ખુલતાની સાથે જ હું મદનપાલને મળીશ.” સુર્યાંશ બોલ્યો.
મંદિરની અંદર મદનપાલ એ વૃદ્ધ સિપાઈ સાથે યજ્ઞ કુંડ નજીક જઈને તે ગુફાનો દ્વાર જોઈ રહ્યો હતો. મદનપાલે તે સિપાઈને સવાલ કર્યો, “તમે કેટલા વર્ષોથી આ મંદિરની રક્ષા કરી કરી રહ્યા છો?”
સિપાઈનો વળતો અને હળવો જવાબ, “રાજકુમાર મારા પિતાના મૃત્યુ બાદથી જ હું આ મંદિરનો મુખ્ય અંગ રક્ષક છું.”
“શું ક્યારેય આ મંદિર ઉપર આક્રમણ થયું છે?”
“જી! નહીં રાજકુમાર.”
“તો મારા પિતા આ મંદિરને લઈને શા માટે આટલા બધા ચિંતિત છે.”
“કેમકે હવે તેમને જાણ થઈ ગઈ છે કે, મંદિર ઉપર હુમલો થશે અને એ હુમલો નાનો નહીં પરંતુ, આક્રમણ હશે.” સિપાહી રાજાથી વધુ જાણતો હોય તેમ બોલ્યો.
“મતલબ મંદિરના ધનની જાણ કોઈને તો છે?” મદનપાલ બોલ્યો.
“હા!”
રાત વધતાની સાથે એક ટોળું જંગલમાં આટા મારી રહ્યું હતું. જેમાં સાતેક માણસો હતા. જેમના હાથમાં મશાલ હતી, પરંતુ જલી માત્ર બે જ રહી હતી. તેમાંથી એક રસ્તો દેખાડી રહી હતી અને બીજી પગના નિશાન છૂપાવવા માટે પત્તા શોધી રહી હતી. મતલબ કે, સાતમાંથી ચાર વ્યક્તિ તેમના કામમાં સંડોવાયેલા હતાં. વચ્ચે ચાલી રહેલાં ત્રણમાં સૌથી વચ્ચે આદમ હતો. તેની જમણી બાજુએ ચંદ્રહાટ્ટીનો પ્રધાન ચાલી રહ્યો હતો. (જેણે જંગીમલને યુદ્ધ હારવા અને તેના બદલે ખાડીમાં રહેલ અઢળક સોનું ઝંગીમલને મળશે અને ચંદ્રહાટ્ટી તેને સોંપવાની શરત રાખવામાં આવી છે.)
આદમની ડાબીબાજુએ દાસ ચાલી રહ્યો હતો.
“રાજકુમાર મેં સાંભળ્યું છે કે, રાજાને પણ ખાડીના સોનાની જાણ થઈ ગઈ છે?” દાસ બોલ્યો.
“હા. તો, થઇ જ જાયને તારા જેવા કાયરોને સાથે લઈને યુદ્ધ લડવા જઈએ તો જીતવાના તો છીએ નય.” આદમ બોલ્યો.
“પણ રાજકુમાર ખાડી તો આપણે જીતી જ લીધી હતી, સાથો સાથ રક્ષકો પણ આપડા થઈ ગયા હતા. પરંતુ ક્યાંથી એ વૈભવરાજ આવી કૂદ્યો અને આપણી જીતને હારમા ફેરવી નાખી.” દાસ તેના મોઢા પર ચાદર સરખી કરતાં - કરતાં બોલ્યો.
“હવે તો એ કાંટો પણ ઉખેડી નાંખ્યો.” પ્રધાન બોલ્યો.
“હા પણ તારા રાજ્યમાં વૈભવરાજ જેવાં સિપાહીઓની કંઈ કમી નથી.” આદમ બોલ્યો.
“એટલે જ તો તમારી મદદની જરૂર છે મારે. નહી તો એકલાં જ ચંદ્રહાટ્ટી જીતી લવ.” પ્રધાન બોલ્યો.
“પરંતુ, વૈભવરાજને માર્યો કોણે?” દાસ બોલ્યો.
“બીજું કોણ એનાજ પ્રધાને.” આદમ બોલ્યો અને બધાં જ હસવા લાગ્યા.
તેઓની સાથે ચાલનાર ચાર સિપાહીઓમાં એક સુર્યાંશનો માણસ હતો. જે આ બધી વાત જાણી ગયો હતો.
***
“વિનય... વિનય...!” રોમે ગાડી ઊભી રાખતા કહ્યું.
“અ... અ... અ...” કરતા વિનય આગળ વાંચવા એક પેજ ફેરવતો જ હોય છે કે, રોમ હાથ પકડીને બોલ્યો.
