કાલીધર લાપતા
- રાકેશ ઠક્કર
અભિષેક બચ્ચનનો OTT પર એક અભિનેતા તરીકે બીજો જન્મ થયો છે એમ કહેવામાં કશું ખોટું નહીં ગણાય. તે પોતાને સારો અભિનેતા સાબિત કરીને જ બતાવશે એનું વધુ એક ઉદાહરણ OTT પરની ફિલ્મ ‘કાલીધર લાપતા’ છે. બધા જ જાણે છે કે OTT એ નવી પ્રતિભાઓને જ નહીં પરંતુ ઘણા જાણીતા કલાકારોને તેમની ભૂમિકાઓ સાથે પ્રયોગ કરવાની તક પણ આપી છે. જે કામ તે કદાચ મોટા પડદા પર કરી શક્યા ન હોત. એવા કલાકારોમાં એક અભિષેક બચ્ચનનું નામ હવે સૌથી આગળ આવી રહ્યું છે. 2020 થી એનામાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. તે એવી ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે જેની વાર્તા જરા હટકે હોય છે. તે OTT પર પોતાના પાત્રોમાં સતત કંઈક અલગ આપી રહ્યો છે. એની ‘બિગબુલ’, ‘લૂડો’, 'બોબ બિસ્વાસ', 'દસવી', 'બી હેપ્પી', ‘ઘૂમર’ અને 'આઈ વોન્ટ ટુ ટોક' પછી 'કાલીધર લાપતા' પણ હૃદયસ્પર્શી અભિનય માટે યાદ કરવામાં આવશે.
ફિલ્મના વિષયના દમ પર અભિષેક પોતાના ચાહકો વધારી રહ્યો છે. અભિષેક વચ્ચે ‘હાઉસફુલ 5’ જેવી કોમેડી અને મસાલા ફિલ્મમાં આવી ગયો હોય તો એ જરૂરી એટલા માટે ગણાય કે જે ફિલ્મને બોક્સ ઓફિસ અને હિટ- ફ્લોપના ગણિતથી માપતા રહે છે એમને ખ્યાલ રહે કે તે બીજું નવું પણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો જ્યારે એમ કહે કે ‘કાલીધર લાપતા’ માં અભિષેક બચ્ચન સિવાય આટલો શાનદાર અભિનય કોઈ કરી શકે નહીં અને તે આટલા સુંદર પાત્ર માટે જ બન્યો છે તો એ એનો પુરસ્કાર છે. નિર્દેશિકા મધુમિતાએ એક આધેડ વયના પુરુષ અને બાળક વચ્ચેના બંધનને દર્શાવ્યું છે.
ફિલ્મની વાર્તા નાના પાટરેકરની ‘’વનવાસ’ની યાદ અપાવે છે. કાલીધર (અભિષેક) ને ભ્રામકતાની સમસ્યા છે. તે એવી વસ્તુઓ જોવા અને વિચારવા લાગે છે જે બનતી નથી. તેની બીમારી મોંઘી દવાઓથી સારી થઈ શકે એમ છે. પણ તેના બંને નાના ભાઈઓ દેવામાં ડૂબેલા હોવાથી એનાથી છૂટકારો મેળવવા એને કુંભના મેળામાં છોડી આવે છે અને તે ગુમ થયાનો રિપોર્ટ પણ નોંધાવે છે. તે એક અજાણ્યા ગામમાં પહોંચે છે જ્યાં બલ્લુ (દૈવિક) નામનો આઠ વર્ષનો અનાથ બાળક મળે છે. બંને મિત્રો બને છે. બલ્લુ કાલીધરની ઇચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે.બીજી તરફ જ્યારે ભાઈઓ મિલકત વેચી શકતા નથી ત્યારે કાલીધરને શોધવા સરકારી અધિકારી સુબોધ (મોહમ્મદ ઝીશાન અયુબ) ની મદદ મેળવે છે. હવે એ જાણવા ફિલ્મ જોવી પડશે કે તે કાલીધરને શોધી શકે છે કે નહીં? અને શું કાલીધર ઘરે ઘરે પાછો આવવા તૈયાર થશે?
પહેલો ભાગ ધીમી ગતિએ આગળ વધે છે. પણ જ્યારે બાળ કલાકાર દૈવિક ભાગેલા એના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે ફિલ્મમાં મનોરંજનનું તત્ત્વ ઉમેરાય છે. બધા કલાકારોમાં સૌથી મોટા આશ્ચર્યજનક પેકેજ દૈવિક છે. તે તેની બુદ્ધિ અને તોફાન સાથે બાળક જેવા અભિનયથી દિલ જીતી લે છે. અભિષેક અને દૈવિક વચ્ચેના દ્રશ્યો ટુકડાઓમાં મનોરંજન પૂરું પાડે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી ફિલ્મનો આત્મા છે. એનું પાત્ર જૂની ફિલ્મોની યાદ અપાવશે જ્યારે બાળ કલાકારને કોઈ હીરો કરતાં વધુ મહત્વ અપાતું હતું. સમીક્ષકોએ એક પૂરો સ્ટાર એને અલગથી આપ્યો છે. આ બાળ કલાકારનો શાનદાર અભિનય જોઈને એમ પણ થશે કે અભિષેક એની સામે બાળક છે! અલબત્ત અભિષેક પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો નથી. અલ્ઝાઇમરની બીમારીથી પીડિત ઉદાસ અને મૂંઝાયેલા પાત્રને જીવી બતાવ્યું છે.
આ અસલ ફિલ્મ નહીં પણ તમિલ ફિલ્મ ‘KD’ ની રિમેક છે. જે અનેક ફિલ્મ ફેસ્ટિવલોમાં એઓર્ડ્સ જીતી ચૂકી છે. જેમાં એવા ફેરફાર કરવામાં આવ્યા છે કે સારી જરૂર લાગશે પણ એવોર્ડ મેળવે એવી શક્યતા ઓછી છે. મૂળ તમિલ ફિલ્મમાં 80 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ છે તેની મિલકત હડપ કરવા માટે બાળકો ઈચ્છામૃત્યુ દ્વારા તેને મારવાની યોજના બનાવે છે. હિન્દી સંસ્કરણમાં એક આધેડ વયનો માણસ છે જે ભ્રમની બીમારીથી પીડાય છે. તમિલ ફિલ્મને કોમેડી-ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી હતી. અહીં ઉદાસ સ્વભાવની અને ડ્રામા ફિલ્મ રાખી છે. કોમેડી નાખવાનું જ ભૂલી ગયા છે. વાર્તા બહુ સરળ રાખી છે. હિન્દીમાં લેખનની એ નબળાઈ કહેવાય કે કાલિધરને એક રોગથી પીડાતા બતાવ્યા છે. પરંતુ એવું લાગે છે કે લેખક પાછળથી ભૂલી ગયા હતા કે તેને કોઈ રોગ છે. કેમકે જ્યારે તે તેની ભૂતપૂર્વ પ્રેમિકાને મળવા જાય છે ત્યારે યાદશક્તિ અકબંધ હોય છે. ગર્લફ્રેન્ડ મીરાની ભૂમિકામાં નિમરત કૌરનો ટ્રેક સ્પષ્ટ નથી. સંગીતકાર અમિત ત્રિવેદી એક ગીતને બાદ કરતાં જાદુ કરવામાં નિષ્ફળ રહ્યા છે. માંડ બે કલાકની ફિલ્મ ‘કાલીધર લાપતા’ ઘર બેઠા બાળકો અને પરિવાર સાથે સારો સમય પસાર કરવા જેવી જરૂર બની છે.