“આપણે હોસ્પિટલ પહોંચી ગયા. ચાલ હવે બહું વાચ્યું.”
શ્રુતિ મેડમ અને માહી બંને નીચે ઉતરી ગયા હતા. વિનયે તે જોયું અને તેને ચોપડી નીચે મૂકી. હોસ્પિટલ એટલું સુરક્ષિત ન હતું કે, કોઈ મોટા વ્યક્તિને મારી નાખે તો કોઈ પણ સબૂત હાથ ન આવી શકે. કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ એટલા સક્ષમ ન હતા. જે એકાદ યુવાન ગાર્ડ હતો તેને હોસ્પિટલની પાછળ આવતા પશુઓ ભગાડવામાં રાખી દીધો છે.
વિનય કાઉન્ટર પાસે જઈને બંગાળી ભાષામાં બોલ્યો, “જ્યોર્જની લાશ ક્યાં છે?”
કાઉન્ટર પર બેસનાર સ્ત્રી પણ બંગાળીમાં બોલી, “તેને પોસ્ટમોર્ટમ વિભાગમાં રાખવામાં આવ્યો છે. જતાં પહેલા હાથમાં ગ્લોસ પહેરવા અને મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજિયાત છે.”
હવે, બધાં જ્યોર્જની લાશ પાસે આવી પહોંચ્યા. રોમ અને માહી બંને એક સાથે થોડાં પાછળ આવીને ઉભા રહ્યાં. વિનય અને શ્રુતિ આગળ જ્યોર્જની લાશ પાસે જઈ ઊભા રહ્યાં હતા. લાશ માંથી થોડી વાસ આવી રહીં હતી. વિનયે પાછળ ઊભેલી માહી તરફ જોયું અને તેને લાશની સરખી ઓળખ કરવા કહ્યું. માહી આગળ આવી ગઈ. લાશ પર ઢાંકેલી ચાદરને પેટ સુધી ખુલ્લી કરી નાખવામાં આવી. લાશ એટલી હદે પેચાયેલી હતી કે, તેને ઓળખવી મુશ્કેલ હતી. માહીની જોતાં જ મોટી રાડ નીકળી ગઇ.
વિનય ડોકટર પાસે ગયો અને પૂછ્યું, “ડોકટર! લાશની ઓળખ કઈ રીતે થઈ?”
ડોકટરે કહ્યું, “લાશની ઓળખ તેના પાકીટ અને તેની સાથે મળી આવેલાં થોડા ડોક્યુમેન્ટ ઉપરથી કરવામાં આવેલ છે.”
“સાથે મળેલાં ડોક્યુમેન્ટ?”
“હા.”
“તે ડોક્યુમેન્ટ ક્યાં છે?” પાછળથી આવીને શ્રુતિ બોલી.
“હોસ્પિટલ પાસે જ છે.” ડોકટર બોલ્યો.
ડોકટરે ડોક્યુમેન્ટ મંગાવી આપ્યાં અને તેમના હોસ્પિટલના કાગળ ઉપર માહીની તેમજ શ્રુતિની સહી લીધી. પછી ડોકટરે લાશ અને બધા દસ્તાવેજ તેમને સોંપી દીધાં.
માહીના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા. માહીએ તેના પપ્પાને બધી વાત કહી સંભળાવી અને કહ્યું. “પપ્પા! આ અંકલ જ્યોર્જ નથી. આતો કોઈ ઢોંગી છે. એનાં માટે આંસુ ન લાવો. આને તો અહિયાં જ છોડીને જતા રહીએ.”
ત્યારે માહીને રોકતા અને તેને સમજાવતા તેના પપ્પાએ કહ્યું, “અગ્નિદાન એ સૌથી મોટું પુણ્ય છે બેટા. જ્યારે ભગવાન રામ સીતાજીને મેળવવા માટે રાવણ સામે યુદ્ધ કરી રહ્યાં હતા. ત્યારે એ રાક્ષશોના મૃત્યુ બાદ તેમનો વિધિ પૂર્વક અને આદર સમ્માન સાથે અગ્નિસંસ્કાર કર્યા. તેના જ ફળ સ્વરૂપે રાવણનો સગોભાઈ વિભીષણ લંકા છોડી ભગવાન શ્રી રામના શરણે આવ્યો. જેને રાવણને હરાવવામાં મદદ કરી.”
ત્યારબાદ તેના પિતાની વાત માની બધાયે વિધિપૂર્વક તેના અગ્ની સંસ્કાર કર્યા અને તે મૃતદેહને અગ્નિદાન માહીના પિતાએ આપ્યા.
***